• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

એસબીઆઈના ખાતાધારકોના હેકિંગથી વધી સાયબર ચિંતા

સાયબર ટેક્નોલોજીના વિકાસ અને સતત વધતા વપરાશની સાથોસાથ સલામતીને લગતી ચિંતા પણ સતત વધી રહી છે. સાયબર હાકિંગની અસર હવે ભારતના સામાન્ય નાગરિકો સુધી અનુભાવઈ રહી છે. દેશની ટોચની સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)ના લાખો ખાતેદારની વિગતો ડાર્ક વેબ પર લીક થયાના અહેવાલોએ ફરી એક વખત સાયબર સલામતીની નબળાઈ છતી કરી દીધી છે. આ તાજા બનાવે બતાવી આપ્યું છે કે, એકલદોકલ નાગરિકોથી માંડની બેંકના ખાતેદારો સુધી કોઈની વિગતો હવે સલામત રહી નથી. એસબીઆઈના ખાતાની વિગતો હેક થયાના અહેવાલ આવ્યા તે પહેલાં હેકરની એક ટોળકીએ દાવો કર્યો હતો કે, તેની પાસે આ બેંકના ચાર લાખ જેટલા ખાતેદારોની વ્યક્તિગત માહિતી છે. તે પછી બેંકનું તંત્ર સક્રિય થયું હતું અને તેની પ્રાથમિક તપાસમાં 3897 ગ્રાહકને સાંકળતી વ્યક્તિગત માહિતી ડાર્ક વેબ પર હોવાનું બહાર આવ્યું હતું.  સ્પષ્ટ છે કે, સાયબર વિશ્વમાં નવા-નવા પડકારો સામે આવતા રહે છે. એસબીઆઈનું પ્રકરણ આવા જ એક પડકારનો હિસ્સો છે. જો કે, આ બનાવે ફરી એક વખત બતાવી આપ્યું છે કે, આધુનિક સમયમાં ટેક્નોલોજીના વિકાસની સાથોસાથ તેને સતત સલામત રાખવા પર પણ કામ થતું રહેવું જોઈએ. એસબીઆઈના જે ગ્રાહકોની વિગતો જાહેર થઈ છે, તેમાં ખાતેદારના નામ ઉપરાંત મોબાઈલ નંબર, ઈ-મેલ, સરનામા અને આધાર સહિતની અમુક માહિતીનો સમાવેશ થાય છે. જો કે, આ વિગતો જાહેર થવાથી બેંક ખાતાની સલામતી પર કોઈ જોખમ જણાયું નથી, પણ જે રીતે આ વિગતો લીક થઈ છે તે બેંકની સાયબર સલામતની નબળાઈ છતી કરે છે. હેકરો ધારે તો આ ખાતા પર ધાડ પાડી શકે છે એનો હવે ઈન્કાર થઈ શકે તેમ નથી. આમે પણ સાયબર વિશ્વમાં અંધારી આલમ તરીકે કુખ્યાત ડાર્ક વેબ પરની ગેરકાયદે પ્રવૃત્તિ હવે દુનિયા માટે ગંભીર પડકાર બની ગઈ છે.  હવે આ ડાર્ક વેબ સાથે જોડાયેલા દુનિયાના હેકરોએ બેંકોની વિગતો હેક કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. વ્યક્તિગત આર્થિક વ્યવહારોથી માંડીને દેશના અર્થતંત્ર માટે ભારે ચિંતા ઊભી કરે તેવા આ ઘટનાક્રમમાં ભારત માટે વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે.  ભારતમાં ડિજિટલ સલામતી સાથે જોડાયેલી કંપની ઈ-મુદ્રામાં પણ ટેક્નોલોજીની તકલીફ સામે આવી છે.  હવે દેશના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે તેની તપાસ પણ શરૂ કરાવી છે.  સરકારે હવે ખુલાસો કર્યો છે કે, ઈ-મુદ્રાની તકલીફથી કંપનીના વિદેશી વેપાર પર જ અસર પડી છે. ભારત માટે ભારે ચિંતા જગાવે તેવા આ બે ઘટનાક્રમે સાયબર સલામતી માટે સતત સાબદા રહેવાની અનિવાર્યતા છતી કરી છે.  આવા સાયબર હુમલાની સામે આપણા ડિજિટલ તંત્રે સલામતીની અભેદ્ય વ્યવસ્થા ઊભી કરવાની સાથોસાથ દુનિયામાં રોજ સવાર પડે ને ચાંચિયાગીરીની નવી-નવી ટેક્નોલોજી પર પણ સતત નજર રાખવા માટે કાબેલ નિષ્ણાતોની ટીમને સક્રિય રાખવા પર પણ ધ્યાન આપવાની સરકાર અને ખાનગી ક્ષેત્રે સંકલન સાધવાની જરૂરત છે.  સરકાર પાસે ટેક્નોલોજી કે સાધનો ઘણી વખત બહુ જલ્દી જૂના થઈ જતા હોય છે. ભારતના ખાનગી ક્ષેત્ર પાસે સાયબર સલામતીના મામલે વિશ્વમાં શ્રેષ્ઠ કહી શકાય એવી કાબેલિયત છે, તો સરકારે આ મામલામાં આઉટસોર્સિંગ જેવા ઉપાયો દ્વારા ખાનગી ક્ષેત્રનો સહયોગ મેળવવા પર પણ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd