વસંત પટેલ દ્વારા : કેરા, તા. ભુજ,
તા. 28 : યુગાન્ડાના
પાટનગર કંપાલા ખાતે હસુભાઈ ભુડિયાના માતબર દાનથી નિમાયેલ સ્વામિનારાયણ કોમ્પલેક્ષમાં
મંદિર, શાળા પછી આવાસીય થયું હતું. `અક્ષરધામ'નું લોકાર્પણ થયા સાથે ઐતિહાસિક સ્વપ્ન સાકાર
થયું હતું. તે સાથે હિજરતી કચ્છીઓ પૈકી તમામને ઘરનુ ઘર નસીબ થયું હતું. આ કાર્યક્રમ
તા. 15/3, રવિવારના યોજાયો હતો. અક્ષરધામ
પ્રોજેક્ટ માટે આખી ભૂમિ હસુભાઈ ભુડિયા પરિવારે દાનમાં આપેલ હતી. અહીં કચ્છી લેવા પટેલોને
બાંધકામના ભાવોભાવ ત્રણ બેડ, કિચન
સહિતની સુવિધા પ્રાપ્ત થઈ છે. ભુજ સ્વામિનારાયણ મંદિરેથી 18 સંતોની નિશ્રામાં ઉપમહંત ભગવદ્જીવનદાસજી
સ્વામી, વરિષ્ઠ સંત બાલકૃષ્ણ સ્વામી, હરિબળદાસજી સ્વામી, ભક્તિપ્રિયદાસજી સ્વામી, કૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી સહિતના હસ્તે કોમ્પ્લેક્ષનું ઉદ્ઘાટન સાથે કથા વાર્તા
યોજાઈ હતી. પ્રોજેક્ટના ટ્રસ્ટી નીતિનભાઈ વેકરિયા, દીપકભાઈ સેંઘાણી,
નિમેષભાઈ સિયાણી, પ્રશાંતભાઈ રાબડિયા, ચેરમેન રાજેશભાઈ કાનજી હીરાણી, મંત્રી નિશાંતભાઈ કાનજી
હીરાણી, કૌશિકભાઈ હાલાઈ, મનસુખભાઈ જેસાણી,
અશ્વિનભાઈ હાલાઈ, વિશ્રામભાઈ વરસાણી, સુરેશભાઈ પટેલ સહિતના કંપાલાવાસી સૌએ હસુભાઈનું સ્વપ્ન સાકાર કર્યું હોવાનું
કંપાલાથી વિગતો આપતા નીતિનભાઈ વેકરિયા, નિશાંતભાઈ હીરાણીએ કચ્છમિત્રને
જણાવ્યું હતું. મહાપૂજા, એકાદશી પૂજન સહિતન ધાર્મિક કાર્યક્રમ
યોજાયા હતા. સંતોએ ભુડિયા પરિવારને આશીર્વાદ આપ્યા હતા. અગાઉ કંપાલા સ્વામિનારાયણ મંદિરનું
ભૂમિદાન હસુભાઈ ભુડિયા પરિવારે આપ્યું હતું. અહીં સર્જાયેલ શાળા પણ આ પરિવારની દેન
છે. હસુભાઈના અવસાન બાદ કંપાલાના આ કોમ્પ્લેક્ષના વિકાસની ક્ષિતિજો વિસ્તરતી રહી છે.
જેમાં અક્ષરધામ એપાર્ટમેન્ટના 240 ફ્લેટના દરેકમાં સંતોએ પધરામણી કરી હતી ફ્લેટના ઉદ્ઘાટન પ્રસંગે
કંપાલા લેવા પટેલ સમાજના પ્રમુખ જિતેશ વાઘજિયાણી તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.