ભુજ, તા. 21 : નખત્રાણા પોલીસ મથકમાં નોંધાયેલા
કેબલચોરીના ગુનામાં સંડોવાયેલા વરનોરાના બે આરોપીને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક
શાખાએ ઝડપી પાડી તેમની પાસેથી રૂા. 3.01 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કેબલચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ
બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા નાના વરનોરાના આરોપી
રિયાઝ અબ્બાસ ત્રાયા અને અલ્તાફ જાકબ મોખાને વરનોરા-ભુજ માર્ગ પરથી પોલીસે ઝડપી પાડયા
હતા, જ્યારે અન્ય બે આરોપી અનસ ગની મોખા અને ઈમરાન ઉર્ફે ટાવર
કુંભાર હાથમાં આવ્યા નહોતા. પોલીસે આરોપીઓ પાસેથી પીકઅપ વાહન અને વાયર કાપવાનું સાધન
મળી કુલ રૂા. 3.01 લાખનો મુદ્દામાલ
કબજે કર્યો હતો અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.