• સોમવાર, 06 મે, 2024

ઝરપરાના જીવલેણ હુમલામાં એકને અઢી અને એકને એક વર્ષની કેદ

ભુજ, તા. 23 : મુંદરા તાલુકાના ઝરપરા ગામે ગઢવી સમાજવાડીમાં 14 વર્ષ પહેલાં થયેલા જીવલેણ હુમલાના કેસમાં આરોપીઓને તક્સીરવાન ઠરાવી સેશન્સ અદાલતે સજા આપતો ચુકાદો આપ્યો છે. કેસની ટૂંક વિગતો મુજબ ફરિયાદી રામભાઇ ઓજાભાઇ કાનાણી ઉપર તા. 21/6/2010ના ઝરપરાની સમાજવાડીમાં અન્ય સાથે ઝાડ નીચે ઉભા હતા ત્યારે આરોપીઓ ધનરાજ જખુ શેડા અને તેના પુત્ર શામરા જખુ શેડા તથા ધનરાજના ડ્રાઇવર વિશ્રામ જખુ સેંઘાણી પજેરો ગાડીમાંથી ઉતરી ફરિયાદી ઉપર તલવારોથી જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓએ જતાં જતાં ધમકી આપતાં કહ્યું કે, અગાઉના કેસમાં સાક્ષી છો અને અમે કહીએ તેમ નહીં કરે તો તને મૂકવાના નથી, જાનથી મારી નાખશું. ફરિયાદી રામ અગાઉ ધનરાજ વિગેરે સામે થયેલા જીવલેણ હુમલાના કેસના સાક્ષી હોઇ તેને લઇને તેના પર જીવલેણ હુમલો થયાની ફરિયાદ નોંધાવી હતી. કેસમાં ત્રણ આરોપી વિરુદ્ધ 307 મુજબ ગુનો નોંધાયા બાદ ચાર્જશીટ થયા બાદ ભુજની એડિશનલ સેશન્સ કોર્ટમાં વર્ષ 2014થી ટ્રાયલ શરૂ થઇ હતી જેમાં 19 સાહેદ તપાસી તેમની જુબાનીઓમાં જુદા જુદા 31 મહત્ત્વના આધાર રજૂ કરવામાં આવ્યા અને ત્યારબાદ છઠ્ઠા અધિક સેશન્સ કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી. ટ્રાયલ દરમ્યાન આરોપી ધનરાજ જખુ શેડા મૃત્યુ પામતાં તેમની સામે ટ્રાયલ એબેટ થઇ હતી. કેસમાં તમામ પક્ષકારોને સાંભળી આરોપીઓને તક્સીરવાન ઠેરવી આરોપી વિશ્રામને અઢી વર્ષની સખત કેદની સજા તથા આરોપી શામરાને એક વર્ષની સખત કેદની સજા તેમજ બંનેને એક હજારનો દંડ અને જો દંડ ભરે તો વધુ એક માસની સખત કેદ ઉપરાંત કલમ 506 (2) જાનથી મારી નાખવાની ધમકી સબબ માસની કેદ તથા રૂા. 500નો દંડ?અને દંડ ભરે તો વધુ એક માસની સજા ફરમાવતો હુકમ છઠ્ઠા અધિક સેશન્સના જજે આપ્યો હતો. કેસમાં જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કે. સી. ગોસ્વામી તેમજ મૂળ ફરિયાદી તરફે સિનિયર એડવોકેટ દેવરાજભાઇ વી. ગઢવી, વાય. વી. વોરા, . એન. મહેતા, એચ. કે. ગઢવી તથા એસ. એસ. ગઢવીએ હાજર રહી કાર્યવાહી કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang