• રવિવાર, 29 માર્ચ, 2026

મુંદરામાં ટ્રેઈલરે બાઈકને ટક્કર મારતાં યુવકનું ગંભીર ઈજાનાં પગલે કરુણ મૃત્યુ

ભુજ / ગાંધીધામ, તા. 28 : આજે સવારે મુંદરાના રાશાપીર સર્કલ પાસે ટ્રેઈલરે બાઈકને ટક્કર મારતાં 18 વર્ષીય યુવક મોહંમદ દાઉદ અફરોઝ ખાનનું ગંભીર ઈજાઓનાં પગલે મોત નીપજ્યું હતું. આ ઉપરાંત ગઈકાલે રાતે બિદડા પાસે માર્ગમાં પંક્ચર પડેલી ટ્રકની પાછળ બાકઈ ઘૂસી જતાં બિદડાના 34 વર્ષીય યુવાન મનોજ જખુ સંઘારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ભચાઉમાં માર્ગ ઓળંગતા આદમ સલેમાન સંધી (ઉ.વ. 53)ને ટ્રકે હડફેટમાં લેતાં આ આધેડનું મોત થયું હતું. મુંદરાનું રાશાપીર સર્કલ અકસ્માત ઝોન તરીકે પંકાયેલું છે. આ માર્ગ પર અનેક જીવલેણ અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે, ત્યારે આજે સવારે 10.45 વાગ્યાના અરસામાં આ રાશાપીર સર્કલથી ટી-પોઇન્ટ બાજુ જતાં થોડે દૂર સોની મોટરની સામે ટ્રેઈલર નં. જી.જે. 12 ડી.એચ. 8137વાળાના ચાલકે પૂરપાટ બેદરકારીથી ગાડી ચલાવીને બાઈક નં. જી.જે. 12 ઈ.એફ. 8668ને ટક્કર મારતાં મૂળ બિહાર હાલે નાના કપાયા રહેતા 18 વર્ષીય યુવક મોહમદ દાઉદને ગંભીર ઈજા પહોંચતાં તેને સારવાર અર્થે મુંદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે અદાણી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ સારવાર કારગત ન નીવડતાં તેનું કરુંણ મોત નીપજ્યું હતું. ઝીરો પોઈન્ટ પોલીસ ચોકીના જયેન્દ્રસિંહ ઝાલા તથા હે.કો. કાનાભાઈ રબારી પાસેથી મળેલી વિગતો મુજબ હતભાગી મોહમદ દાઉદ ગેરેજમાં કામ કરતો હતો અને રોજગારી અર્થે છ એક માસ પૂર્વે જ બિહારથી મુંદરા આવ્યો હતો. આ અંગે મુંદરા પોલીસ મથકે ટ્રેઇલરચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાવાયો હતો. માંડવીના શ્રીરામનગરથી બિદડા વચ્ચેના ધોરીમાર્ગ પર ગઈકાલે રાતે ટ્રક નં. જી.જે. 12 બીવાય 6309માં પંકચર પડતાં ઊભી હતી, જેમાં પાછળ ટ્રેઇલર નં. જી.જે. 12 બી.ઝેડ. 3365 અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આગળની ટ્રક નીકળી ગઇ હતી અને આ અકસ્માતગ્રસ્ત ટ્રેઇલર કોઇ આડશ કે સિગ્નલ વિના ઊભું હતું, જેમાં રાતે નવેક વાગ્યાના અરસામાં બિદડાનો યુવાન મનોજ સંઘાર તેના કબજાની બાઈક નં. જી.જે. 12 એ.એલ. 7704વાળી લઈને આવતો હતો, ત્યારે આ ઊભેલા ટ્રેઇલરની પાછળ બાઈક ઘૂસી જતાં મનોજનું ગંભીર ઈજાનાં પગલે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતનાં પગલે કચ્છ ક્ષત્રિય સંઘાર સમાજના પ્રમુખ વાલજીભાઈ સંઘાર, શ્રીરામનગરના ખેડૂતો તથા બિદડા બિટના જમાદાર પ્રવીણભાઈ પરમાર તાત્કાલિક ત્યાં ધસી જઈ સહયોગી બન્યા હતા. આ બનાવ અંગે મૃતક મનોજના પિતા જયુભાઇએ કોડાય પોલીસ મથકે ટ્રેઇલર-કન્ટેનર નં. જી.જે. 12 બી.ઝેડ. 3365 વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. બીજી તરફ ભચાઉમાં હિંમતપુરા વિસ્તારમાં રહેતા આધેડને આજે સવારે જીવલેણ અકસ્માત નડયો હતો. બટિયા બ્રિજ ઊતરતાં ગાંધીધામથી ભચાઉ આવતા ધોરીમાર્ગ ઉપર અકસ્માત સર્જાયો હતો. આ શ્રમિક માર્ગ ઓળંગી રહ્યા હતા, ત્યારે ભચાઉ તરફ જતી ટ્રક નંબર જી.જે. 12 બી.ડબલ્યુ. 8100એ તેમને હડફેટમાં લેતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘવાયેલા આ આધેડને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. નાસી જનાર ટ્રકચાલક સામે અભરામ સલેમાન રાજાએ ફરિયાદ નોંધાવી હતી. 

Panchang

dd