નવી દિલ્હી, તા. 25 : શનિ, રવિવારની રજામાં યુરોપના અનેક દેશોમાં મોંઘવારી,
આવાસ સંકટ, પેન્શન કાપ, ક્ષીણ
થયેલી શિક્ષણ વ્યવસ્થા અને યુદ્ધ સહિતના મુદ્દે પ્રચંડ વિરોધ પ્રદર્શનો થયાં હતાં.
ફ્રાન્સ, અલ્બાનિયા, ઈટાલી, સ્પેન અને પોર્ટુગલમાં હજારો લોકો સડકો ઉપર ઉતરી આવ્યા હતા અને સરકાર સામે
બુલંદ અવાજે સુધારાની પોકારો કરી હતી. જેમાં અનેક શહેરોમાં દેખાવકારો અને પોલીસ વચ્ચે
હિંસક અથડામણો થઈ હતી અને સરકારોએ અનેક ઠેકાણે સુરક્ષા બંદોબસ્ત સઘન કરવો પડયો હતો.
કેટલાંક સ્થાને તો સેના ઉતારવી પડે તેવી નોબત આવી ગઈ હતી. સુરક્ષા સંબંધિત સાવધાનીઓ
છતાં ફ્રાન્સનાં અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનો હિંસક અથડામણોમાં પલટાઈ ગયાં હતાં.
જેમાં આશરે 2400 લોકોની અટકાયત
થઈ હતી. સુરક્ષાદળોના આશરે એકાદ હજાર જેટલા જવાનો ઘવાયા હતા. આ પ્રદર્શનોમાં ચારેક
લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. એકલા પેરિસમાં જ 100 પ્રદર્શનકારી અને સ્થાનિકો ઘાયલ થયા હતા. પેરિસમાં થયેલાં ઘર્ષણમાં
પોલીસે વોટર કેનન અને અશ્રુવાયુના ગોળા પણ દાગ્યા હતા. આટલું જ નહીં, ઉપદ્રવીઓ ઉપર નજર રાખવા માટે હેલિકોપ્ટર પણ
તૈનાત કરવામાં આવ્યાં હતાં. અલ્બાનિયામાં પોલીસે દેખાવકારોને વિખેરવા માટે અશ્રુવાયુ, પાણીનો મારો અને રબ્બરની ગોળીઓના ફાયરિંગ પણ
કરવામાં આવ્યા હતા. આ દેખાવકારોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. રાજધાની તિરાનામાં
કૃષિ મંત્રાલયનાં દરવાજે આગ લગાવી દેવામાં આવી હતી. જોતજોતામાં આ પ્રદર્શનો દેશનાં
અન્ય શહેરોમાં પણ પ્રસરી ગયાં હતાં. ઈટલીના મિલાન, રોમ,
ટયૂરિન, નેપલ્સ અને ફ્લોરેન્સ જેવાં શહેરોમાં યુવાનો
અનેક સામાજિક અને રાજકીય મુદ્દા સાથે કૂચમાં નીકળા હતા. પોલીસ દ્વારા 8 શહેરોમાંથી 371 લોકોની અટકાયત કરવામાં આવી
હતી અને આમાં 110 સગીરો પણ સામેલ હતાં. રોમમાં
દેખાવકારોના એક જૂથે ઐતિહાસિક કોલોસિયમમાં જબરદસ્તી ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ મિલાનમાં વધારાનાં
પ00 સૈનિકોને તૈનાત કરવાનો આદેશ
આપ્યો હતો. સ્પેનની રાજધાની મેડ્રિડમાં હજારો પેન્શનધારકો અને નાગરિકોએ સાર્વજનિક પેન્શન
સિસ્ટમની સુરક્ષા અને મોંઘવાર સહિતનાં મુદ્દે માર્ચ કાઢી હતી. પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં
હજારો લોકોએ આવાસીય સંકટ અને મોંઘવાર વિરુદ્ધ દેખાવો યોજ્યા હતા. પ્રદર્શનકારીઓનું
કહેવું હતું કે, દેશમાં યુવાનો માટે મકાન
ખરીદવું કે ભાડેથી મેળવવું પણ અસંભવ બની ગયું છે.