• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

પાવરપટ્ટીના ઝુરા નજીક ઘાસ ભરેલી ટ્રક સળગી

નિરોણા (પાવરપટ્ટી), તા. 25 : પાવરપટ્ટીના ઝુરા અને પાલનપુર વચ્ચે આજે બપોરે પંજાબ રાજ્યમાંથી ઘાસ ભરીને આવતી એક ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળતાં કિંમતી ઘાસ બળીને ભસ્મ બન્યું હતું. આગને કાબૂ કરવા ભુજ ફાયર બ્રિગેડની ટીમ દોડી આવીને આગ બુઝાવી હતી. આજે બપોરે પંજાબ રાજ્યમાંથી ઘાસ ભરીને આવતી ટીસી ટ્રક નં. પીબી-04-વી- 9472માં પાવરપટ્ટીના ઝુરા નજીક રોડ પર કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. રોડ પર ગાડીમાં આગ લાગવાના સમાચાર ઝુરા અને પાલનપુર ગામે પહોંચતાં મોટી સંખ્યમાં ગામ લોકો દોડી આવ્યા હતા. આગને કાબૂમાં લેવા ગામજનોએ મથામણ કરી, પરંતુ મોટા કદની ટ્રકમાં ઘાસનો જથ્થો વધુ હોઈ આગ કાબૂમાં આવી ન હતી. આગની ઘટનાની જાણ ભુજ ફાયર બ્રિગેડ સ્ટેશનમાં કરવામાં આવતાં ફાયર બ્રિગેડની  ટીમ પાણીના બંબા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યાં ઘાસ સાથે સળગતી ટ્રક પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં કિંમતી ઘાસ બળીને રાખ થયું હતું તો ટ્રકમાં પણ ભારે નુકસાન થયું હતું. સ્થાનિકે લોકોના કહેવા મુજબ રોડ પરથી પસાર થતી વીજલાઈન નીચેથી નીકળતી વખતે ટ્રકમાં ભરેલ ઘાસનો જથ્થો વીજલાઈન સાથે સંપર્કમાં આવતાં આગ લાગી હોવાનું જણાવ્યું હતું. દરમ્યાન ઘાસ ભરેલી ટ્રકમાં જે સ્થળે આગ લાગી હતી તેની નજીક જ એક ખાનગી ગેસ કંપનીના ગેસ સિલિન્ડરનું ગોદામ આવેલું હતું. આગને સમયસર કાબૂમાં લેવાતાં મોટી દુર્ઘટના થતી અટકી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd