મણિપુરમાં લગભગ ચાર મહિનાથી લાગેલી હિંસાની આગ બુઝાય એવા કોઇ સંકેત મળતા નથી. દેશ આખા માટે ભારે ચિંતાની બાબત બની રહેલા આ વંશીય સશસ્ત્ર સંઘર્ષને કોઇ હિસાબે નાથી શકાય તેમ હજી સુધી જણાતું નથી. દિવસો દિવસ મણિપુરની હાલત બદતર બની રહી છે, તેમાં તંગદિલીમાં વધારો કરતા અહેવાલોમાં આ વંશીય હિંસામાં હવે આતંકી જૂથો સક્રિય બની રહ્યા હોવાના ચિંતાજનક સંકેત મળી રહ્યા છે. આમ તો હિંસા શરૂ થઇ ત્યારથી પહાડી વિસ્તારના આદિવાસીઓએ ઇમ્ફાલ ખીણના પ્રદેશમાં આવવાનું બંધ કરી નાખ્યું હતું, પણ ગયા સપ્તાહે ત્રણ આદિવાસીએ હિંમત કરીને ખીણમાં આવવાની સફર આદરી તેની સાથે શત્ર સજ્જ આતંકવાદીઓએ તેમને ઠાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ હુમલાના આગલા સપ્તાહે પણ કુકી સમુદાયના ત્રણ સભ્યની હત્યા કરાઇ હતી. આમ, એમ જણાઇ રહ્યંy છે કે, કુકી અને જોમી આદિવાસી સમુદાયના લોકોની સામે નવેસરથી હિંસાનો દોર શરૂ થયો છે. મણિપુરમાં અનુભવાયું છે કે, લશ્કરને તૈનાત કરાયા બાદ ત્યાં સ્થિતિ થોડી નિયંત્રણમાં આવી છે, પણ શાંતિ જળવાય એટલે લશ્કરની ભૂમિકા મર્યાદિત થઇ જતી હોય છે. વળી મોટા વિસ્તારમાં તમામ સ્થળે લશ્કરી દળોને તૈનાત કરી શકાય તેમ નથી. આવામાં આતંકીઓ હુમલા કરે છે, પણ લશ્કરી દળો ઘટનાસ્થળે પહોંચે ત્યાં સુધીમાં તેઓ નાસી જતા હોય છે. સલામતી દળો અને પોલીસ સામાન્ય નાગરિકોને બચાવવા તમામ પ્રયાસ કરતા હોય છે, પણ ત્યાંની સ્થિતિ એટલી સ્ફોટક છે કે, સલામતીનાં પગલાં સતત અપૂરતા જણાય છે. હિંસાની આગ બુઝાય એવા સંકેત હજી સાંપડતા નથી, ત્યાં કુકી સમુદાયની હત્યામાં આતંકી જૂથો સક્રિય બન્યા હોવાના અહેવાલોએ ચિંતા વધારી છે. આમ તો સલામતી એજન્સીઓ અગાઉ પણ ચેતવણી આપી ચૂકી છે કે, યુએનએલએફ, પીએલએ, કેવાયકેએલ અને પીઆરઇપીએ જેવા પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા આતંકીઓ હિંસક ભીડનો હિસ્સો બનવા લાગ્યા છે. બન્ને સમુદાય વચ્ચેની હિંસામાં હવે આતંકી જૂથો ઝુકાવતા સરકારની નબળાઇ છતી થઇ રહી છે. આવામાં નબળા સમુદાય પર હુમલા વધુ જીવલેણ બની રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે પણ રાજ્યની હાલતમાં દરમ્યાનગીરી કરીને શાંતિ અને દેખરેખ માટે સમિતિ પણ બનાવી હોવા છતાં હિંસક બનાવો વણથંભ્યા રહ્યા છે. ખાસ તો આતંકી સમુદાયોએ સલામતી દળોના કેમ્પો પર હુમલા કરીને શસ્ત્રોની લૂંટ ચલાવી છે. હવે આ શસ્ત્રોનો તેઓ આતંકી હુમલા માટે બેરોકટોક ઉપયોગ કરી રહ્યા છે. વળી મ્યાનમારની સરહદેથી પણ આતંકીઓને શસ્ત્રો અને દારૂગોળો મોટા પ્રમાણમાં મળતો રહે છે. આવા સંજોગોમાં સલામતી દળો સામેનો પડકાર પણ મુશ્કેલ બની રહ્યા છે. લૂંટેલા શસ્ત્રો પાછા મેળવવાની સાથોસાથ સરહદ પરથી થતી તેની ઘૂસણખોરીને રોકવાના બેવડા પડકારોને પહોંચી વળવાનું સતત મુશ્કેલ બની રહ્યંy છે. આવામાં મણિપુરમાં કઇ રીતે શાંતિ અને પુર્વવત સ્થિતિ બહાલ કરવી એ સરકાર માટે ભારે જટિલ કોયડો બની રહ્યો છે.