• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

શરદોત્સવ અને કચ્છ પ્રવાસન

કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : દિવાળીના તહેવારો આવે એટલે વેકેશનમાં હજારો પ્રવાસી કચ્છ જોવા ઊમટી પડે છે. બસ, ફોર વ્હીલર્સ લઇને સૂરજબારી પુલ ઓળંગવા કતાર લાગે... શિયાળા પહેલાં સહેલાણીઓનો ધસારો વાસ્તવમાં પ્રવાસન સિઝનની શરૂઆત બને છે. ઠંડી જામે... રણમાં પાણી સુકાય ને સફેદી આવવા લાગે તેમ તેમ કચ્છનું ટૂરિઝમ જામવા લાગે... કચ્છ આજે પ્રવાસનધામ તરીકે વિકસિત થયું છે. ધોરડોનું સફેદ રણ, તંબુનગરી, ધોળાવીરા, માંડવી બીચ-પેલેસ, પશ્ચિમ કચ્છની યાત્રાધામ સર્કિટ, ભુજનાં ઐતિહાસિક, પુરાતત્ત્વનાં સ્થળો, નિરોણા, ભુજોડી-આ બધાં ચર્ચાતાં નામ છે. એ સિવાય પણ કચ્છમાં ઘણું છે. ભુજનું સ્મૃતિવન ખ્યાતિપ્રાપ્ત થયું એવું એક્સપોઝર અંજાર વીર બાળભૂમિને પણ મળવું જોઇએ. અબડાસાનું પિંગલેશ્વરધામ, અંજારની જેસલ-તોરલ સમાધિ, વ્રજવાણી એ સ્થળોને પ્રકાશમાં લાવવાનું આયોજન થવું જોઇએ. પ્રવાસનની આ વાત માંડવાનું કારણ છે  શરદપૂર્ણિમા. આજે કચ્છ દેશ-દુનિયાના ટૂરિસ્ટ મેપમાં આવી ગયું છે. એની પાછળ અપાર મહેનત-આયોજનો રહેલાં છે. આનાથી 21 વર્ષ પૂર્વે 2005માં 16થી 18 ઓકટોબર દરમ્યાન વેકરિયા રણમાં પ્રથમ શરદોત્સવ યોજાયો હતો. કચ્છમાં તળપદી જીવનશૈલી અને લોકસંસ્કૃતિને નવી ઢબે પહેલીવાર દુનિયા સમક્ષ પેશ કરવામાં આવી હતી. ગુજરાતના એ સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પહેલથી  `શરદોત્સવ'ની જોરશોરથી જાહેરાતો થઈ હતી. વેકરિયામાં પ્રવાસીઓ માટે સાડા ચારસોથી વધુ એસી-નોન એસી તંબુ, ડોરમેટરી ઊભા કરવામાં આવ્યા હતા. એ સમયે શરદગામમાં એક તરફ લકઝુરિયસ ઉતારા હતા. બીજી તરફ પ્રવાસીઓ રબારી, જત સહિતની સ્થાનિક કોમની ભાતીગળ જીવનશૈલીના સાક્ષી બની શકે, રહેણી કરણી, રોજિંદુ જીવન નિહાળી શકે એ માટે `કચ્છીયત'થી ભરપૂર ગામડું નિર્માણ પામ્યું હતું. મજાની વાત એ હતી કે, ઉત્સવના દિવસો દરમ્યાન જે -તે કોમના લોકોએ પોતાની ઘરવખરી, ઢોર-ઢાંખર સાથે ત્યાં જ રોકાઈને પર્યટકો માટે જબરું આકર્ષણ ઊભું કર્યું હતું. આયોજન સમિતિના અધ્યક્ષ પદે મ.કુ. હિંમતસિંહજી હતા. લોકસંસ્કૃતિ જ કેન્દ્રમાં હોય એ પ્રકારે કચ્છનો એ પહેલો વ્યવસાયી અભિગમ સાથેનો કાર્યક્રમ હતો. આજે ટૂરિઝમ વિકસિત થયા પછી પ્રવાસીઓ માટે રણ અને દરિયાઇ ક્ષેત્રના દરવાજા ખૂલી ગયા છે. તેની શરૂઆતે 2005ના પ્રથમ શરદોત્સવમાં થઇ હતી. કચ્છ સીમાવર્તી પ્રદેશ હોવાથી સામાન્ય રીતે વિદેશીઓને પાકિસ્તાનને અડીને આવેલા સરહદી ઇલાકા તરફ ફરકવાય નહોતું મળતું, પરંતુ શરદોત્સવમાં મહેમાન થનારા વિદેશીઓને સરહદનું ભ્રમણ કરાવવામાં આવ્યું હતું. આજે દર વર્ષે નિયમિત રીતે યોજાતા પશુમેળાનું આયોજન એ વખતે પ્રથમ જ વાર થયું હતું. ગુજરાત સરકારના પ્રવાસન નિગમે રણોત્સવ ઊજવવાની શરૂઆત 1992થી કરી હતી તેમ છતાં વિઝન અને ઇચ્છાશક્તિના અભાવે કંઇ ક્લિક ન થયું. આ કામ મોદીજીએ કરી બતાવ્યું. કચ્છના પ્રવાસનને ઊપસાવવા માટેનો એ પહેલો પ્રામાણિક પ્રયાસ હતો. વાયુસેનાનો એર-શો, પેરાગ્લાઇડિંગ, સંગીતકાર વીજુ શાહની બેન્ડ પાર્ટીનુંય આકર્ષણ હતું. પ્રવાસનની શરૂઆત થોડા જ દિવસોમાં થઇ જશે. કચ્છમાં હોટેલ, રેસ્ટોરાં, હોમસ્ટે, ગેસ્ટહાઉસની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી ચાલી છે. 2008માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ કચ્છના રણોત્સવનું ઉદ્ઘાટન કરતાં જે કહ્યું હતું એ આજે સાક્ષર થયું છે. એક તો એ કે, કચ્છ ગુજરાતના પ્રવાસનનું તોરણ બનશે. તેમનું બીજું વિધાન હતું, સરકારી આયોજનની રાહ જોયા વિના કચ્છે રણોત્સવ નિયમિત યોજતા રહેવાનો પડકાર ઉપાડી લેવો પડશે. એ સમયે શ્રી મોદીએ રણોત્સવનાં આયોજનમાં લોકભાગીદારીનો આગ્ર્રહ રાખ્યો હતો. જાણકારો આજે પણ દૃઢ રીતે માને છે કે, સ્થાનિક લોકોને સામેલ રાખીને નૈસર્ગિક ઢબે જ કચ્છનું પ્રવાસન વિકસાવવું જોઇએ. ધોરડો નજીકનો ગામઠી રિસોર્ટ `શામે સરહદ' લોકભાગીદારીથી પર્યટન વિકાસનો આદર્શ નમૂનો બન્યો. આજે તો ભીરંડિયારાથી ધોરડો વચ્ચે કેટલાય ગામઠી રિસોર્ટ બની  ગયા છે. ખાવડા તરફના માર્ગે પણ રિસોર્ટ-હોટેલો સિઝનમાં ભરચક રહે છે. પ્રવાસનનો વિકાસ કચ્છના અર્થતંત્ર માટે, કચ્છી ધંધાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે એની ના નહીં. ટૂરિસ્ટો આવે એટલે રહેવા, ખાણીપીણી, ટ્રાવેલિંગ, હસ્તકલા બધા વ્યવસાય ધમધમવા માંડે, પણ એક ભયસ્થાન છે ઓવર એક્સપોઝરનું... કચ્છની ખૂબી, તાસીરને નજીકથી જાણનારા લોકો કહે છે, કચ્છની સુંદરતા સાચવી-સાચવીને બતાવો. બધું ખુલ્લું કરી નાખવાની જરૂર નથી. રાજસ્થાન આજે પણ પ્રવાસનમાં ખૂબ આગળ. શિયાળામાં તો વિદેશી પ્રવાસીઓ સેંકડોની સંખ્યામાં ઊમટે, પરંતુ ત્યાંની નૈસર્ગિકતા ચાલી ગઈ છે. ફોરેનર જેશલમેર એક વખત જઈ આવે એ પછી બીજીવાર જવાનું નામ લેતા નથી. કેમ કે, બધું કૃત્રિમ - નાટકીય વધુ લાગે છે. કચ્છમાં આવું ન બને એ માટે સજાગ રહેવું પડશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd