ગાંધીધામ, તા. 25 : શહેરની મધ્યમાં આવેલા શિવાજી
પાર્ક અને ટાગોર પાર્કનું બે કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ કર્યા પછી હજુ સુધી બગીચાઓ
ખુલ્લા મુકવામાં આવ્યા નથી અને આખી રાત લાઈટો ચાલુ રાખવામાં આવતાં વીજળીનો વ્યય થઈ
રહ્યો છે. લાઈટ વિભાગના કહેવા છતાં કોન્ટ્રાક્ટર
દ્વારા લાઇટ બંધ કરવામાં આવતી નથી. મ્યુનિસિપલ કમિશનર દ્વારા પગલાં ભરવામાં આવે તે
જરૂરી છે. રાજ્યમાં વીજળી સંકટ વચ્ચે આ સ્થિતિ સર્જાતાં લોકોમાં આક્રોશ ફેલાયો છે.
શિવાજી પાર્ક અને ટાગોર પાર્કનું બે કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે.
સાધનો હલ્કી ગુણવત્તાનાં નાખવામાં આવ્યાં હોવાથી તૂટી ગયાં હતાં. માધ્યમોમાં સમાચારો
આવ્યા પછી કોન્ટ્રાક્ટરે સાધનોની મરંમત કરી હતી. કામગીરી સાવ નબળી થઈ છે તેમ છતાં મહાનગરપાલિકાના
એન્જિનીયરો દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યાં નથી. ગજેબોનાં પતરાંમાં જગ્યાઓ છે, ઘાસ બરોબર ઊગ્યું નથી, સાધનો નબળી ગુણવત્તાનાં નાખવામાં આવ્યાં છે, કામગીરી
બાબતે અનેક સવાલો છે તેમ છતાં એક્સેસ એટલે કે વધારાના રૂપિયા પણ માગવામાં આવ્યા છે. અને ખામીઓ અને ક્ષતિઓ હોવા છતાં એન્જિનીયારિંગ વિભાગ
દ્વારા પગલાં ભરવામાં ન આવતાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, હવે
તો બંધ બગીચામાં વીજળીનો વેડફાટ થઈ રહ્યો છે
ગુજરાતમાં વીજ સમસ્યા ઊભી થઈ છે અને સરકાર દ્વારા જરૂરત મુજબ જ વીજળીનો ઉપયોગ
કરવા માટે કહેવામાં આવ્યું છે તે વચ્ચે ગાંધીધામ મહાનગરપાલિકાના શિવાજી પાર્ક અને ટાગોર
પાર્કમાં રાત્રિના સમયે લાઇટો ચાલુ રાખી વીજળીનો વ્યય કરાઈ રહ્યો છે. આ બાબતે જાગૃત
નાગરિકો દ્વારા લાઈટ વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને લાઇટ વિભાગે કોન્ટ્રાક્ટરને
કહ્યું હતું, ત્યારે કોન્ટ્રાક્ટરે બગીચામાં ચોરી થાય,
તો શું કરવું તેઓ સવાલ ઊઠાવ્યો હતો, પણ ચોકીદાર
રાખવા સહિતની જવાબદારી કોન્ટ્રાક્ટરની છે.
મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા વીજ વ્યયને બચાવવા માટે જવાબદારો સામે પગલાં
ભરવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે.