• રવિવાર, 29 માર્ચ, 2026

કોહલી, દેવદત્ત ઝળક્યા : બેંગ્લોરનો વિજયી પ્રારંભ

બેંગ્લોર, તા. 28 : વર્તમાન વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શનિવારે સનરાઈઝર્સ હૈદરાબાદને છ વિકેટે હાર આપીને આઈપીએલની 19મી સિઝનનો વિજયી પ્રારંભ કર્યો હતો. વિરાટ કોહલી (અણનમ 69) અને દેવદત્ત પડીકલ (61)એ વિજયમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. હૈદરાબાદે આપેલું 202 રનનું લક્ષ્ય બેંગ્લોરે 26 દડા બાકી હતા ત્યારે જ આંબી લીધું હતું. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર સુકાની ઈશાન કિશન (80)એ કરેલી સિઝનની પહેલી અર્ધસદી સનરાઈઝર્સને જીત અપાવી શકી નહોતી. નવ રને બેંગ્લોરે પહેલી વિકેટ ખોયા પછી વિરાટ અને દેવદત્તની જામી ગયેલી જોડીએ સ્કોરબોર્ડને ગતિ આપી હતી. કોહલીએ કમાલની બેટિંગ કરતાં 38 દડામાં પાંચ ચોગ્ગા, પાંચ છગ્ગા સાથે અણનમ 69 રન ફટકારી દીધા હતા, તો પડીકલે પણ માત્ર 26 દડામાં સાત ચોગ્ગા, ચાર લગ્ગા સાથે 61 રન ઝૂડી દીધા હા. સુકાની રજત પાટીદારે 12 દડામાં બે ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે ઝડપી 31 રન કર્યા હતા. અગાઉ ઈશાન કિશનના 38 બોલમાં શાનદાર 80 રન અને અનિકેત વર્માના માત્ર 18 બોલમાં 43 રનની મદદથી હૈદરાબાદે 20 ઓવરમાં નવ વિકેટે 201 રનનો સ્કોર કર્યો હતો.  બેંગ્લોરે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરવા ઊતરેલી હૈદરાબાદની ટીમના ઓપનર અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા. અભિષેક સાત રને અને હેડ 11 રને આઉટ થયો હતો, જ્યારે નીતીશકુમાર રેડ્ડી પણ માત્ર એક રન કરીને આઉટ થઈ જતાં 29 રનના કુલ સ્કોરે જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં ઈશાન કિશન અને હેનરિક ક્લાસેને બાજી સંભાળી હતી. બન્ને વચ્ચે 53 દડામાં 97 રનની મહત્ત્વની ભાગીદારી થઈ હતી. ઈશાન કિશને 38 બોલમાં 8 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 80 રન કર્યા હતા. જ્યારે કલાસેને એક છેડો સંભાળીને 22 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી મહત્ત્વના 31 રન કર્યા હતા. બાદમાં અનિકેત વર્માએ પાછળની ઓવરમાં શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતા 4 છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 43 રન કર્યા હતા, જેની મદદથી હૈદરાબાદનો સ્કોર 20 ઓવરમાં 201 રન સુધી પહોંચ્યો હતો.  બેંગ્લોર તરફથી જેકોબ ડફી અને રોમારિયો શેફર્ડે 3-3 વિકેટ લીધી હતી, જ્યારે ભુવનેશ્વર કુમાર, અભિનંદન સિંહ અને સુયશ શર્માએ એક-એક વિકેટ લીધી હતી. મેચમાં 14મી ઓવરથી 19મી ઓવર સુધી 6 વિકેટ પડી હતી. તેમ છતાં હૈદરાબાદ ટી-20 ક્રિકેટના સન્માજનક સ્કોર સુધી પહોંચી ગયું હતું.  

Panchang

dd