નવરાત્રિના આરંભની સાથે જ ભારતભરમાં તહેવારોની મોસમ ખીલી ચૂકી
છે. દિવાળીની ઉજવણીમાં આર્થિક રંગ પૂરવા સરકારે પણ પોતાનો સહયોગ આપવો શરૂ કર્યો છે. યુપીઆઈ પર વેરાના અમલને તહેવારો સુધી મુલત્વી રાખ્યા
બાદ હવે રેલવેના 11.40 લાખ કર્મીને
તેમના 78 દિવસના પગારનું બોનસ જાહેર
કરીને આ પરિવારો ઉપરાંત બોનસ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ થનારી લગભગ 2,009 કરોડની રકમના આર્થિક બુસ્ટરનો
ફાયદો કરાવી આપ્યો છે. દિવાળી જેવા તહેવારમાં બજાર અને પરિવાર પાસે નાણાંની ઉપલબ્ધિ
હોય, તો ઉજવણીની રોનક અને ઉત્સાહ અલગ હોય છે. રેલવે કર્મચારીઓના બોનસની જાહેરાત થઈ ચૂકી છે અને
શક્ય છે કે, આવનારા દિવસોમાં અન્ય સરકારી કર્મીઓના બોનસની પણ
સરકાર મંજૂરી આપી શકે છે. એક પરંપરા રહી છે કે, દિવાળીના તહેવારોની
પહેલા બોનસ ચૂકવવામાં આવે છે. આ રકમ કર્મીઓના
પરિવારને તેમની તહેવારોની ઉજવણીમાં આર્થિક રીતે સહાયભૂત થતી રહે છે. તેની સાથોસાથ બોનસની કુલ રકમ અર્થતંત્રમાં આવે,
તો બજારોમાં પણ આર્થિક વિકાસને વેગ મળી શકે છે. કેન્દ્ર સરકારે રેલવે
કર્મીઓના બોનસને મંજૂરી આપવાની સાથોસાથ બીજો એક મહત્ત્વનો નિર્ણય પણ લીધો છે. દિવ્યાંગોને જન્મની સાથેની સાથે પેન્શનનો લાભ અપાશે. વળી, આ પેન્શન માટેની પાત્રતા
માટે દિવ્યાંગતાની પાત્રતાને 80 ટકાથી ઘટાડીને 40 ટકા કરી દેવાઈ છે. આમ
આ હવે વધુ સંખ્યામાં દિવ્યાંગો પેન્શનને પાત્ર થશે. આ વધારા અને સુધારાને લીધે દિવ્યાંગોને
તેમની દેખભાળ માટે વધુ આર્થિ મદદ ઉપલબ્ધ થશે.
સરકારે હવે તેમના પેન્શનની રકમમાં સુધારો કરવા પર પણ ધ્યાન આપવાની જરૂરત રહેશે
આ ઉપરાંત સમાજિક સહાયતા કાર્યક્રમના અમલને હવે 2030 સુધી અમલી રાખવાનો નિર્ણય પણ સરકારે લીધો છે. વર્ષ 2026થી 2030ના આ સમયગાળા
દરમ્યાન સરકાર આ યોજના પાછળ પ3,428કરોડની રકમની
જોગવાઈ કરશે અને તેનાથી દેશના 3.20 કરોડ લોકોને લાભ મળશે એવી આશા
રખાઈ રહી છે. ખાસ તો બુઝુર્ગો, વિધવાઓ અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરતા પરિવારોને
આ યોજના સહાયભૂત થશે. સરકારને આ શ્રેણીબદ્ધ પગલાંની તહેવારોના ટૂંકા ગાળાથી માંડીને
સમાજિક સહાયતાના લાંબા ગાળાસુધી હકારાત્મક અસર વર્તાશે.