• સોમવાર, 06 મે, 2024

હાજીપીર-કરોળપીરના ઉર્સ-મેળાને અનુલક્ષીને ત્રણ જાહેરનામાં જાહેર

ભુજ, તા. 23 : આગામી તા. 27/4થી 29/4 દરમ્યાન હાજીપીરનો મેળો (ઉર્સ) તથા તા. 29/4થી 30/4 સુધી આમારા ખાતે કરોળપીરનો ઉર્સ-મેળો યોજાનાર છે, જેને અનુલક્ષીને કલેક્ટર દ્વારા ત્રણ જાહેરનામાં બહાર પાડવામાં આવ્યાં છે, જેમાં ટ્રાફિક નિયમન હેતુ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ તેમજ ઉર્સમાં શંકાસ્પદ વસ્તુઓ લઇ જવા પર મનાઇ અને સેવા કેમ્પો માટે પણ સૂચનાઓ આપતાં જાહેરનામાં બહાર પડયાં છે. મેળા દરમ્યાન જિલ્લા બહારથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પગે ચાલીને હાજીપીર ખાતે દર્શનાર્થે જાય છે. વિસ્તારમાં કંપનીઓ કાર્યરત છે અને તે કંપનીના ભારી માલવાહક વાહનો આર્ચિયન કંપનીથી હાજીપીર ફાટક સુધી સિંગલપટ્ટી રોડ?પર અવરજવર કરે છે. આથી તા. 23/4થી તા. 30/4 સુધી હાજીપીર ફાટકથી આર્ચિયન કેમિકલ પ્રા. લિ. કંપની, સત્યેશ કંપની તથા નીલકંઠ કંપની તેમજ ધોરડોથી નીલકંઠ કંપની સુધી ભારે વાહનો જણાવેલી તારીખો દરમ્યાન પરિવહન કરી શકશે નહીં. ઉપરાંત તા. 25/4ના વહેલી સવારથી તા. 30/4ના મોડી રાત્રિ સુધી હાજીપીર દરગાહના સંકુલમાં તેમજ આમારાના કરોળપીરના પરિસરમાં પ્રસાદની વસ્તુ જેવી કે શ્રીફળ વિગેરે વ્યુઅર મશિનથી ફરજ પરના પોલીસ કર્મચારીઓ ચેક કરી શકશે અને વાંધાજનક કે શંકાશીલ જણાશે તો લઇ જવાની પરવાનગી અપાશે નહીં. મેળા દરમ્યાન જિલ્લાના તથા જિલ્લા બહારથી શ્રદ્ધાળુઓ પગે ચાલીને હાજીપીર ખાતે દર્શનાર્થે જાય છે. પદયાત્રીઓ માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા જિલ્લામાં સામખિયાળીથી હાજીપીર સુધી સેવા માટેના કેમ્પો રોડની બંને બાજુએ નાખવામાં આવે છે અને હજારોની સંખ્યામાં પદયાત્રીઓ માટે નાની-નાની રિક્ષાઓ, ટેક્સીઓ, મેટાડોર જેવા વાહનો પણ?સેવા માટે રસ્તા પરથી સતત અવર-જવર કરતા હોય છે. આથી પદયાત્રીઓ માટે જિલ્લા બહારની જે સંસ્થાઓ તરફથી રસ્તાની સાઇડે કેમ્પ રાખવામાં આવે છે તેઓએ કેમ્પ સંબંધિત વિગતો કેમ્પના સ્થળે રાખવાની રહેશે તેમજ સંબંધિત નજીકના પોલીસ સ્ટેશને તેની જાણ કરવાની રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang