• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ગાંધીધામમાં યુવાનની હત્યાના કેસમાં બે શખ્સને આજીવન કેદ

ગાંધીધામ, તા. 6 : શહેરમાં પાંચ વર્ષ પૂર્વે યુવાનની નીપજાવાયેલી હત્યાના કેસમાં ગાંધીધામની કોર્ટે બે આરોપીને આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ આરોપીઓ અમન નામોરી માતંગ અને પરેશ ઉર્ફે પલ્લો કાનજી મેઘાણીને ગાંધીધામની કોર્ટ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી. કેસની પૂર્વ વિગતો મુજબ આ બનાવ ગત તા. 8 ઓક્ટોબર-2019ના રાત્રિના અરસામાં બન્યો હતો. મહેશ્વરી નગર સમાજવાડી પાછળ ગરબીમાં આરોપી અમન અને  સાથે ફરિયાદીના ભાઈ દિલીપનો બાઈક રાખવા મુદ્દે ઝઘડો થયો હતો. ફરિયાદી અને દિલીપને આરોપીઓએ માર માર્યો હતો. હતભાગી ભાવેશ અને અન્ય સંબંધીઓ આરોપીના ઘરે સમાધાન માટે ગયા હતા. રાત્રિના 1.30 વાગ્યાના અરસામાં ગોપાલપુરી કોલોની પાછળના ગેટ પાસે આરોપીના ઘરે ગયા હતા. આરોપી અમન, તેનો ભાઈ હરેશ, નામોરી માતંગ અને પરેશ માતંગ શેરીમાં ઊભા હતા. આરોપીઓ ઝઘડા બાબતે દિલીપનો વાંક કાઢયો હતો અને ગાળો આપતા હતા. ફરિયાદીના કાકાએ આરોપીઓને ગાળો આપવાની ના પાડી સમજાવટ માટે આવ્યા હોવાનું કહ્યું હતું. આ દરમ્યાન આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને અમને તેની પાસે રહેલી છરી ભાવેશના ગળાના ભાગે મારી હતી. ભાવેશને છોડાવવા વચ્ચે પડયા હતા. આ દરમ્યાન રાહુલને પણ છરી મારી હતી અને માર માર્યો હતો. રાડારાડી થતાં અન્ય લોકો આવી ગયા હોવાથી આરોપીઓ નાસી ગયા હતા. બન્ને યુવાનને સારવાર માટે ગાંધીધામ બાદ રાજકોટ લઈ જવાયા હતા, પરંતુ બે દિવસ બાદ ભાવેશે દમ તોડી દેતાં હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ કેસમાં 27 સાહેદ તપાસાયા હતા. બન્ને પક્ષની દલીલો સાંભળી અધીક સેશન્સ જજ એ.એમ. મેમણે સરકાર તરફે રજૂ થયેલી દલીલને માન્ય ગણી બે આરોપીને તકસીરવાન ઠેરવ્યા હતા. આરોપીઓ અમન નામોરી માતંગ અને પરેશ ઉર્ફે પલ્લો કાનજી મેઘાણીને હત્યાના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી અને બન્ને આરોપીને 5000નો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરે તો વધુ ત્રણ મહિનાની કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો. જામીન મુક્ત બે આરોપીને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી  છોડી મૂકવા  હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ કુ. હિતેષી પી. ગઢવીએ હાજર રહી દલીલો કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang