ગાંધીધામ, તા. 22 : ભચાઉ તાલુકાના છાડવારા નજીક સીમમાં કંપની દ્વારા કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે. દરમ્યાન આ ખુલ્લી જગ્યામાંથી તસ્કરોએ રૂા. 4,51,000ના વાયરની તફડંચી કરી હતી. છાડવારા ગામની સીમમાં કોશલ એનર્જી?પ્રા. લિમિટેડ નામની કંપની દ્વારા પાવર પ્રેજેક્ટનું કામ ચાલી રહ્યું છે જે અંતર્ગત અહીં સીમમાં કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી માટે અહીં ડ્રમ મૂકવામાં આવ્યા છે જે જુદા-જુદા ડ્રમમાં વાયર મૂકવામાં આવ્યા હતા. આ ખુલ્લી જગ્યાએ મૂકવામાં આવેલા ડ્રમમાંથી તસ્કરોએ રૂા. 4,51,000ના 464.5 મીટર વાયરની તસ્કરી કરી હતી. ગત તા. 30/4ના અરસામાં બનેલા આ બનાવ અંગે કંપનીના સુપરવાઈઝર નિલય અમૃતલાલ મિત્રીએ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 21 દિવસ અગાઉ બનેલા આ બનાવ અંગે પોલીસે ગઈકાલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.