ભુજ, તા. 9 : આજે સાંજે નવી મામલતદાર - પ્રાંત
કચેરી પાસે માર્ગ ઓળંગતા સ્કૂટી ચાલક 82 વર્ષીય વૃદ્ધ મનસુખલાલ નાનાભાઈ ગેડિયા (સોની)ને પુરપાટ આવતી
ટ્રકે અડફેટે લેતાં તેમનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ બનાવ અંગે જી. કે. જનરલ
હોસ્પિટલમાં હતભાગી મનસુખલાલના પુત્ર જિજ્ઞેશભાઈ લખાવેલી વિગતો મુજબ પિતા મનસુખલાલ
આજે સાંજે તેમની સ્કૂટીથી જઈ રહ્યા હતા અને નવી મામલતદારની કચેરી પાસેના પુલિયા નજીક
માર્ગ ઓળંગી રહ્યા હતા ત્યારે પૂરપાટ આવતી ટ્રક નં. જી. જે. 12 એક્સ-1404ના ચાલકે અડફેટે લેતા ગંભીર
રીતે ઘાયલ મનસુખલાલને જી. કે. જનરલ હોસિપટલમાં સારવાર અર્થે લઈ અવાતા ફરજ પરના તબીબે
મૃત જાહેર કર્યા હતા. બી-ડિવિઝન પોલીસે કાર્યવાહી આદરી છે. દરમિયાન નવી પ્રાંત કચેરી
સામેના માર્ગ પર ગતી અવરોધકો પણ યોગ્ય રીતે ન બનાવયા હોવાનું રાહદારીઓએ જણાવ્યું હતું.
એક બાજુના રસ્તા પરના અવરોધકનો અડધો ડામર ખસીને અલગ થઈ ગયો છે, જેથી પણ મોટા વાહનો જમ્પ બચાવવા બેદરકારીથી
વાહન ચલાવતા હોવાનું પણ પસાર થતાં લોકોએ ઉમેર્યું હતું.