ભુજ, તા. 25 : ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં
કરતાં તત્ત્વો સામે અહીંના ફૂડ અન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા કડક કાર્યવાહી
હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં જ ભીરંડિયારામાં તપાસ દરમ્યાન શંકાસ્પદ ગુણવત્તાવાળા
699 કિલો પનીરનો સ્થળ પર નાશ કરાયો
હતો.ગત તા. 23/10ના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ભુજના ફૂડ સેફ્ટી ઓફિસર એમ. એમ. પટેલ અને એસ.
બી. પટેલ દ્વારા ભીરંડિયારા સ્થિત મેં. પટેલ એન્ટરપ્રાઇઝ ડેરી ફાર્મ પર ઓચિંતી તપાસ
કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પેઢી દ્વારા દૂધ અને તેની બનાવટોનો વ્યાપારી ધોરણે
વેપાર થતો હોવાનું જણાયું હતું. સ્થળ પર પનીર બનાવવાની પ્રક્રિયાનું નિરીક્ષણ કરતાં
તે તદ્દન શંકાસ્પદ અને ખાદ્ય સુરક્ષાનાં ધોરણો વિરુદ્ધ હોવાનું માલૂમ પડ્યું હતું.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006ની જોગવાઈઓ અનુસાર, પેઢીમાંથી શંકાસ્પદ પનીર અને દૂધની બનાવટોના કાયદેસરના નમૂના લઈ, ગુણવત્તા ચકાસણી માટે સ્ટેટ ફૂડ લેબોરેટરીમાં પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં
આવ્યા હતો. પેઢીમાંથી મળી આવેલ પનીર અને દૂધની બનાવટનો જથ્થો માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક
જણાતો હોવાથી કાયદાની માર્ગદર્શિકા મુજબ જાહેર આરોગ્યના હિતમાં અંદાજે 699 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થાનો
પંચની રૂબરૂમાં સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.
લેબોરેટરીમાંથી પૃથક્કરણ અહેવાલ પ્રાપ્ત થયા બાદ, કાયદાકીય નિયમોનુસાર સંબંધિત પેઢી વિરુદ્ધ કોર્ટમાં
કેસ દાખલ કરવા સહિતની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ
એડમિનિસ્ટ્રેશન, ભુજ-કચ્છ
દ્વારા તમામ ખાદ્યપદાર્થ ઉત્પાદકો અને વેપારીઓને જણાવાયું છે કે, ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કે બિનઆરોગ્યપ્રદ વ્યવસાય ચલાવનાર સામે
ભવિષ્યમાં પણ આવી જ કડક ઝુંબેશ ચાલુ રહેશે.