• શુક્રવાર, 27 માર્ચ, 2026

કેગનો ચિંતાજનક અહેવાલ

સતત વિકાસશીલ રહેલા, અન્ય રાજ્યો માટે જેને ઉદાહરણ તરીકે જોવામાં આવે છે તે ગુજરાત સરકારની આર્થિક સ્થિતિ થોડી ચિંતાજનક હોવાનો અણસાર કોમ્પટ્રોલર ઓફ ઓડિટર જનરલ - કેગના અહેવાલમાં મળ્યો છે. અલબત્ત, વિકાસ અને તેના માટે થતો ખર્ચ નિરંતર પ્રક્રિયા છે. તેને સમયના ચોક્કસ ચોકઠામાં જોઈને શાસનનું મૂલ્યાંકન ન થાય, પરંતુ જ્યારે વાત આર્થિક બાબતોની આવે ત્યારે કેટલીક ચિંતા અને ચિંતન જરૂરી બની જાય છે. જે પરિસ્થિતિ વિશ્વમાં અત્યારે ઊભી થઈ છે તેવા આકસ્મિક સંજોગોમાં ટકી શકાય તે માટે આર્થિક આયોજન અનિવાર્ય છે. કેગનો અહેવાલ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યો તે પછી તેની ખાસ્સી ચર્ચા થઈ રહી છે.  રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, વિભિન્ન કચેરીઓના ઓડિટ પછી કેન્દ્રનું સ્વાયત્ત એવું માળખું કેગ અહેવાલ આપતું હોય છે અને તેમાં ઘણી સૂક્ષ્મ વિગતો હોય છે. કયા રાજ્યની કઈ સરકાર તેને કેટલી ગંભીરતાથી લે છે તે અલગ ચર્ચાનો વિષય છે, પરંતુ રાજ્ય શાસનના આર્થિક માળખાંનાં સંતુલન માટે આ અહેવાલ ઉપયોગી હોય છે. કેગ દ્વારા અપાયેલા અહેવાલની કેટલીક બાબતો લાલબત્તી સમાન છે. ગુજરાતના મહેસૂલી ખર્ચમાં 10,326 કરોડનો વધારો થયો છે. જ્યારે આવક 4,208 કરોડ ઘટી છે. સૌથી અગત્યનો મુદ્દો એ છે કે, ગુજરાતનું જાહેર દેવું 3.80 લાખ કરોડ થઈ ગયું છે. ગત વર્ષની સરખામણીમાં તેમાં 22 હજાર કરોડનો વધારો થયો છે. અહેવાલ મુજબ આગામી પાંચ વર્ષમાં જાહેર દેવા પેટે રૂા. 2.16 લાખ કરોડ જેટલી રકમ ભરપાઈ કરવાની થશે. આ આંકડો દર્શાવે છે કે, રાજ્યમાં પ્રવાહીતા પર દબાણ આવી શકે છે. મહેસૂલી પુરાંતમાં 43 ટકાનું ગાબડું છે. કેગના કહેવા મુજબ દેણાની 57 ટકા રકમ 5 વર્ષમાં પાકશે. ટૂંકાગાળામાં મોટી રકમ આપવી પડશે. આ ચૂકવણી માટે રાજ્યનો વિકાસદર જળવાવો જરૂરી છે. કોગ્રેસે અપેક્ષિત રીતે કેગના અહેવાલ પર આકરી પ્રતિક્રિયા આપતાં ગુજરાત સરકારે રાજ્યને દેવામાં ડુબાડી દીધાનો આક્ષેપ કર્યો છે. સરકાર આ દેણાના વ્યાજ માટે 13 ટકા જેટલી જંગી રકમ ફાળવે છે. તેની સામે હકારાત્મક પાસું એ છે કે, મૂડી ખર્ચમાં 24.36 ટકા વધારો થયો છે તેનો અર્થ એવો થાય કે, વિકાસલક્ષી માળખાંમાં સરકાર રોકાણ કરે છે. જો કે, કેગ અહીં કેટલીક આર્થિક અનિયમિતતાઓ નીચે લીટી તાણે છે. આવક કરતાં ખર્ચનું પ્રમાણ અનેકગણું વધારે છે. કરવેરાની આવક પણ 2024-25માં ઘટી છે. ગુજરાત વિવિધ ક્ષેત્રે સાતત્યપૂર્ણ પ્રગતિ કરી રહ્યું છે તેમાં કોઈ ઈન્કાર નથી. માળખાંકીય સુવિધા હોય કે શિક્ષણ, સ્વાસ્થ્ય કે પછી પ્રવાસન ક્ષેત્ર બધે હવે વિકાસની ગતિ નોંધપાત્ર છે. આ ગતિમાં અવરોધ ન આવે તે માટે આર્થિક નિયમિતતા અને આયોજન જરૂરી છે. કેગ પણ આ જ કહે છે.  

Panchang

dd