ગાંધીધામ, તા. 28 : પૂર્વ કચ્છમાં બેફામ અને બેખોફ
ખનિજચોરી વચ્ચે ગાગોદર ખાતે ખનિજચોરી રોકવા ગયેલી ખાણ-ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડની
ટીમ ઉપર ચાર શખ્સે હુમલો કરી તેમની ફરજમાં રૂકાવટ કરી હતી. ખાણ-ખનિજ વિભાગની ફ્લાઇંગ
સ્ક્વોડમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ફરિયાદી પલ્લવકુમાર જિતેન્દ્રકુમાર
યાદવ કચેરીએ હતા ત્યારે ઉપર અધિકારીએ ગાગોદર
સીમમાં ખનિજચોરી અંગે ફરિયાદ, રજૂઆત
અંગે જાણ કરી ત્યાં જવાનું કહેતા ફરિયાદી અને અન્ય કર્મીઓ ગાગોદર જવા નીકળ્યા હતા.
ગાગોદરની સીમમાં સરકારી વાહન ફસાઇ જતાં ફરિયાદી અને અન્ય કર્મીઓ પગપાળા જતાં બે ખાલી
ડમ્પર, એક ભરેલું ડમ્પર તથા હિટાચી મશીન દેખાયું હતું,
જે પૈકી બે ડમ્પરના ચાલકો વાહન લઇને નાસી ગયા હતા. હિટાચી મશીનનો ચાલક
વાહન લઇ નાસવા જતાં આ ટીમ ત્યાં જતાં વચ્ચે થાર ગાડી નંબર જીજે-18-ઇબી-0329 આવી, તેમાંથી બે શખ્સે ઊતરી ટીમને ગાળાગાળી કરી હતી.
બાદમાં ત્યાંથી નીકળી ગયા હતા, પછી આ ટીમ પાસે પરબત કોળી,
પાંચા કોળી, રમેશ કોળી ધારિયું, લાકડી લઇને આવ્યા હતા તેમજ થાર ગાડીમાં ખોડો કોળી હોવાનું જણાવ્યું હતું. આ
આરોપીઓ વધુ ઉશ્કેરાતાં સરકારી ટીમ દોડવા લાગતાં આરોપીઓ પાછળ દોડયા હતા અને હથિયારોના
છૂટ્ટા ઘા કર્યા હતા. દોડતી વખતે ફરિયાદી પડી જતાં તેમને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે
પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પૂર્વ કચ્છના બાલાસર, ગાગોદર, રાપર, આડેસર વગેરે જગ્યાએ
હજુ પણ ખનિજમાફિયાઓ બેફામ અને બેખોફ રીતે ખનિજચોરી કરી `રોક શકો,
તો રોક લો' જેવા પડકારો ફેંકી રહ્યા છે,
ત્યારે ખાણ-ખનિજ વિભાગ અને પોલીસ
નીતિમત્તાથી કામ લે તો આવા તત્ત્વો ઉપર લગામ
લગાવી શકાય તેમ હોવાનું જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે.