ગાંધીધામ, તા. 28 : રાપર તાલુકાના મોટી હમીરપર
ગામે ત્રણ દિવસ અગાઉ ખોડિયાર માતા તથા રામાપીરના મંદિરમાંથી નિશાચરોએ રૂા. 1,10,150ના આભૂષણોની ચોરી કરી હતી.
પોલીસે આ પ્રકરણમાં બે શખ્સની અટક કરી આભૂષણો, રોકડ રકમ, મોબાઇલ જપ્ત કર્યા હતા. મોટી હમીરપર ગામની
સીમમાં ગત તા. 24/3 અને 25/3ની રાત્રિ દરમ્યાન આ બનાવ બન્યો
હતો. સેવા-પૂજા કરતા ફરિયાદી મહેન્દ્રસિંહ ટપુભા વાઘેલા તા. 24/3ના ખોડિયાર મંદિરમાં પૂજા કરવા
જતાં છત્તર બરાબર હતા. બીજા દિવસે ગુમ હતા. તપાસ કરતાં નજીકમાં આવેલા રામાપીરના મંદિરના
તાળાં તોડી તેમાંથી પણ આઠ છત્તર ચોરાયા હોવાનું શંભુપુરી રણછોડપુરી ગોસ્વામીએ જણાવ્યું
હતું. આ બનાવ અંગે પોલીસે ગઇકાલે રાત્રે ગુનો નોંધી તેની તપાસ હાથ ધરી હતી. બનાવમાં
સંડોવાયેલા બે શખ્સ આડેસરના સણવા ચોકડીએ ઊભા છે અને રાધનપુર બાજુ વેચવા જવાના છે, તેવી પૂર્વ બાતમીના આધારે પોલીસ ત્યાં દોડી
ગઇ હતી અને અહીંથી ગેડીના પાંચા વિભા કોળી તથા ઉમિયાના જાવેદ આદમ ઘાંચીને પકડી પાડયા
હતા. બંને પાસેથી ચાંદીના નાના-મોટા 14 છત્તર, ચાંદી
જેવી ધાતુનો નાગ, રોકડ રૂપિયા તથા મોબાઇલ એમ કુલ રૂા. 2,28,160નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
જાવેદ મોબાઇલનો જાણકાર છે અને તે ગૂગલ મેપ દ્વારા આસપાસના મંદિરો ટ્રેસ કરતો અને બંને
તૈયારી કરી મંદિરમાં નાળિયેર ફોડવાના સળિયા વડે તાળાં તોડી તેમાંથી ચોરીના બનાવને અંજામ
આપતા હતા. રાપરના સલારીમાં ત્રણેક મહિના અગાઉ થયેલી ચોરીના બનાવને પણ આ શખ્સોએ અંજામ
આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જાવેદ સામે ત્રણ અને પાંચા સામે બે ગુના જુદી-જુદી
કલમો તળે અગાઉ નોંધાઇ ચૂક્યા હોવાનું પત્રકાર પરિષદમાં પોલીસવડા સાગર બાગમારએ જણાવ્યું
હતું.