ગાંધીધામ, તા. 25 : અંજાર તાલુકાના ભુવડ ગામની
સીમમાં નદીના પટ નજીક બાવળની ઝાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ગાળતા બે શખ્સોને પોલીસે પકડી
પાડયા હતા. આ જગ્યાએથી તૈયાર દેશી દારૂ તથા આથો કુલ કિંમત રૂા. 1,01,000નો પદાર્થ મળી આવ્યો હતો.અંજાર
પોલીસની એક ટીમ ભુવડ બાજુ આજે સવારે પેટ્રોલિંગમાં હતી દરમ્યાન ભુવડ ગામના જંગી વાડીવિસ્તારમાં
રામદેવસિંહ વેલુભા જાડેજાની વાડીની બાજુમા આવેલા નદીના પટ નજીક બાવળની ઝાડીમાં મોટી
ખેડોઈના શખ્સો દેશી દારૂની ભઠ્ઠી ગાળતા હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી. અહીં દોડી
આવેલી પોલીસે આ જગ્યાએથી મોટી ખેડોઈના મેઘરાજસિંહ નારૂભા જાડેજા તથા રૂષિરાજસિંહ નારૂભા
જાડેજા નામના શખ્સોને પકડી પાડયા હતા. આ બંને શખ્સો અહીં દેશી દારૂની ભઠ્ઠી ગાળી રહ્યા
હતા. અહીંથી 1800 લિટર જુદા-જુદા કેરબાઓમાંથી
આથો તથા જુદા-જુદા બેરલોમાંથી 280 લિટર તૈયાર
દેશી દારૂ એમ કુલ રૂા. 1,01,000નું
પ્રવાહી મળી આવ્યું હતું, જેનો નાશ કરાયો
હતો.પોલીસે અહીંથી માદક પદાર્થ તથા ગમેલા, કરણફૂલ, કાર નંબર જી.જે.-15-સી-એફ-5221, એક્ટિવા નંબર જી.જે.-39-જે- 1924, બે મોબાઈલ એમ કુલ રૂા. 2,86,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.