ગાંધીધામ, તા. 28 : અંજાર તાલુકાના માથકમાં ખાડામાં
ડૂબી જતાં ધનભાઈ સવા અવાડિયા (ઉ.વ. 65)એ જીવ ખોયો હતો. બીજીબાજુ અંજારના વરસામેડી વેલસ્પન નજીક કેનાલમાં
ડૂબી જતાં એક યુવાનનું મોત થયું હતું, જ્યારે મુંદરા તાલુકાના લુણીમાં 30 વર્ષીય યુવાન અરવિંદ ભીખાભાઈ વાળાએ આજે અને ગઈકાલે માધાપરમાં
જૂનાવાસમાં મહેશ્વરીવાસમાં 45 વર્ષીય યુવાન
તુલસીભાઈ જખુભાઈ પાતાળિયા (મહેશ્વરી)એ ગળેફાંસો ખાઈ જીવ દીધા હતા. માથક ગામમાં રહેતા
ધનાભાઈ નામના વૃદ્ધ ગઈકાલે સવારે નવેક વાગ્યાના અરસામાં ઘરેથી નીકળી ગયા હતા. થોડાક
કલાક બાદ તે પરત ફર્યો નહોતો. આ વૃદ્ધ ગામની સીમમાં આવેલા ખાડા પાસે પહોંચ્યા હતા.
પાણી ભરેલા આ ખાડામાં કોઈ કારણોસર ડૂબી જતાં તેમણે પોતાનો જીવ ખોયો હતો. બીજીબાજુ વરસામેડી
સ્થિત વેલસ્પન કંપની નજીક નર્મદા કેનાલમાં બનાવ બન્યો હતો. આ કેનાલમાં એક યુવાન ડૂબી
ગયો હતો. જેને કાઢવા માટે ભચાઉ અગ્નિશમન દળ, ક્વિક રિસ્પોન્સ સેન્ટર, ગાંધીધામ મહાનગરપાલિકાના અગ્નિશમન
દળને જાણ કરાઈ હતી. આ ટીમોએ કવાયત હાથ ધરી કેનાલમાંથી યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી. બનાવ અંગે પોલીસ મથકે જાણ
ન કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. દરમ્યાન મુંદરાના લુણી ગામના મદરેસાની બાજુમાં
રહેતા અરવિંદ વાળાએ આજે સવારે 10.30 વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ
મૃત્યુ પામ્યાની વિગતો તેના ભાઈ અશ્વિને મુંદરા મરીન પોલીસ મથકે જાહેર કરતાં પોલીસે
અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. બીજીતરફ ગઈકાલે સવારે માધાપરના જૂનાવાસમાં
મહેશ્વરીવાસમાં રહેતા તુલસીભાઈએ પણ કોઈ અકળ કારણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતાં તેને
સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા
હતા. માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.