• સોમવાર, 06 મે, 2024

ચેક પરત થવાના જુદા - જુદા ત્રણ કિસ્સામાં ચાર આરોપી કોર્ટમાં સુનાવણીના અંતે નિર્દોષ

ભુજ, તા. 24 : ચેક પરત થવાના જુદા-જુદા ત્રણ કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો કોર્ટ દ્વારા થયો હતો. મોટી ખાખરના અજિતભાઇ વિરજીભાઇ વૈદ, માધાપર (ભુજ)ના સુરેશ મોહનલાલ પોમલ સોની ઉપરાંત સુરેન્દ્રાસિંહ ચંદુભા જાડેજા અને કનકાસિંહ ચંદુભા જાડેજાનો નિર્દોષ ઠરેલામાં સમાવેશ થાય છે. ઝરપરા (મુંદરા)ના વાલજી હરિ મંઢાણીએ રૂા. 3.13 લાખના મૂલ્યનો ચેક પરત ફરવા બાબતે મોટી ખાખરના અજિત વૈદ સામે ફરિયાદ કરી હતી. મુંદરા અધિક જ્યુ. મેજિસ્ટ્રેટ કોર્ટમાં ન્યાયાધીશ એસ.એલ. રબારી સમક્ષ સુનાવણી થઇ હતી. બન્ને પક્ષને સાંભળી આરોપીને નિર્દોષ ઠેરવતો ચુકાદો અપાયો હતો. આરોપી વતી વકીલ તરીકે કૈલાસદાન કે. ગઢવી, કરશન કે. ગઢવી, રાહુલ એસ. રાઠોડ અને હરદાસ પી.ગીલુઆ રહ્યા હતા.બીજીબાજુ માધાપરના સુરેશ મોહનલાલ પોમલ સોની વિરુદ્ધ રૂા. નવ લાખનો ચેક પરત થવા બાબતે ભુજના શંકરભારથી જેરામભારથી ગુંસાઇએ ફરિયાદ કરી હતી. ભુજમાં બીજા અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ સમક્ષ કેસ ચાલ્યો હતો. ફરિયાદ પક્ષ તેનો કેસ સાબિત કરી શકયાના તારણ સાથે આરોપીને નિર્દોષ ઠેરવતો ચુકાદો અપાયો હતો. આરોપી વતી વકીલ તરીકે મામદ આઇ. હિંગોરા રહ્યા હતા. જ્યારે નખત્રાણા સ્થિત અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ ચાલેલા ચેકના કેસમાં સુરેન્દ્રાસિંહ જાડેજા અને કનકાસિંહ જાડેજાને નિર્દોષ મુકત કરતો ચુકાદો અપાયો હતો. ન્યાયાધીશ આર.. અગ્રવાલે ફરિયાદીની ફરિયાદ નામંજૂર કરતાં ચુકાદો આપ્યો હતો. કેસમાં આરોપીઓ વતી વકીલ તરીકે અરાવિંદ આર. લીંબાણી અને જિજ્ઞેશ સી. ધોળુ રહ્યા હતા. - મનાઇહુકમ અરજી મંજૂર  : માંડવી તાલુકાના ફરાદી ગામે સર્વે નંબર 327 અને 330 ખાતે આવેલી જમીન બાબતે માંડવીની દીવાની કોર્ટમાં વાદી હિતેશ અરુણ ઠક્કર વગેરેએ પ્રતિવાદી રાજેન્દ્રાસિંહ મુરવાજી જાડેજા વગેરે સામે મનાઇહુકમ મેળવવા અરજી કરી હતી. અરજી મંજૂર કરી દાવાના આખરી નિકાલ સુધી યથાવત્ સ્થિતિ રાખવાનો ચુકાદો અપાયો હતો. વાદીના વકીલ તરીકે કરશન કે. ગઢવી રહ્યા હતા. - મુદત દોષ માફી અપાઇ  : અંજાર તાલુકાના ટપ્પર ગામે આવેલી જમીન બાબતે નાયબ કલેકટર અંજાર સમક્ષ મુદત દોષ માફ કરવા વિશે થયેલા દાવાને મંજૂર કરીને અરજદાર લખીબેન હાસમ કોળી વગેરે તરફે સાત વર્ષ અને ત્રણ માસની મુદત દોષ માફીનો હુકમ કરાયો હતો. અરજદાર વતી વકીલ તરીકે પી.આર. પ્રજાપતિ રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang