• રવિવાર, 16 જૂન, 2024

ભુજમાં યુવાનનું ભેદી સંજોગોમાં મોત

ભુજ, તા. 22 : ભુજના 38 વર્ષીય યુવાન મેમણ અહેમદ વલીમામદનો બે દિવસ પૂર્વે આદિપુરમાં બે જણ સાથે ઝઘડો થયો હતો. વચ્ચે આજે ભુજમાં તેનું મૃત્યુ થતાં ભેદ-ભરમ સર્જાયો હતો. અંગે ભુજ અને આદિપુર પોલીસે છાનબીન આદરી છે. બનાવ અંગે બી-ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. આર.જે. ઠુમ્મરનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, ભુજિયાની તળેટીમાંના સ્મૃતિવનના મકાનમાંથી મૃતક અહેમદની લાશ જી.કે. જનરલ હોસ્પિટલમાં લવાતાં તેના માથા તથા શરીરે ઇજાના નિશાન હતા. પૂછતાછ દરમ્યાન અહેમદનો બે દિવસ પૂર્વે આદિપુરમાં ઝઘડો થયો હતો અને મુઢમાર જેવી ઇજાઓ પહોંચતાં તેણે રામબાગ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. બાદ તે ભુજ આવી ગયો હતો અને આજે સવારે તેનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે આદિપુર પોલીસને જાણ કરાઇ હોવાનું શ્રી ઠુમ્મરે જણાવ્યું હતું. બીજીતરફ પૂર્વ કચ્છ પોલીસના અંતરંગ વર્તુળો  પાસેથી મળેલી જાણકારી મુજબ બે દિવસ પૂર્વે આદિપુરના મુંદરા સર્કલ (મહારાવ સર્કલ)થી અંતરજાળ બાજુ જતા માર્ગ ઉપર ધોકા વડે મારામારીની ઘટના બની હતી, જેમાં અહેમદ ઘાયલ થતાં તેને સારવાર અર્થે રામબાગ હોસ્પિટલ ખસેડાયો હતો અને તેણે જેણે માર માર્યો હતો તે બે આરોપીના નામ એમએલસીમાં લખાવ્યાં હતાં. અહેમદનું મુઢમારના કારણે મોત થયું હતું કે અન્ય રીતે તે પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ સામે આવશે. દરમ્યાન ભુજ અને આદિપુર પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે આજે બનાવ અંગે જી.કે. જનરલ હોસ્પિટલ બહાર મૃતકની બહેને કચ્છમિત્રને આપેલી વિગતો મુજબ 12 વર્ષના દીકરાના પિતા એવા પોતાની પત્નીને મૂકીને સ્મૃતિવન મ્યુઝિયમમાં સફાઇ કામ કરતી મહિલાના ઘરે અહેમદ લાંબા સમયથી રહેતો હતો. મહિલા (નામજોગ)નો આજે અહેમદની બહેનને ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, અહેમદ મૃત્યુ પામ્યો છે. તેમની લાશ તમે લઇ જાઓ. આથી અહેમદની બહેન અને પરિજનો હતપ્રભ બની ભાઇની લાશ જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવ્યા બાદ જોતાં માથા અને શરીરે નિશાન જોવા મળતાં પરિવજનોએ કુદરતી મોત હોવાનું જણાવી હત્યાના આક્ષેપ સાથે તપાસ કરવા પોલીસને જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang