• રવિવાર, 29 માર્ચ, 2026

ઘોરાડની સુરક્ષામાં કોઇ બાંધછોડ નહીં

ભુજ, તા. 28 : અબડાસાનાં ઘોરાડ અભયારણ્યમાં રાજસ્થાનથી ફલિત ઘોરાડનું ઇંડું લાવીને તેમાંથી બચ્ચાંનો જન્મ થતાં વનતંત્રને મોટી સિદ્ધિ મળી છે, પરંતુ અભયારણ્ય વિસ્તાર હવે સલામત છે કે નહીં આ બાબતે પશ્ચિમ વિભાગના નાયબ વનસંરક્ષક હર્ષ ઠક્કર કહે છે કે, પૂરી રીતે સલામત છે. શ્રી ઠક્કરના જણાવ્યા પ્રમાણે આખાય ઘોરાડ અભયારણ્ય વિસ્તારમાં સુરક્ષા દૃષ્ટિએ પગલાં લેવાઇ રહ્યાં છે. થોડા સમય પહેલાં ભાચુંડા વગેરે વિસ્તારમાંથી જમીન દબાણ દૂર કરવામાં આવ્યાં હતાં. અભયારણ્યમાં ક્યાંય દબાણ જોવા મળે તો તેની ખરાઇ કરી વહીવટી તંત્રને જાણ કરી પોલીસ સાથે રાખી દબાણકારો સામે પગલાં લેવાઇ રહ્યાં છે. પક્ષીવિદો્ કહે છે કે, માલધારીઓ ચરિયાણ માટે પડાવ નાખે છે એ જોખમી છે. પક્ષી ડરી જાય છે. આ સવાલ સામે તેમણે કહ્યું કે, માલધારીઓને જ્યાં ચરિયાણ હક્ક મળેલા છે તે ખુલ્લા રાખવામાં આવે છે, પણ પક્ષીઓ જ્યાં-જ્યાં ઊડે છે ત્યાં ચરિયાણ માટે માલધારીઓને મનાઇ કરવામાં આવે છે. પૂરતી કાળજી લેવામાં આવે છે. પક્ષીની હદ જ્યાં ફેલાયેલી છે તેની સુરક્ષા માટે તમામ પ્રયાસો  કરવામાં આવ્યા છે. જંગલી કૂતરા પ્રવેશી ન શકે એ રીતે સુરક્ષા કરવામાં આવી છે. ઘોરાડની સલામતી બાબતે કોઇ બાંધછોડ કરવામાં નથી આવતી એવું શ્રી ઠક્કરે કહ્યું હતું. 

Panchang

dd