તેહરાન, તા. 28 : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવ
વચ્ચે ઈરાની સેનાએ ફરી એક વખત અમેરિકી જહાજને નિશાન બનાવ્યું છે. આ જહાજ અમેરિકી સેનાને
લોજિસ્ટિક સપોર્ટ આપી રહ્યું હતું. ઈરાની સેનાએ શનિવારે કહ્યું હતું કે, તેણે ઓમાનના સલાલાહ પોર્ટ પાસે એક અમેરિકી લોજિસ્ટિક
જહાજ ઉપર હુમલો કર્યો છે. આક્રમક બનેલા ઈરાને યુએઈ પર 20 બેલેસ્ટિક મિસાઈલ અને 37 ડ્રોનથી મોટો હુમલો કર્યો હતો.
ઈઝરાયલે ફરી એક વખત પરમાણુ સંયંત્રને નિશાન બનાવી અરાકના હેવી વોટર પ્લાન્ટ પર હુમલો
કર્યો હતો, જેને ઈઝરાયલે અણુશત્રો
માટે પ્લુટોનિયમ તૈયાર કરવા માટે મહત્ત્વનો લેખાવ્યો હતો. આ સિવાય યજદમાં પણ યુરેનિયમ
સંવર્ધનની સામગ્રી તૈયાર થતી હતી, તેને પણ નિશાન બનાવાઈ હતી.
રશિયાની સરકારી પરમાણુ કંપની રોસાટોમે જણાવ્યું છે કે, ઈરાનના
બુશેહર અણુ મથકે હુમલા બાદ સ્થિતિ સતત બગડી રહી છે. ઈરાનના હુમલાઓથી દુબઈ હચમચી ગયું
હતું. આઈઆરજીએ દાવો કર્યો હતો કે જ્યાં 500થી વધુ અમેરિકી સૈનિકો હાજર હતા તેવા ગુપ્ત અડ્ડાઓને નિશાન બનાવીને
ચોક્કસ લક્ષ્ય પર ત્રાટકતી મિસાઈલો દાગવામાં આવી હતી. સાથે જ અમેરિકાના વધુ એક એફ-16 યુદ્ધજહાજને અમે તોડી પાડયું
છે. ઈરાન યુદ્ધમાં ઘાયલ થયેલા અમેરિકનોની સંખ્યા 300 થી વધુ થઈ ગઈ છે, આ અઠવાડિયે સાઉદી એરબેઝ પરના હુમલામાં બે ડઝનથી વધુ સૈનિકો ઘાયલ થયા છે. શુક્રવારે સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એરબેઝ
પર થયેલા હુમલામાં ઈરાને છ બેલિસ્ટિક મિસાઇલો અને 29 ડ્રોન છોડ્યા હતા, જેમાં ઓછામાં ઓછા 15 સૈનિકો ઘાયલ થયા હતા, જેમાં પાંચની હાલત ગંભીર હોવાનું આ બાબતથી વાકેફ
બે લોકોએ જણાવ્યું હતું. અમેરિકન અધિકારીઓએ
શરૂઆતમાં અહેવાલ આપ્યો હતો કે ઓછામાં ઓછા 10 અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે,
જેમાં બે ગંભીર રીતે ઘાયલ થયા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે શનિવારે જાહેરાત
કરી હતી કે વધુ અમેરિકન દળો મધ્ય પૂર્વમાં પહોંચી રહ્યા છે, જેમાં
લગભગ 2,500 મરીન સૈનિકોને લઈને નૌકાદળનું
જહાજ હવે આ પ્રદેશમાં પહોંચી ગયું છે. ઈરાનની
કેન્દ્રીય સૈન્ય કમાનના પ્રવક્તા ઈબ્રાહિમ જોલ્ફાગરીએ સરકારી ટીવી ઉપર નિવેદન આપતાં
કહ્યું હતું કે, આક્રમક અમેરિકી સેનાને
સહાય પહોંચાડતા લોજિસ્ટિક જહાજને ઓમાનના સલાલાહ પોર્ટથી ખૂબ ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનની
સશત્ર સેના દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે. આ પહેલાં ઈરાની મીડિયાએ કહ્યું હતું
કે, અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં રહેણાક
વિસ્તારો નિશાન બન્યા છે, જેનાથી રાતભરમાં એક ડઝનથી વધારે લોકોનાં
મૃત્યુ થયાં છે. દરમ્યાન ઈઝરાયલે ઈરાનની અંદર 50 ફાઈટર જેટથી હુમલો કર્યો હતો.
આ હુમલા દરમ્યાન ઈરાનના ત્રણ વિસ્તારમાં આવેલી હથિયાર ફેકટરીઓ અને પરમાણુ કાર્યક્રમથી
જોડાયેલા સ્થળોને નિશાન બનાવાયાં હતાં. બીજી તરફ ઈરાકે પોતાનું હવાઈક્ષેત્ર 31 માર્ચ સુધી બંધ કરવાની જાહેરાત
કરી હતી. ઈરાને દાવો કર્યો હતો કે તેણે દુબઈમાં
અમેરિકી સૈનિકોને નિશાન બનાવ્યા હતા. હુમલા વખતે 500 સૈનિક હતા અને તેમને મોટું નુકસાન થયું હતું. ઈરાન તરફથી અત્યારસુધીમાં
હુમલામાં થયેલાં મૃત્યુ અંગે કુલ આંકડો જાહેર કર્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર
આઠમી માર્ચે જાહેર કરવામાં આવેલા આંકડામાં 1200થી વધારે લોકોનાં મૃત્યુ બતાવ્યાં હતાં. જો કે, આ આંકડાની સ્વતંત્ર રૂપથી પુષ્ટિ થઈ શકી નહોતી.દરમ્યાન
શુક્રવારની રાતે ઈરાનના પરમાણુ પ્લાન્ટ ઉપર અમેરિકા અને ઈઝરાયલે હુમલો બોલાવી દીધાના
અહેવાલો આવતાં યુદ્ધ વધુ ભડકવાની ભીતિ પેદા થઈ હતી. જો કે, આજે
જાણવા મળી રહ્યું છે કે, ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થીનો પ્રયાસ
કરતાં પાકિસ્તાન સાથે ઈરાની નેતાગીરીએ એકાદ કલાક લાંબી ચર્ચા કરીને શાંતિ સમજૂતી વિશે
ચર્ચા કરી હતી. જો કે, ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ બે
બિનસૈન્ય પરમાણુ મથક અને સ્ટીલની ફેક્ટરી ઉપર ઈઝરાયલના હુમલા સામે ચેતવણી આપી હતી કે,
ઈઝરાયલ આની મોંઘી કિંમત ચૂકવશે. અમેરિકા અને ઈઝરાયલ આગથી ખેલી રહ્યા
હોવાની ધમકી પણ ઈરાની સેનાએ આપી હતી. દરમિયાન પરમાણુ મથકમાં રેડિએશન લીકેજ થયું ન હોવાનું
ઈરાનનાં પરમાણુ ઊર્જા સંગઠને જણાવ્યું હતું. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે ઈરાન યુદ્ધમાં નાટોની પ્રતિક્રિયા ઉપર નિરાશા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું
કે, નાટો કાગળનો વાઘ છે. અમેરિકા હંમેશાં તેની મદદ કરે છે,
પણ એ લોકો ક્યારેય અમેરિકાની વહારે આવતા નથી