• રવિવાર, 29 માર્ચ, 2026

લાંબી લડાઈ : ભારત સજ્જ છે !

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે લડાઈ બંધ કરવાની જાહેરાત કરી અને વડાપ્રધાન મોદીને ફોન કરીને પશ્ચિમ એશિયાની સ્થિતિ બાબત ચર્ચા કરી છે. દરમિયાન, મોદીએ સંસદમાં કહ્યું છે કે પશ્ચિમ એશિયામાં યુદ્ધનાં કારણે વિશ્વભરમાં સર્જાયેલી આર્થિક કટોકટી અને તંગદિલી લાંબી ચાલશે. કોરોના પછી સ્થિતિ થાળે પડતાં વર્ષો લાગ્યાં, તેની સાથે સરખામણી કરી છે. આમ કહેવા પાછળ એમનો આશય લોકોને સાવધાન અને સજ્જ કરવાનો હતો, પણ વિરોધપક્ષોએ ભાવવધારા અને કોરોના જેવા લોકડાઉનની અફવાઓ શરૂ કરીને પેટ્રોલ - ડીઝલની અછત, સંગ્રહાખોરી ભડકાવી, તેથી લોકોએ ભોગવવું પડે છે ! લડાઈનો અંત આવે ત્યારે ખરો, પણ ભારત સામે ત્રણ પડકાર છે : તેલ - ગેસના ભાવવધારા, આપણી સલામતી અને અખાતના દેશોમાં વસેલા એક કરોડ ભારતીય લોકોનું ભવિષ્ય. આ પડકારોને પહોંચી વળવા કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલાં ભર્યાં છે. સંસદ પછી સર્વપક્ષની બેઠક બોલાવીને અપીલ - અનુરોધ કર્યો છે કે એકતાથી `ટીમ સ્પિરીટ' બતાવીને આપણે કટોકટીનો સામનો કરવાનો છે. આપણા સામે આવેલા આ પડકારો સમજવા જોઈએ અને સતર્ક રહીને તૈયાર રહેવું પડશે. સૌપ્રથમ પ્રશ્ન છે : લડાઈ ખરેખર બંધ થશે ખરી? ટ્રમ્પે ઈરાનને શરણાગતિ માટે 48 કલાકની મહેતલ આપી અને પછી 36 કલાકમાં જ ઈરાનના પાવર પ્લાન્ટ ઉપર હુમલા કરવાનું મોકૂફ રખાયાની જાહેરાત કરી અને હવે ઈરાનમાં લડવા જેવું રહ્યું નથી, અમેરિકાનો વિજય થયો છે. ઇઝરાયલે ઈરાનની લડાયક શક્તિ ખતમ કરી નાખી છે એમ પણ કહ્યું. -આવી શેખી કર્યા પછી વારંવાર ઈરાનને આપેલી મહેતલ લંબાવી છે : શા માટે ? ઈરાન તો શરણાગતિ માટે તૈયાર નથી તો ટ્રમ્પ વાટાઘાટ કરવા તૈયાર છે. આવી એકપક્ષી વિજયની જાહેરાત અને ઈરાનના પાવર પ્લાન્ટ ઉપર હુમલા નહીં કરવાની સલાહ - અથવા સૂચન ઇઝરાયલને કર્યા પછી ટ્રમ્પે લડાઈમાંથી જાણે હાથ ઉઠાવી લીધા! ટ્રમ્પના નિર્ણય પાછળ અમેરિકામાં લડાઈ સામે વધતો વિરોધ, સલામતી એજન્સીઓના વડાનો આક્ષેપ કે ઇઝરાયલે અમેરિકાને આગળ ધકેલીને બદનામ તથા બેહાલ કર્યું છે તથા લડાઈમાં અમેરિકી નાણાંની બરબાદી - આ બધાં કારણોએ ટ્રમ્પને ફરજ પાડી છે. વામન જેવા ઈરાને વિરાટ અમેરિકાને હંફાવીને નાક કાપ્યું છે. આ સંજોગોમાં ટ્રમ્પ પાસે વિકલ્પ નથી. લડાઈ બંધ કરવા માટે આખરે હોર્મુઝ ખાડી ખોલવા ઉપર - નિયંત્રણ ઉઠાવી લેવાની માગણી આગળ ધરી છે. મોદી સાથેના સંવાદમાં પણ આ સામુદ્રધુની - ખાડીમાં જહાજોની અવરજવરની મુક્તિ અને સલામતી ઉપર ભાર મુકાયો. ઈરાનના હાથમાં આ ખાડી હોવાથી વિશ્વના તેલ - ગેસ અને ખાતરના વ્યાપાર ઉપર જાણે પ્રતિબંધ મુકાયો અને તેલમાં ભાવનો ભડકો થયો. વિશ્વનાં અર્થતંત્ર દાઝ્યાં છે. એટલું જ નહીં, પણ અખાતના દેશોનાં તેલક્ષેત્રો અને રિફાઈનરીઓને ભારે નુકસાન થયું છે, તેની ચિંતા પણ અમેરિકાને છે. હવે ખરેખર લડાઈનો અંત આવશે ? વાસ્તવમાં યુદ્ધવિરામ છે કે યુદ્ધનો અંત ? પણ આ `િવરામ' હોય તો સમયનો લાભ લઈને નિરાકરણ કરવું જોઈએ. ભારત એકમાત્ર દેશ છે, જ્યાંથી મોદીમંત્ર વિશ્વમાં `વાયરલ' થયો છે. સંવાદ અને ડિપ્લોમસીથી નિરાકરણ - સમજૂતી કરો. આ સમય યુદ્ધનો નથી. ઈરાન સાથે સમાધાન કરવા મધ્યસ્થી કોણ કરે ? મોદીનું નામ સૂચવાયું છે અને ચર્ચાઈ રહ્યું છે, ત્યારે પાકિસ્તાનના ફીલ્ડ માર્શલ મુનીર થનગની રહ્યા છે કે અમે તૈયાર છીએ, પણ અણીના સમયે પાકિસ્તાને ઈરાન પ્રતિ સહાનુભૂતિના શબ્દો પણ કહ્યા નહીં અને અમેરિકી ગુલામ હોવાના ખિતાબ મળ્યા. હવે ઈરાન મુનીરને કેવી રીતે સ્વીકારે ? મુખ્ય મુદ્દો - ખાડીના વાહનવ્યવહાર બાબત સમજૂતી થાય તો પણ દુશ્મની ભુલાશે ? ઈરાનની સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે અને આરબ રાષ્ટ્રો તે સ્વીકારવા તૈયાર નથી. ઇઝરાયલ તો ઈરાનને ખતમ કરવા માગે છે અને અમેરિકા - ટ્રમ્પ માત્ર ત્યાંનું શાસન બદલવા માગે છે, તેથી ઇઝરાયલ ઉપરવટ જાય છે ! સમાધાન માત્ર ખાડીનું નહીં ચાલે. ગમે ત્યારે ભડકા થવાની શક્યતા છે. વડાપ્રધાન મોદી જાણે છે કે માત્ર ટ્રમ્પની જાહેરાતથી લડાઈ બંધ થતી નથી. એમનું નેવી - નૌકાદળ અને એરફોર્સનાં વિમાનો ઈરાની આકાશમાં ચકરાવા લઈ રહ્યાં છે અને ખાડી ખૂલે - ખોલવાની સમજૂતી થાય તે પછી પણ અમેરિકા - ઇઝરાયલ ઈરાન ઉપર કબજો જમાવવાના પ્રયાસ કરશે -અને પછી ગેરીલા વોર - આતંકવાદી હુમલા શરૂ થશે ! વિશ્વનું ઊર્જાક્ષેત્ર આતંક અને આક્રમણનું કેન્દ્ર બની શકે. આવી શક્યતા નકારી શકાય નહીં. ઈરાન અણુસત્તા બનવા માગે છે અને અમેરિકા કોઈપણ ભોગે ઈરાનને રોકવા માગે છે, તેથી યુદ્ધનો અંત આવે એવી આશા નથી. કોઈપણ વાટાઘાટમાં ઈરાન સલામતી માગશે. ભવિષ્યમાં ઇઝરાયલ અમેરિકા સાથે મળીને આક્રમણ નહીં કરે એવી ગેરન્ટી કોણ આપી શકે ? આખરે ઈરાન ચીન તથા રશિયાનાં લશ્કરી મથકોને મંજૂરી આપે તેવી શક્યતા છે. ઇઝરાયલ ઉપર ઈરાને કરેલા હુમલા અને હમાસને મળતી ઈરાની મદદનો બદલો લેવા ઇઝરાયલ તૈયાર હશે જ. ટૂંકમાં, અત્યારે અરસ્પર વિશ્વાસનો અભાવ છે, ઘટ છે, ટ્રસ્ટ ડેફીસીટ મોટી છે. અખાતમાંથી સંપૂર્ણ બહાર નીકળી જવા અમેરિકા કદી તૈયાર થાય નહીં, પણ આવી શરત ઈરાનની છે ! તેથી આપણે - ભારતે તાત્કાલિક અને લાંબા ગાળાનો વિચાર - વ્યૂહ અમલમાં મૂક્યો છે. આવનારા સમય માટે ભારતે સજ્જ થવાનું અને રહેવાનું છે. ભારત માટે સૌથી મોટી સમસ્યા ઊર્જાની છે. 50 વર્ષ પહેલાં બોમ્બેહાઈ અને અન્યત્ર તેલક્ષેત્ર મળ્યાં અને શારકામ શરૂ થયાં, પણ આ તો પાશેરામાં એક પૂણી જેવું ગણાય. આપણે ત્યાં તેલ - ગેસ અને ફર્ટિલાઈઝરની જંગી માંગ છે અને ભાવવધારા પોષાય તેમ નથી. આથી જ અમેરિકાનાં નિયંત્રણ અને દબાણ, છતાં ભારતે રશિયન તેલ ખરીદી ચાલુ રાખી. ઈરાન યુદ્ધ દરમિયાન ખુદ અમેરિકાએ રશિયન તેલ માટે નિયંત્રણ હળવાં કર્યાં. વડાપ્રધાન મોદીએ સંસદમાં અને સર્વપક્ષી બેઠકમાં આપણી તૈયારીની માહિતી આપી છે. સૌપ્રથમ - માનવીય કસોટી. અખાતના દેશોમાં એક કરોડ ભારતીય લોકો વસાહતી છે. કેટલાક સ્વદેશ પાછા ફર્યા છે, પણ મોટી સંખ્યા વિદેશમાં જ છે. તેઓ ભારતમાં પરિવારોને આર્થિક સહાય - રકમ મોકલે છે તેના ઉપર વિપરીત અસર પડી છે. લડાઈ લાંબી ચાલે તો વધુ લોકો સ્વદેશ પાછા ફરશે. મોટાભાગના કેરલમ્ના મલયાલી છે, તેથી આગામી ચૂંટણીમાં મતદાન કરવા ભારત આવે એવા પ્રયાસ રાજકીય પક્ષો કરી રહ્યા છે. તેલ - ગેસ, ખાતરની અછત અને ભાવવધારાની અસર અનાજનાં ઉત્પાદન અને ખરીદી ઉપર પડે, પણ આપણા ભંડાર - બફર સ્ટોક ભર્યા છે અને આ વર્ષે ઉત્પાદન મબલક છે તેથી બફર સ્ટોકમાંથી આગામી ત્રણ મહિનાનો સ્ટોક ઉઠાવી લેવા રાજ્યોને જણાવાયું છે. ખરીફ પાકની વાવણી સમયસર થાય તે માટે ખાતરની અછત થાય નહીં તેવી વ્યવસ્થા છે. ઉનાળો માથાં ઉપર છે તેથી વિદ્યુત પુરવઠાની માંગ વધશે તે માટે તમામ થર્મલ પાવરમથકોએ કોલસાના સ્ટોક ભરવામાં આવ્યા છે. સતત બીજાં વર્ષે પણ એક બિલિયન ટન કોલસાનો સ્ટોક વધ્યો છે. 53 લાખ ટન પેટ્રોલિયમ અનામતનો સ્ટોક છે, તેમાં વધુ 65 લાખ ટન ઉમેરવાના પ્રયાસ જારી છે. તેલ, ગેસ અને ખાતરની આયાત અગાઉ 27 દેશમાંથી થતી હતી, હવે તે 41 દેશથી થાય છે. ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા પણ વધારવામાં આવી છે. છેલ્લાં 10 વર્ષ દરમિયાન ભારતમાં ઈથેનોલ બ્લેન્ડિંગ કેપેસિટી માત્ર દોઢ ટકા હતી. આજે આયાતી પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ કરીએ છીએ, પરિણામે દર વર્ષે તેલની ખરીદીમાં સાડા ચાર કરોડ બેરલનો ઘટાડો થયો છે. આવી જ રીતે ભારતીય રેલવેનાં વીજળીકરણથી ઘણો ફાયદો થયો છે. દર વર્ષે 180 કરોડ લિટર ડીઝલની બચત થઈ છે. દેશભરમાં મેટ્રો નેટવર્ક અને ઈલેક્ટ્રિક બસ તથા વાહનો દોડતાં થયાં છે, તેનાં પરિણામે પેટ્રોલ - ડીઝલની બચત થાય છે. આવા દૂરંદેશી નિર્ણયોના અમલથી ભારત આજે અન્ય દેશોની સરખામણીમાં સુરક્ષિત છે. - અમેરિકાની ગણતરી એવી હતી કે ઈરાન લડી નહીં શકે. શરણાગતિ સ્વીકારશે, પણ ગણતરી ઊંધી પડી. ઈરાનનો વ્યૂહ અમેરિકા અને ઇઝરાયલને થકાવી દેવાનો હતો. લડાઈ લાંબી ચાલી છે. આ દરમિયાન ઇઝરાયલ વધુ આક્રમક છે. આરબો સામે વેર વાળવાની તક મળી છે તેથી અમેરિકા કરતાં વધુ હુમલા કરે છે. હોર્મુઝ ખાડી બંધ થયા પછી ઇઝરાયલે ઈરાનનાં તેલક્ષેત્ર ઉપર હુમલો કરીને આગ લગાડી તેના જવાબમાં ઈરાને અમેરિકાના વફાદાર ગણાતા અખાતી દેશોમાં ગેસ - તેલ ક્ષેત્રો ઉપર ભારે હુમલા કરીને ભડકે બાળ્યાં. આખરે ટ્રમ્પે કહેવું પડયું કે ઈરાનનાં તેલ ક્ષેત્રમાં થયેલા હુમલામાં અમારો હાથ નથી. ટ્રમ્પે ઇઝરાયલને તાકીદ કરી કે તેલ ક્ષેત્ર ઉપર હુમલા નહીં કરે.ઈરાનનો વ્યૂહ અમેરિકા ઉપર સીધાં આક્રમણને બદલે અખાતમાં તેનાં લશ્કરી મથકો ઉપર હુમલા કરવાનો હતો, જેનો અંદાજ ટ્રમ્પને નહોતો ! હવે તેલ ક્ષેત્રો ભડકે બળ્યાં ત્યારે ચોંકી ઊઠયા. લડાઈનું લક્ષ્ય બદલાયું. ગેસ - તેલના ભંડાર ભડકે બળે તો વિશ્વભરમાં હાહાકાર થાય. એશિયા - યુરોપમાં ભાવવધારા થાય. અનાજ ઉત્પાદન ઉપરાંત સમગ્ર અર્થતંત્ર ખોરવાઈ જાય ! હવે ટ્રમ્પ આગ બુઝાવી શકશે ? ઈરાનમાં શાસન બદલી શક્યા નથી. શરણાગતિ થઈ નથી. જંગી શરતો સામે ઈરાનનાં ડ્રોન સફળ થયાં છે ! ઈરાનમાં લોકોનો બળવો થવાને બદલે આયાતોલ્લાહ શાસનનાં સમર્થનમાં લાખો લોકો બહાર આવ્યા છે. 

Panchang

dd