નવી દિલ્હી, તા. 28 : ભારત દેશમાં
હવાઈ સફર શ્વાસ અદ્ધર કરી દેતી હોવાની ઘટનાઓ બનતી રહી છે. આવી જ એક ઘાતક બની શકી હોત
તેવી ઘટનામાં વિશાખાપટ્ટનમથી આવી રહેલાં ઈન્ડિગોનાં વિમાનનું એન્જિન હવામાં જ ફેલ થઈ
જતાં તેમાં સવાર 161 યાત્રીના
જીવ થોડીવાર તાળવે ચોંટી ગયા હતા. દિલ્હીમાં તાકીદનું ઊતરાણ કરાવાયા પછી મોતને આંખની સાવ નજીક જોઈને આવેલા તમામ યાત્રીને તરત જ સુરક્ષિત
ઉતારી લેવાયા હતા. ઈન્ડિગો એરલાઈન્સના પ્રવકતાએ કહ્યું હતું કે, યાંત્રિક ખામીની ખબર પડતાં જ પાઈલટે તરત ઊતરાણની
મંજૂરી માગી હતી. સુરક્ષિત ઊતરાણ સુનિશ્ચિત કરવા માટે રનવે પર `પૂર્ણ કટોકટી' જાહેર કરી હતી. વિમાનને જરૂરી તપાસ અને સુધારા
કરવા માટે મોકલી દેવાયું હતું.