• રવિવાર, 29 માર્ચ, 2026

વાહન ફિટનેસમાં હજારોનાં ઈંધણનો ફટકો

ભુજ, તા. 28 : મધ્ય-પૂર્વમાં અશાંતિથી દેશમાં ઈંધણસંકટની સ્થિતિએ માત્ર વાહનના ફિટનેસ માટે 50થી 100 લિટર કરતાંય વધુનાં ઈંધણનું આંધણ થઈ જતું હોવાનું જણાવી કોમર્શિયલ વાહનધારકો દ્વારા ખાનગી સેન્ટરોની સમાંતરે  તાલુકા મથકોએ આરટીઓના ફિટનેસ કેમ્પ ફરી શરૂ કરવાની માંગ સપાટીએ આવી છે. કોમર્શિયલ વાહનધારક વર્તુળમાંથી જાણવા મળતી વિગતો મુજબ સરકાર દ્વારા વાહન ફિટનેસ કામગીરી આરટીઓમાંથી ખસેડીને ખાનગી ક્ષેત્રમાં સોંપી દીધા બાદ કચ્છમાં હાલમાં દુધઈ, અંજાર અને મુંદરા ખાતે ફિટનેસ સેન્ટર ચાલી રહ્યાં છે. આ ફિટનેસ સેન્ટરો સુધી પહોંચવામાં હાલની સ્થિતિએ કોમર્શિયલ વાહનોને ઈંધણની રીતે માર પડી રહ્યો હોવાથી સરકારે ખાસ કિસ્સામાં ફરી તાલુકામથકોએ ફિટનેસ કેમ્પ શરૂ કરવાની જરૂર હોવાનું આ વર્તુળોએ જણાવતાં ઉમેર્યું હતું કે અબડાસા કે નખત્રાણા જેવા વિસ્તારથી મુંદરા કે અન્ય ફિટનેસ સેન્ટરે વાહનને ફિટનેસમાં લઈ જવામાં કુલ 150 લિટર કરતાં પણ વધુનાં ઈંધણનો વપરાશ થઈ રહ્યો છે. વર્તુળોએ કહ્યું કે રિક્ષા, ટેક્સી, ટ્રક, એમ્બ્યુલેન્સ જ નહીં એસટીની બસોને પણ ફિટનેસ માટે જવું પડતું હોય છે ત્યારે  જો આરટીઓ દ્વારા તાલુકા મથકોએ કેમ્પ યોજવામાં આવે તો કોમર્શિયલ વાહનધારકોના એક મોટા વર્ગને મોટી રાહત થાય તેમ છે. ખાનગી સેન્ટરો ભલે કાર્યરત રહે, સમાંતરે તાલુકા કેમ્પોનો ફરી આરંભ કોમર્શિયલ ક્ષેત્ર માટે આવકાર્ય રહેશે. વાહનધારકો અનુસાર પશ્ચિમ કચ્છમાં મુંદરા ઉપરાંત ભુજ કે એવા સ્થળે વધુ એક ફિટનેસ કેન્દ્રની માંગ  હજુ સંતોષાઈ નથી ત્યારે કમસેકમ તાલુકા કેમ્પોનું આયોજન હાથ ધરાય  તે માટે પ્રયત્ન થવા જોઈએ. જનપ્રતિનિધિઓ જાગૃત થઈ આરટીઓ તંત્ર, સરકારને આ દિશામાં જાગૃત કરે  અને ફરી તાલુકા કક્ષાએ ફિટનેસ કેમ્પ શરૂ કરવામાં આવે તેવી માંગ કોમર્શિયલ વાહનધારકોએ કરી હતી. 

Panchang

dd