• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

ગુજરાતે વિકાસની દોડમાં ગિયર બદલવા પડશે

હૃષીકેશ વ્યાસ દ્વારા : અમદાવાદ, તા. 25 : ગુજરાત દેશમાં સમૃધ્ધ અને ઔધોગિક રાજ્યોની યાદીમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાતની વિકાસકથા અત્યાર સુધી મુખ્યત્વે ઉદ્યોગ, રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નિકાસની રહી છે પરંતુ હવે તેમાં એક નવું પ્રકરણ ઉમેરાવાનું છે. આગામી વર્ષોમાં ગુજરાત માટે મોટો પ્રશ્ન એ નહીં રહે કે, કેટલા નવા ઉદ્યોગ આવ્યા પરંતુ મુખ્ય ગણતરી એ બાબતની થવાની છે કે, આ ઉદ્યોગોથી કેટલી સારી નોકરીઓ ઊભી થઈ, ગુજરાતના યુવાનો કેટલા કુશળ બન્યા, નવી ટેક્નોલોજીમાં રાજ્ય કેટલું આગળ વધ્યું અને વિશ્વબજારમાં ગુજરાતનું સ્થાન કેટલું મજબૂત બન્યું. તાજેતરમાં નીતિ આયોગના નીતિ-સંધાનમાં કહેવાયું છે કે, વિકાસ હવે માત્ર ઈમારતો, કારખાનાં અને રોકાણના આંકડાથી નહીં મપાય પરંતુ માણસ અને તેની ક્ષમતા પણ વિકાસનું મોટું માપદંડ બનશે. ગુજરાત પાસે ઉદ્યોગો છે, મૂડી છે, બંદરો છે, બજારો છે અને લાંબી ઔદ્યોગિક પરંપરા છે. હવે તેમાં કુશળ માનવબળ અને નવી પેઢીના રોજગારનો મજબૂત ઉમેરો થાય તો ગુજરાત આગામી વિકાસ દોડમાં વધુ આગળ નીકળી જશે.  નીતિ આયોગના ઓક્ટોબર-2026ના NITI-સંધાનમાં આવેલા વિવિધ અભ્યાસોનો સરળ સાર એ છે કે, આગામી વર્ષોમાં માત્ર નવા ઉદ્યોગો લાવવા પૂરતું નહીં રહે. ઉદ્યોગો માટે કુશળ માણસો, નવી ટેક્નોલોજી, ઇલેક્ટ્રિક વાહનો, વધુ સારી સેવાઓ અને નવા રોજગાર ક્ષેત્રો પણ એટલાં જ જરૂરી બનશે. ગુજરાતે અત્યાર સુધીમાં ઉદ્યોગો અને રોકાણના ક્ષેત્રે મોટી પ્રગતિ કરી છે પરંતુ હવે દુનિયાભરમાં ઉત્પાદનની રીત બદલાઈ રહી છે. નવી ટેક્નોલોજી આવી રહી છે અને કંપનીઓને વધુ કુશળ માણસોની જરૂર પડી રહી છે એટલે, નીતિ આયોગના મેન્યુફેક્ચારિંગ અંગેના અભ્યાસમાં પણ માત્ર ઉત્પાદન વધારવા કરતાં વધુ મૂલ્ય ધરાવતી વસ્તુઓનું ઉત્પાદન, નવી ટેક્નોલોજી અને વૈશ્વિક બજારમાં મજબૂત સ્થાન મેળવવા પર ભાર મૂકાયો છે અર્થાત ગુજરાત માટે તેનો સીધો અર્થ છે કે હવે માત્ર 'ઉદ્યોગ આવ્યો' એટલું પૂરતું નહીં ગણાય પરંતુ હવે, ઉદ્યોગમાં ગુજરાતના યુવાનોને કેટલું કામ મળ્યું, નવી ટેક્નોલોજી કેટલી આવી અને ગુજરાતમાંથી વિશ્વબજારમાં શું નવું જઈ રહ્યું છે, તે પણ મહત્વનું બનશે.  નીતિ આયોગના સ્કાલિંગ અંગેના અભ્યાસનો એક મહત્વનો સંદેશ એ છે કે, યુવાનોને માત્ર શિક્ષણ આપવાથી કામ નહીં ચાલે. શિક્ષણ પછી તેમને કામની દુનિયા માટે તૈયાર કરવા પડશે. સ્કૂલથી જ વ્યવસાયલક્ષી શિક્ષણ, ઉદ્યોગ સાથે તાલીમ, એપ્રેન્ટિસશિપ અને યોગ્ય કારકિર્દી માર્ગદર્શન પર ભાર મૂકાયો છે. - ગુજરાત માટે નીતિના અહેવાલનો સીધો સંદેશ : નવા ઉદ્યોગા : ઉદ્યોગ સાથે નવી ટેક્નોલોજી અને નવી નોકરીઓ લાવવી પડશે - EV : ઈલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં ઝડપ વધારવાની તક  - યુવાનોની સ્કિલ : ઉદ્યોગને જેવો માણસ જોઈએ તેવો તૈયાર કરવો પડશે  - એપ્રેન્ટિસશિપ :           ભણતા યુવાનોને કામનો અનુભવ આપવો જરૂરી  - મેન્યુફેક્ચરિંગ : માત્ર ઉત્પાદન નહીં, વધુ સારી અને મોંઘી વસ્તુઓ બનાવવી  - નિકાસ : ગુજરાતમાંથી વિશ્વબજારમાં વધુ માલ પહોંચાડવાની તક  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd