ગાંધીધામ, તા. 11 : શહેરમાં જુદા-જુદા લોકો પાસેથી વીમાના હપ્તા
ભરવાના પૈસા લઈ તેમજ ઉધાર લઈ પરત ન આપતાં એક શખ્સ વિરુદ્ધ રૂા. 9,70,125ની છેતરપિંડી, વિશ્વાસઘાતની ફરિયાદ
નોંધાઈ હતી.આદિપુરના ડી-સી-પાંચ-પાંજો ઘરમાં રહેનાર દીપકસિંહ આમલસિંહ ઝાલાએ બનાવ અંગે
પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદીને બે વર્ષ?પહેલાં આરોપી એવો જિજ્ઞેશ નવીન
સંઘવી મળ્યો હતો અને પોતે આદિત્ય બિરલા કેપિટલ ઈન્સ્યોરન્સ તથા ટાટા ઈન્સ્યોરન્સમાં
વીમા એજન્ટ હોવાની વાત કરી હતી. બાદમાં ફરિયાદીએ તેની પાસેથી એક વાર્ષિક વીમો રૂા.
18,500 તથા બીજો રૂા. 72,500નો વીમો લીધો હતો, જેનો પહેલો હપ્તો ભરી નાખ્યા બાદ આરોપીએ
પોતે હપ્તા ભરી નાખશે અને પોતાને રૂપિયા આપી દેવા જણાવ્યું હતું. ફરિયાદીએ
પૈસા આપી દીધા બાદ લાંબા સમય સુધી રસિદ ન આપતાં ફરિયાદીને શંકા ગઈ હતી. તેમણે તપાસ
કરતાં આ શખ્સે સહારા પાનના માલિક નાનક પરસોત્તમદાસ પદવાણી પાસેથી રૂા. એક લાખ રોકડ,
રૂા. 3,10,000નો ચેક, ભાવેશ હસમુખ સોની પાસેથી રૂા. 68,760, સોનાંની ચેઈન, રમેશ જગદીશ
રાજગોર પાસેથી પોતાના પિતાની તબિયત બરોબર ન હોવાનું કહીને રૂા. બે લાખ, નિર્મલ જયંતી
મહેતા પાસેથી રૂા. 1,18,000, જિતેન્દ્ર જેઠાનંદ ભાનુશાલી પાસેથી રૂા. 16,400, શુભમ
ભટ્ટના રૂા. 12,800, દેવાનંદ મોહિનાનીના રૂા. 46,66પ, કિશોર સોનીના રૂા. 25,000, રિતેશ
અઘારેના રૂા. 10,000, સુમિત માલવિયાના રૂા. 10,000, રિતેશ ટંડનના રૂા. 10,000, હાર્દિક
રાયચૂરાના રૂા. 10,000 લઈને આ શખ્સ નાસી ગયો હતો. રૂા. 9,70,125ની છેતરપિંડી, વિશ્વાસઘાત
કરનારા આ શખ્સ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.