ગાંધીધામ, તા. 24 : ગાંધીધામ આદિપુરમાં પીવાના
પાણીની ગંભીર કટોકટી વચ્ચે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે કડક બેઠક બાદ અચાનક વરસામેડીથી
રામબાગ પાણીના ટાંકા ઉપર પાણીનો જથ્થો વધ્યો હતો અને 31 એમએલડી પાણી આવ્યું હતું. સૌથી
મોટી નોંધનીય વાત તો એ છે કે ટપ્પરમાં હજુ પણ એક જ મોટર કાર્યરત છે. તે વચ્ચે અચાનક
પાણીનો મોટો જથ્થો આવ્યો છે તો આટલા દિવસો સુધી પાણી પુરવઠા બોર્ડ શું કામ કાર્યવાહી
કરવામાં ન આવી તે સહિતના સવાલો ઊભા થયા છે. મહાનગરપાલિકા કચેરીમાં પાણી પુરવઠા બોર્ડના
અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મેયર દિવ્યાબેન નાથાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસ શેઠ અને પાણી સમિતિના ચેરમેનને મોહન ગોરી પાણી
પુરવઠા બોર્ડના અધિકારીઓને સ્થિતિ વધુ વણસે તે પહેલાં પગલાં ભરીને ગાંધીધામને પીવાના
પાણીનો જથ્થો આપો તેવી માંગ કરી હતી ને અધિકારીઓને તાકીદે કાર્યવાહી કરવા માટે કહ્યું
હતું. ત્યારપછી અધિકારીઓ અને મહાનગર-પાલિકાના પદાધિકારીઓ રાત્રિના સમયે વરસામેડી સંપ ઉપર પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું.
તે દરમિયાન અધિકારીઓ રામબાગના ટાંકા ઉપર પરત આવતાં અચાનક પીવાના પાણીનો જથ્થો વધી ગયો
હતો. ચેરમેનના કહેવા મુજબ 30 એમએલડી પાણીનો જથ્થો મળ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે ટપ્પર
ઉપર હજુ પણ એક જ મોટર કાર્યરત છે. એ દરમિયાન ગાંધીધામને પીવાના પાણીના જથ્થામાં વધારો
કરવામાં આવ્યો છે. સંભવત: નર્મદાનું પાણી આપવામાં આવ્યું છે. ગાંધીધામ સંકુલના લોકો
બાર દિવસથી પીવાના પાણી માટે હેરાન થઈ રહ્યા હતા. એ દરમિયાન પાણી પુરવઠા બોર્ડ દ્વારા
વરસામેડીથી જથ્થો વધારે આપવામાં ન આવતાં સવાલો ઉઠ્યા છે. વૈકલ્પિક વ્યવસ્થા હોવા છતાં તેનો ઉપયોગ ન કરવામાં
આવતા અધિકારીઓ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલના સમય રામબાગ પાણીના ટાંકા ઉપર 30થી 31 એમએલડી પીવાના પાણીનો જથ્થો મળી રહ્યો છે. જેના પગલે ગાંધીધામ-આદિપુરમાં
પીવાના પાણીમાં લોકોને રાહત મળે તેવી સંભાવના ઊભી થઈ છે. ટપ્પર ડેમ ઉપર બીજી મોટર કાર્યરત
થયા પછી આ આ પાણીના જથ્થામાં હજુ વધારો કરવામાં આવે તેવી માંગ મહાનગરપાલિકાના પાણી
પુરવઠાના ચેરમેન દ્વારા કરવામાં આવી રહી છે.