• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

નેતા ખોટું બોલે, તો મતદાર ફરિયાદ કરી શકશે

નવી દિલ્હી, તા. 25 : ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા સોગંદનામામાં ખોટી માહિતી આપવા અથવા જરૂરી વિગતો છુપાવવાના કિસ્સામાં હવે સામાન્ય નાગરિક પણ ફોજદારી ફરિયાદ નોંધાવી શકશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 125-અ હેઠળ ઉમેદવારના ખોટા સોગંદનામા સામે ખાનગી વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ કાયદેસર રીતે માન્ય છે. આવી ફરિયાદ માટે ચૂંટણીપંચની મંજૂરી કે તેની ફરિયાદ હોવી જરૂરી નથી. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચે આ ચુકાદો આપતાં કર્ણાટક હાઇકોર્ટનો અગાઉનો નિર્ણય રદ કર્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે, મતદાર ઉમેદવાર સામે ચૂંટણી અરજી દાખલ કરી શકે છે, પરંતુ ખાનગી વ્યક્તિ તરીકે ફોજદારી ફરિયાદ નોંધાવી શકે નહીં. આવી કાર્યવાહી કરવાનો અધિકાર ચૂંટણીપંચ પાસે છે. જો કે, સુપ્રીમ નેતા ખોટું બોલે,કોર્ટે આ અભિગમને ખોટો ગણાવ્યો હતો.  સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 125-અ હેઠળ ઉમેદવાર દ્વારા ખોટું સોગંદનામું રજૂ કરવા સંબંધિત ગુનામાં ખાનગી વ્યક્તિની ફરિયાદના આધારે પણ અદાલત કાર્યવાહી કરી શકે છે. તેના માટે ચૂંટણીપંચની મંજૂરી લેવાની જરૂર નથી. ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતી વખતે ઉમેદવારે જરૂરી વિગતો આપવાની હોય છે. જો ઉમેદવાર આ વિગતો છુપાવે અથવા ખોટી માહિતી આપે, તો કલમ 125-અ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આ ગુના માટે વધુમાં વધુ છ મહિનાની જેલની સજાની જોગવાઈ છે. ચૂંટણીપંચે દલીલ કરી હતી કે તે આવી ફરિયાદો પર વિચાર કરીને કેસની હકીકતોના આધારે સંબંધિત તપાસ એજન્સીઓને કાર્યવાહી માટે મોકલી શકે છે. જો કે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ચૂંટણીપંચ મહત્ત્વપૂર્ણ સંસ્થા હોવા છતાં કાયદાનું અર્થઘટન કરવાનું મુખ્ય કાર્ય અદાલતોનું છે.   ચૂંટણીપંચની અખબારી યાદીઓ અથવા માર્ગદર્શિકાઓ અદાલતોને કાયદાકીય રીતે બાધ્ય કરતી નથી. આમ, સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ચૂંટણીના સોગંદનામામાં ખોટી માહિતી આપતા ઉમેદવારો સામે ખાનગી વ્યક્તિઓ માટે પણ ફોજદારી ફરિયાદનો માર્ગ સ્પષ્ટ થયો છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd