• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

ચીન સાથે ફરી કસોટીની એરણે સંબંધોનાં સમીકરણ

ભારતના ચીન સાથેના સંબંધોમાં હંમેશાં ભરોસાનો અભાવ અને દોસ્તીની આડમાં દુશ્મનાવટની ભાવના સતત વણાયેલા રહ્યા છે.  એક તરફ બન્ને દેશના સંબંધ સુધરી રહ્યા હોવાની છાપ ઉપસી રહી છે, ત્યારે બીજી તરફ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર બન્ને દેશના લશ્કરો એકમેકની સામે આવી ગયા હોવાના ચિંતાજનક અહેવાલ સામે આવી રહ્યા છે.  ચીન સાથેની નિયંત્રણ રેખાનો વિસ્તાર ભારે દુર્ગમ હોવાથી ત્યાં બનતા બનાવો ભાગ્યે જ સામે આવતા હોય છે,  પણ આ વખતે તે વિસ્તારમાં તૈનાત ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના વડાએ પોતે આ વાતનો ઉલ્લેખ કરતા ચીન સાથેના મૈત્રીભર્યા સંબંધની આશા પોકળ હોવાની પ્રતીતિ થઈ છે. આઈટીબીપીના ડીજી શત્રુજિતસિંહ કપૂરે તાજેતરમાં એક કાર્યક્રમમાં એલએસી પરની વાસ્તવિક્તાની વાત કરતાં ચીન સાથેના શાંત જણાતા સંબંધોમાં હવે શંકાના વમળો સર્જાયા છે.  આમ તો તાજેતરમાં ભારતે અરુણાંચલપ્રદેશના અમુક વિસ્તારોનાં નામો પોતાની મરજી મુજબ બદલી નાખ્યાં છે.  નવી દિલ્હીની હકુમત હેઠળના આ વિસ્તારો પર ચીનનો પોતાનો એક તરફી દાવો જૂનો રહ્યો છે.  આ વર્ષે જુલાઈ મહિનામાં અહેવાલ આવ્યા હતા કે, રાજ્યના ઉપરી સુબનસિરી જિલ્લાના તાક્સિંગ વિસ્તારમાં ભારતીય અને ચીની લશ્કરી દળો સામ સામે આવી ગયા છે.  જો કે, તે સમયે આ અહેવાલને કોઈ સત્તાવાર સમર્થન સાંપડયું ન હતું.  ઓઁગસ્ટ મહિનામાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ સીમા વિવાદ અંગેની વાતચીતમાં ભાગ લેવા ચીન ગયા હતા.  તે પછી ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા નવી દિલ્હી આવ્યા હતા. આમ તો જૂન 2020માં ગલવાન અથડામણ બાદ બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી.  તે પછી મંત્રણાઓના વિવિધ દોર દ્વારા આ કડવાશને ધોવાના પ્રયાસ થયા હતા,  પણ હવે આઈટીબીપીના વડાના ઘટસ્ફોટ બાદ વાતવરણ ફરી બગડી રહ્યાની પ્રતીતિ થઈ રહી છે.  આમ થાય તો રાજદ્વારી પ્રયાસ નબળા પડી શકે છે.  આમ તો સીમા વિવાદથી માંડીને નિયંત્રણ રેખા પર લશ્કરી તૈનાતી સુધીના તમામ મુદ્દા પર બન્ને દેશ વચ્ચે મંત્રણાની નિયમ વ્યવસ્થા છે. તેમ છતાં પણ એલએસી પર હજી સ્થિતિ તંગ રહી છે. બીજી તરફ વિદેશમંત્રી એસ. જયશંકરે ચીન સાથેના સંબંધો અંગે સ્પષ્ટ કર્યું હતું કે, એ મોટા પડોશીઓ વચ્ચે મુદ્દામાં હશે, જેને ઓળખવા પડશે અને તેનું નિરાકરણ લાવવું પડશે આવા મતભેદો અપેક્ષિત હોય છે. તેમના પર ધ્યાન આપવાની જરૂર છે, તો આગામી 14 કે 15મી ડિસેમ્બરના શી અને આપણા વડાપ્રધાન વચ્ચે ફ્લોરિડામાં મુલાકાત ગોઠવાઈ રહી છે. અહીં એ નેંધવું પણ જોઈએ કે, શત્રુજિતસિંહ કપૂર 31મી ઓક્ટોબરના આઈ.ટી.બી.પી.ના વડા તરીકે નિવૃત્ત થઈ રહ્યા છે. એવા સમયે તેમની વાતને ટાંકીને વિદેશમંત્રાલયે કહ્યું છે કે, ચીન દ્વારા સ્થાપિત પેટ્રોલિંગ પેટર્નથી અલગ થયા બાદ સ્થિતિ બગડતી હતી.ગલવાનની અથડામણ બાદ બન્ને તરફ ભારે લશ્કરી જમાવટ કરાઈ હતી.  એલએસી સુધી ચોકીઓને આધુનિક સ્વરૂપ અપાયું છે.  હાલે આમ તો પાંચ વર્ષ બાદ એલએસી પર વાતચીતના સંપર્ક ફરી સ્થપાયા છે,  પણ બન્ને દેશનાં દળો હજી શાંતિની પોઝિશન પર પરત ફર્યાં નથી. આવામાં આઈટીબીપીના વડાની વાતે એલએસી પર હજી સ્થિતિ સામાન્ય બનતા લાંબો સમય લાગી શકે છે એવી શક્યતાને નકારી શકાય તેમ નથી.   ભારતે આધુનિક યુદ્ધ પદ્ધતિને ધ્યાનમાં રાખીને એલએસી પરની લશ્કરી જમાવટને નવો આાઁપ આપવા પર ધ્યાન કેન્દ્રિત તો કરેલું જ છે ,પણ ચીનની તૈયારીની સરખામણીએ આપણે હજી પાછા પડી રહ્યા હોવાની પ્રતીતિ થઈ રહી છે, જે ખરા અર્થમાં ચિંતાજનક બાબત છે.   

Ram Katha

Vyapar Utsav

Panchang

dd