• સોમવાર, 06 મે, 2024

રાપરમાં ગેડીના શ્રમજીવીના ગુમ થયેલા પપ હજાર પોલીસે તુરંત શોધી આપ્યા

રાપર, તા. 23 : પૂર્વ કચ્છમાં જુદા-જુદા ત્રણ કિસ્સામાં પોલીસ, વેપારી અને યુવતીએ પ્રામાણિકતા  દર્શાવી હોવાના બનાવ બન્યા હતા. રાપરમાં પોલીસે શ્રમજીવીની રોકડ રકમ શોધી આપી હતી, તો વેપારી યુવાને ગ્રાહકને મોબાઈલ પરત સોંપ્યો હતો, જ્યારે આદિપુરની યુવતીના ખાતામાં આવી ગયેલી રકમ મૂળ માલિકને પરત મોકલી હતી. રાપરમાં બસ સ્ટેશન પાસે હાર્ડવેરની દુકાન ધરાવતા વેપારી યુવાન કલ્પેશ રાજદેની દુકાન પર કોઈ ગ્રાહક મોંઘો આઈફોન ભૂલી ગયો હતો, જે યુવાનનાં ધ્યાને આવતાં તેણે સોશિયલ મીડિયા દ્વારા તેના માલિક કચ્છ પોલીમર્સના રાઘુભાઈ પટેલને શોધીને ખાતરી કરી પરત આપી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડયું હતું. બીજા કિસ્સામાં રાપરમાં લગ્નની ખરીદી કરવા આવેલા ગેડીના શ્રમજીવી જેઠાભાઈ જીવાભાઈ પારકરા કોળીની પચાસ હજાર રૂપિયા જેટલી રકમ ગુમ થઈ જતાં હેબતાઈ ગયેલા શ્રમજીવીની વહારે રાપર પોલીસે આવીને સીસીટીવી કેમેરાના આધારે રકમ  શ્રમજીવીને પરત અપાવી પ્રજામિત્રનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કામગીરીમાં રાપર પીઆઇ જે.બી. બુબડિયાનાં માર્ગદર્શન હેઠળ ચંદન પુરબિયા, વશરામ ચૌધરી, રામદેવાસિંહ જાડેજા, કમલેશ ચાવડા, મુકેશ ચાવડા, નરેશ ઠાકોર વગેરે પોલીસકર્મીઓ જોડાયા હતા. શ્રમજીવીએ ખોવાયેલા પૈસા પરત મળતાં રાહતનો શ્વાસ લીધો હતો અને પોલીસને લાખ દુવાઓ આપી હતી. પોલીસની માનવતાવાદી કાર્યની પ્રસંશા થઈ રહી છે. ગાંધીધામમાં રહેતી યુવતી નિધિ આશિષ પંડયાના ખાતામાં  રૂા. 55,500 જમા થયા હતા. ભુજમાં સહાયક  ફોજદાર તરીકે ફરજ બજાવતા પિતા ભરતભાઈ દવેને જાણ કરી હતી. કાંકરેજના શિક્ષક જોધાભાઈ માધાભાઈ પ્રજાપતિના પૈસા ભૂલથી તેમના ખાતામાં આવી ગયા હતા.   મામલે  ખાતરી કર્યા બાદ  પિતાની સલાહને માન આપીને રકમ શિક્ષકને પરત કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang