વવાર (તા. મુંદરા), તા. 18 : મુંદરા તાલુકાના
વવાર ગામની સીમમાં કરોડોની ગૌચર જમીન પ્રાગપર પોલીસે ખાલી કરાવી હતી. આ જમીન ઉપર પાંચ
લોકોએ બિનઅધિકૃત રીતે દબાણ કર્યું હતું. પશ્ચિમ કચ્છ પોલીસના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસરના
દબાણ કરનાર શખ્સો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા બાદ પ્રાગપર પોલીસે આ અંગે કમર કસી
હતી અને મુંદરા તાલુકા વિકાસ અધિકારી એ.આર. ત્રિવેદીની દેખરેખ હેઠળ આજે કાર્યવાહી કરવામાં
આવી હતી. મુંદરાના વવાર ગામની સીમમાં સરકારી ગૌચર જમીન ઉપર કાંટાળી તાર બાંધી બિનઅધિકૃત
દબાણ કરવામાં આવ્યું હતું. અહીં અંજાર તાલુકાના ચાંદ્રોડા ગામના કાંતિ દેવરાજ મરંડ, કુંવરબેન મેમા બકુત્રા, રમેશ મેમા બકુત્રા, ગોવિંદ મેમા બકુત્રા અને બધા ભીમા
આહીરે બિનઅધિકૃત દબાણ કર્યું હતું. પોલીસે વહીવટી તંત્રને સાથે રાખી અહીં આવી અહીંથી
ગૌચર જમીનમાંથી રૂા. 1,95,00,000ની 19.5 એકર જમીન ખાલી કરાવી હતી. સરપંચ
માલશ્રીબેન બાબુભાઈ ગઢવીએ જણાવ્યું કે, ગ્રામ પંચાયત દ્વારા બેથી ત્રણ વખત નોટિસો તેમજ બેથી ત્રણ વખત કહેવામાં આવ્યું હોવા છતાં આ
ગૌચરનાં દબાણો ન દૂર થયાં કે ન નોટિસોનો જવાબ અપાયો હતો. આખરે ગ્રામ પંચાયતે દબાણ હટાવ
કામગીરીનું શસ્ત્ર ઉગામવું પડયું હતું અને ગામની ગૌચર સર્વે નંબર 270માં જે દબાણ હતું તેને દૂર
કરાયું હતું. આ કામગીરી દરમિયાન ટીડીઓ અનિલ
ત્રિવેદી, વિસ્તરણ અધિકારી નીલકંઠ ગોસ્વામી, પીએસઆઇ શ્રી ચાવડા, એએસઆઈ પુનશી ગઢવી, પ્રાગપર પોલીસ સ્ટેશનના સ્ટાફ, સરપંચ માલશ્રીબેન, તલાટી હાર્દિકાસિંહ જાડેજા, વી.સી. ડોસાભાઇ ગઢવી,
માલધારી ગ્રુપ વવારના રમાભાઈ મૌવર, ધનાભાઈ કારાણી,
(માલધારી વવાર ગ્રુપ), ઉપસરપંચ રામભાઈ ચોરાડા,
વિરમ ચોરાડા, ગાવિંદ રૂડાચ, રતન સુમણિયા, વિરમ
બઢા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.