• રવિવાર, 29 માર્ચ, 2026

ઘોરાડ અભયારણ્યમાં `નવજીવન' સંચાર

તંત્રી સ્થાનેથી.. : વિશ્વ વન્યજીવ દિવસે વાઈલ્ડલાઈફ માટે ચિંતા વ્યક્ત થાય કે વડાપ્રધાને છેક આફ્રિકાથી લાવીને ચિત્તા કુનો (મધ્યપ્રદેશ)ના જંગલમાં વસાવ્યા ત્યારે અને વર્ષોથી કચ્છમિત્ર કચ્છીઓનાં મનનો સવાલ ઉઠાવતું રહ્યું છે કે, આપણા ઘોરાડ નષ્ટ થવાને આરે છે છતાં કેમ કંઈ નક્કર થતું નથી ? એ ફરિયાદનો પોઝિટિવ જવાબ આખરે મળ્યો છે. ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ અબડાસામાં ફેલાયેલાં ઘોરાડ અભયારણ્યમાં દાયકા બાદ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડનું બચ્ચું તેના મા સાથે પા પા પગલી માંડી રહ્યું છે, એવી જાહેરાત કરતાં જ સૌ પક્ષીવિદો્ અને પર્યાવરણપ્રેમીઓમાં રોમાંચની લહેર દોડી જાય એ સ્વાભાવિક છે. નિ:સંદેહ વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે આ અભૂતપૂર્વ સફળતા છે અને એનું શ્રેય ગુજરાત અને રાજસ્થાનના વન વિભાગ કેન્દ્રના પર્યાવરણ મંત્રાલય તેમજ વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાને જાય છે. કચ્છના વન વિભાગે પણ પૂરા ઉત્સાહ અને ખંત સાથે યોજનાને સાકાર કરી એનીએ નોંધ લેવી રહી... ઘોરાડ અને કચ્છનો અતૂટ નાતો છે. એક મહત્ત્વની વાત એ છે કે, આ વિશાળ કદના છટાદાર પક્ષી દુનિયામાં માત્ર કચ્છ અને રાજસ્થાનમાં જ બચ્યાં છે. જામનગરમાં હતાં, પણ બે એક દાયકા પહેલાંથી અદૃશ્ય થઇ ગયાં. અબડાસાના લાલાપરજાઉ, બિટ્ટા, ભાનાડા વિસ્તારનાં ઘાસિયા મેદાનો ઘોરાડનું અંતિમ ઘર બની રહ્યાં છે. એક સમયે કચ્છમાં 35થી 40 ઘોરાડ હતાં, પણ અતિક્રમણ, ઔદ્યોગિકીકરણનો વાયરો ફૂંકાયો, ગૌચર અદૃશ્ય થવા લાગ્યાં, પવનચક્કી, વીજલાઇનો અને ખેતી-વીજ પ્રવૃત્તિ થકી ઘોરાડ કાળક્રમે ઘટતાં રહ્યાં. છેલ્લે તો માત્ર ત્રણ માદા બાકી રહી ગઇ હતી, એક પણ નર ન હોવાથી પ્રજનન અટકી ગયું એ ગંભીર ચિંતાની વાત. સમયાંતરે ઘોરાડનો મુદ્દો ચર્ચાતો રહ્યો છે. સરકાર દ્વારા યોજનાઓય ઘડાઇ. એટલું જ નહીં, હાઇકોર્ટથી લઇને સુપ્રીમ કોર્ટ તરફથી મદદ મળતી રહી. વીજવહન કરતી લાઇનો ભૂગર્ભમાં ફેરવવાના આદેશ છૂટયા. બીજી તરફ રાજસ્થાનથી નર ઘોરાડ લાવીને અબડાસામાં વસાવવાની યોજનાએ વિચારણામાં લેવાઇ. કચ્છના ઘોરાડની વિતક કથા લાંબી છે, પરંતુ તેનો પુનરોચ્ચાર અસ્થાને છે, છેવટે રાજસ્થાનમાં બ્રીડિંગ સેન્ટરમાંથી ફલિત ઇંડું લાવીને માદા પાસેથી સેવવા મૂકી દેવાયું એમાંથી બચ્ચું જન્મ્યું છે. માનવ પ્રયાસો અને વિજ્ઞાનના આ ચમત્કારે ઘોરાડ અભયારણ્યમાં પ્રાણનો સંચાર કર્યો છે. કચ્છમિત્રમાં આ વિષય પર નિષ્ણાતોના અભિપ્રાય સહિતનું વિસ્તૃત કવરેજ આપ્યું છે. સૌનો મત સ્પષ્ટ છે કે, આ ખૂબ મોટી ઘટના છે, પણ બાળઘોરાડનું રક્ષણ જીવની જેમ થવું જોઇએ. ભવિષ્યમાં એ નર નીકળે તો ભયો ભયો. એ ઉપરાંત, અભયારણ્યને વધુ સુરક્ષિત બનાવવું પડશે, જેથી વિશિષ્ટ પ્રજાતિના પંખી નવેસરથી સ્વર્ગ રચી શકે. આ પહેલ માટે સંબંધિત સૌને અભિનંદન આપવાની સાથે અપેક્ષા રાખીએ કે કેપ્ટીવ બ્રીડિંગ અથવા તો કાયમી નર ઘોરાડને અબડાસા લાવીને વસાવાસે તો અતિવિલુપ્તપ્રાય પંખીની સંખ્યામાં વૃદ્ધિ શક્ય બનશે. અસંભવ કશું જ નથી, બસ ઇચ્છાશક્તિ જોઇએ. 

Panchang

dd