નવી દિલ્હી, તા. 25 : સુપ્રીમ કોર્ટના
પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ સંજય કિશન કૌલની આત્મકથા `િવધાઉટ ફિયર ઓફ ફેવર'એ દેશની સર્વોચ્ચ ન્યાયપાલિકા અને સરકારના આંતરિક સંબંધોના કાળા વિશે અમુક
ગંભીર આક્ષેપો કરાયા છે. આ અંગેના મીડિયા હેવાલને પગલે કોંગ્રેસે સરકાર પર પ્રહારો
કરતાં સવાલ કર્યો છે કે, શું જજોની પસંદગીમાં કોલેજિયન પૂર્વે
સરકારની જ મંજૂરી ચાલતી ? આ પુસ્તકના ખુલાસાથી ન્યાયતંત્રની સ્વતંત્રતા
પર ગંભીર સવાલો ઊભા થયા છે. જસ્ટિસ કૌલના દાવા મુજબ, પૂર્વ મુખ્ય
ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ જજોની નિમણૂકના મામલામાં સરકાર તરફ હંમેશાં નરમ વલણ અપનાવતા
અને સરકાર તરફી નિર્ણયો લેવાની કોશિશ કરતા હતા. પૂર્વ સીજેઆઈ ચંદ્રચૂડ કોલેજિયમની ઔપચારિક બેઠક મળતાં
પહેલાં જ સરકાર સાથે અનૌપચારિક રીતે સંમતિ સાધવાના પ્રયાસો કરતા હતા, જેણે ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડી છે. ડિસેમ્બર 2023માં રિટાયર્ડ જસ્ટિસ કૌલે આક્ષેપો
કરતાં લખ્યું છે કે, સરકાર સાથે
તાલમેલ બેસાડવાની પદ્ધતિને લઈને મારા અને તત્કાલીન સીજેઆઇ ચંદ્રચૂડ વચ્ચે મતભેદો હતા.
કોલેજિયમની ચર્ચા અગાઉ સરકારને સામેથી મોકો આપવો એ એક ખતરનાક સંદેશ આપે છે,
કારણ કે જ્યારે પણ ન્યાયતંત્ર નબળું પડે છે ત્યારે રાજકીય પક્ષો અને
સરકાર પોતાની મનમાની ચલાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરે છે. પુસ્તકમાં કોલેજિયમની બેઠકના
ચોંકાવનારા કિસ્સાઓના પણ આરોપો છે. એકવાર જજોની છ ખાલી જગ્યાઓ ભરવાની હતી અને પાંચ
નામો પર સહમતી સધાઈ ચૂકી હતી, પરંતુ બેઠકમાં જતા સમયે અચાનક સીજેઆઇ
ચંદ્રચૂડે એક છઠ્ઠું નામ આગળ ધર્યું, જેનો અન્ય જજોએ વિરોધ કર્યો
હતો. જસ્ટિસ કૌલને શંકા ગઈ કે આ નામ સીધું સરકારના ઈશારે આવ્યું છે અને સીજેઆઇ તેમને
બાજુ પર લઈ જઈને સરકારને ફોન કરવા અંગે વિચારવા લાગ્યા હતા. જસ્ટિસ કૌલે સમયસૂચકતા
વાપરીને તેમને અટકાવ્યા હતા. આ ઉપરાંત, એક લઘુમતી સમુદાયના જજ
ઉમેદવારની નિમણૂક વખતે સરકારે તેમની જાતિ અને ધાર્મિક પ્રતિનિધિત્વ પર વાંધાજનક સવાલો
ઉઠાવ્યા હતા. જ્યારે સીજેઆઇ ચંદ્રચૂડે સરકારની આ અયોગ્ય રજૂઆત સામે મૂકી ત્યારે જસ્ટિસ
કૌલ એટલા ગુસ્સે ભરાયા કે તેઓ ફાઈલ બંધ કરીને કોલેજિયમની બેઠકમાંથી વોકઆઉટ કરીને બહાર
નીકળી ગયા હતા. જો કે, બાદમાં સરકારને ઝૂકવું પડ્યું હતું અને
તે યોગ્ય જજની નિમણૂક કરવામાં આવી હતી.