વિશ્વના વ્યૂહાત્મક સમીકરણોમાં ઊર્જાની જરૂરતના રાજદ્વારી પરિમાણો
આજકાલ કેન્દ્ર સ્થાને છે. લશ્કરી કે આર્થિક તાકાતની જેમ જ હવે ઈંધણ ઉત્પાદનની ક્ષમતા
દેશોની તાકાતનો માપદંડ બની ગઈ છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના જંગમાં આરબ દેશોની ક્રૂડના
ઉત્પાદન ક્ષમતા પર ભારે અસર પડી હોવાના પરિણામે દુનિયાભરમાં ઈંધણના ભાવો બેકાબૂ છે
અને પુરવઠાની ઘટ ઊભી થઈ છે. આવામાં અમેરિકાને
એક તરફ પોતાની ડીઝલની જરૂરત માટે રશિયા સામેના પ્રતિબંધો હળવા કરીને આયાત કરવાની ફરજ
પડી રહી છે. હવે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો
રૂબિયોએ ભારત આવીને ઈંધણ માટેની વ્યવસ્થા ચકાસવાની વાટાઘાટો કરી છે. ભારત હાલે ક્રૂડ
તેલને રિફાઈન કરીને ડીઝલ સહિતના ઈંધણના ઉત્પાદનની નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે. અમેરિકાના
વિદેશમંત્રીની આ મુલાકાત ભારતને હવે ક્રૂડ
રિફાઈનિંગની મહાશક્તિ તરીકે પ્રસ્થાપિત કરી રહી છે. અમેરિકા હવે ભારત પાસેથી મોટા પ્રમાણમાં
ઈંધણની આયાત કરવા સક્રિય બન્યું છે. આવામાં ભારતની ખાનગી અને સરકારી ક્ષેત્રની કંપનીઓની
રિફાઈનિંગ ક્ષમતા તરફ વિશ્વની મીટ મંડાઈ છે. ઉલ્લેખનીય છે કે, ભારત તેની ઘરઆંગણાની જરૂરત કરતાં વધુ રિફાઈનિંગની
ક્ષમતા ધરાવે છે. વધારાના ઈંધણને આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ કરે છે. આજકાલ ભારતની રિફાઈનરીઓ દુનિયાના દેશો પાસેથી ક્રૂડ
તેલની આયાત કરીને ઘરઆંગણે તેને ઈંધણમાં પરિવર્તિત કરે છે. વળી ભારતની રિફાઈનરીઓ ક્રૂડ તેલની અલગ અલગ ગુણવત્તાને
રિફાઈન કરવાની ફાવટ ધરાવે છે. આને લીધે તમામ
પ્રકારના ક્રૂડ ભારતમાં ઈંધણનું સ્વરૂપ પામે છે. અમેરિકી વિદેશમંત્રીની જામનગરમાં આવેલી
રિલાયન્સની મુલાકાત આ સંદર્ભમાં લેવાઇ રહી છે. રૂબિયોએ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી
અને પુત્ર અનંત અંબાણી સાથે વિશાળ તેલ રિફાઇનરીની મુલાકાત લીધી અને વેનેઝુએલાનાં કાચાં
તેલને રિફાઇન કરવા માટે ચર્ચા કરી એ સૂચવે છે કે, ભારત હવે કાચાં
તેલનું રિફાઇનિંગ કરવામાં સુપરપાવર બની ગયું છે. હવે અમેરિકાના વિદેશમંત્રી અને તેમની
સાથેનું પ્રતિનિધિ મંડળ વેનેઝુએલાના ક્રૂડ તેલને ભારતમાં રિફાઈન કરવા અંગે ચકાસણી કરશે. ખરેખર આ નવો ઘટનાક્રમ ભારતની ટેક્નોલોજીની તાકાતની
સ્વીકૃતિ સમાન છે. આ મામલે એવી શક્યતા છે કે, ભારત અને અમેરિકા
વેનેઝુએલાના ક્રૂડ ઉત્પાદનમાં સરકારી અને ખાનગી ક્ષેત્રની સાથે ભાગીદારી કરી શકે છે. આ ભાગીદારીથી અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધ અને
સહયોગોમાં નવું મહત્ત્વનું પરિમાણ ઉમેરાશે જે આવનારા સમયમાં ચાવીરૂપ બની શકે તેમ છે.
વેપારી રીતે જોઈએ કે ભારતને વેનેઝુએલાના ક્રૂડ તેલની ઉપલબ્ધીથી અન્ય દેશો પાસેની આયાતમાં
વધુ સોદાબાજીનો તક ઊભી થશે જે આર્થિક સમીકરણોમાં
ફાયદાકારક બની શકે તેમ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ
ટ્રમ્પે તેમની મધ્યસત્ર ચૂંટણીમાં પરાજયની આશંકાને લીધે રશિયા પાસેથી આયાત કરવાનો અચાનક
લીધેલો નિર્ણય ભારતને પણ ફાયદાકારક બની રહેશે, પણ ટ્રમ્પની પ્રકૃતિ
જોતાં ચૂંટણી બાદ તેઓ તેમના વલણને ફરી ફેરવીતોળે તો કોઈ નવાઈ પામવા જેવું રહેશે નહીં.
ભારતે હાલના આ રાહતના ગાળાનો વધુ ને વધુ ફાયદો ઉઠાવવા અને આવનારા કોઈ પણ અણધાર્યા સંકટની
સામે સજ્જ રહેવા માટે ઉપયોગ કરવા પર ધ્યાન આપવું રહ્યં