• રવિવાર, 29 માર્ચ, 2026

જડોદરની વાયરચોરીનો ભેદ ઉકેલાયો : ભુજમાં શંકાસ્પદ વાયર સાથે બે પકડાયા

ભુજ, તા. 28 : નખત્રાણાના જડોદરની  સીમમાં ખાનગી કંપનીની પવનચક્કી પરથી રૂા. 1.80 લાખના વાયરની ઉઠાંતરી કરનારા નાના વરનોરાના પાંચ શખ્સને ચોરાઉ મુદ્દામાલ સાથે એલસીબીએ ઝડપીને આ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. આ ઉપરાંત પણ ભુજમાં શંકાસ્પદ વાયરોના ગૂંચડા સાથે બે શખ્સને એલસીબીએ પકડી કાર્યવાહી કરી હતી. આ ચોરી અંગે નોંધાયેલી ફરિયાદ અને એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ જડોદર (કોટડા)ની સીમમાં આઇનોક્સ કંપનીની પવનચક્કીના ટાવર નં. 11 (1) તથા 12 ઉપરથી ગત તા. 26/3 પહેલાં 1800 મીટર વાયર જેની કિં. રૂા. 1,80,000ની ચોરી થયાની ફરિયાદ નખત્રાણા પોલીસ મથકે  ગઇકાલે નોંધાઇ હતી. બીજી તરફ એલીબીની ટીમ નખત્રાણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી કે, ભુજ તાલુકાના નાના વરનોરાનો સુલતાન જુસબ મોખા તેના મળતિયા સાથે મળી કોટડા (જ.)થી નખત્રાણા બાજુ એક બોલેરો પીક-અપ નં. જીજે-12-સીટી-3851માં એલ્યુમિનિયમ વાયરના ગૂંચડા ભરીને સગેવગે કરવા આવી રહ્યો છે. આથી બાતમીવાળી આ બોલેરો પીક-અપને  એલસીબીની ટીમે ઝડપી તેમાંના વાયર અંગે પૂછતાં બે દિવસ પહેલાં રાત્રિના સમયે જડોદરની સીમમાંથી અમે પાંચેયએ ચોર્યાનું જણાવ્યું હતું. આમ 1.80 લાખના ચોરાઉ વાયર તથા પાંચ લાખની બોલેરો પીક-અપના મુદ્દામાલ સાથે આરોપીઓ સુલતાન ઉપરાંત કાસમ જખરા મોખા, અનીસ ગની મોખા, અબ્દુલમજીદ ઉમર મેર અને સલીમ મામદ મોખા (રહે. તમામ નાના વરનોરા, તા. ભુજ)ને ઝડપી આગળની કાર્યવાહી અર્થે નખત્રાણા પોલીસને સોંપ્યા હતા. આ ઉપરાંત એલસીબીની ટીમે ભુજના નાગોર ફાટક પાસેથી બાતમીના આધારે વરનોરાથી ભુજ લઇ અવાતા અશોક લેલેન્ડના લોડિંગ વાહન નં. જીજે-12-બીએક્સ-2073 વાહનને રોકાવી તેમાંના વાયરોના ગૂંચડાના આધાર-પુરાવા બિલ માગતાં ન હોવાથી શક પડતાં 350 કિ.ગ્રા. વાયર કિં. રૂા. 30 હજાર અને વાહન ત્રણ લાખના મુદ્દામાલ સાથે સિકંદર ઉમર અબડા (રહે. નાના વરનોરા, તા. ભુજ) અને સુલતાન ઇસા સમા (રહે. બિટ્ટા તા. અબડાસા)ને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી. બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ખરડાયેલો છે. બંને સામે વિવિધ ગુના અગાઉ નોંધાઇ ચૂક્યા છે. 

Panchang

dd