કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : `1992માં પત્રકારત્વમાં ડગલાં માંડી
રહ્યો હતો, ત્યારે એક દૈનિકના પત્રકાર
તરીકે `કચ્છ ઉત્સવ'માં આવવાનું થયું. ફેબ્રુઆરીનો મહિનો,
પ્રથમવાર કચ્છની ધરતી પર પગ મૂક્યો અને ત્રણ દિવસમાં જ્યાં પણ જવાનું
થયું ત્યાં જોઇને મોઢું પહોળું થઇ જતું. ત્યાંનો આવકાર, પહેરવેશ,
રહેણીકરણી, ખોરાક, સ્થળો,
ઘર, ગામના ચોરા, ખેતરો,
ખારોપાટ... આ બધું સાદું છતાં અદ્ભુત... માંડવીનો દરિયાકિનારો,
બન્નીનું રણ, સંસ્કૃતિથી છલકતાં ગામડાં,
ફોટોગ્રાફર, મગજ પર સવાર થઇ ગયો ને નક્કી કર્યું
કે, હવે બસ કચ્છ ને કચ્છ...' આ શબ્દો છે
ફ્રીલાન્સ ફોટોગ્રાફર વિવેક દેસાઇના. કચ્છમિત્રના આષાઢીબીજ વિશેષાંકમાં પોતાના લેખમાં
આ લાગણી વ્યક્ત કરનાર વિવેક દેસાઇ માટે કહેવું તો પડે કે એણે દિલની વાત સાંભળી છે.
એ પછી કચ્છ પર અદ્ભુત કેમેરાવર્ક કર્યું છે. કચ્છની ધરતીનું ખેંચાણ અનુભવનારા વર્ગમાં
ફોટોગ્રાફરોની યાદી લાંબી છે. વિવેકે વિવિધ દૃષ્ટિકોણ સાથે કામ કર્યું છે. તેમણે માત્ર
ફોટોગ્રાફરની દૃષ્ટિ કરતાં એક સંશોધક તરીકે કચ્છને જોયું છે, જાણ્યું છે, સમજ્યું છે અને આ સીમાવર્તી પ્રદેશના બદલાવને
તસવીરોમાં ઝીલ્યો છે. કચ્છમિત્રના વાચકો માટે પણ વિવેકનું નામ અજાણ નથી.તેમણે વધુ એક
યાદગાર દસ્તાવેજીકરણ કર્યું છે. `કચ્છડો બારે માસ' અંગ્રેજી કોફી ટેબલ બૂકના પૃષ્ઠોમાં આ ધરતીના તમામ રંગોને અદ્ભુત રીતે તસવીરનાં
માધ્યમથી ઉતાર્યા છે. એટલું જ નહીં કચ્છના પાટનગર ભુજનાં સેંકડો વર્ષ પહેલાંની દુર્લભ
તસવીરો બૂકનું આકર્ષણ છે. વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઇ ખત્રીએ વિસ્તૃત પ્રસ્તાવનામાં દલાઇ
લામાની આત્મકથાનું નામ માય લેન્ડ, માય પીપલ અને વિખ્યાત સર્જક
ડો. જયંત ખત્રીની ટિપ્પણી... `હું મારી ભૂમિ અને મારા લોકો સાથે કટ્ટર રીતે જોડાયેલો છું' ટાંકીને
લખ્યું છે કે, વિવેક દેસાઇએ કચ્છની સંસ્કૃતિ-લેન્ડસ્કેપ
પ્રકૃતિને ઉપસાવી છે એ તો ખરું જ, પણ તેમણે સ્થાનિક લોકોનું જનજીવન,
સંઘર્ષ, પ્રકૃતિની ભીષણતાનો સામનો, આનંદ તસવીરોમાં જીવંત કર્યો છે. જાણીતા
તસવીરકાર અરવિંદ નાથાણી કહે છે કે ફોટોગ્રાફી ખુદ સાધના છે, ધીરજ
જોઇએ જે વિવેક દેસાઇમાં ભારોભાર ભરી છે. પુસ્તકમાં
નજર ફેરવીએ એટલે દરેક પાનાં પર આંખ થંભી જાય છે. કેટલાંક દૃશ્યો એવાં છે, જે સાવ રૂટીન-રાબેતા મુજબ જીવનની ઘટમાળમાં હજારો આંખો નિહાળતી હશે,
પણ વિવેકના કેમેરામાં એ કંડારાયા પછી કલાત્મક નમૂનો બની ગયાં છે. ગ્રામ્ય
જીવનમાં ખાટલો ભરતા પુરુષ, ઘરના બંધ દરવાજા, ચાની ચૂસકી, વરસાદમાં ઘર તરફ જતી સખીઓનો આનંદ,
માછીમારોની કામગીરી, ગામના ચોરે કે મંદિરના ઓટલે
બેઠેલા વૃદ્ધો, સ્મૃતિવન, કુદરતની વિનાશ
લીલા, ક્રીક ઓળંગતા ખારઇ ઊંટ, પંખીઓ,
રણના વિવિધ રંગ... બધી જ તસવીરો એક એકથી ચઢિયાતી છે. જાણે કચ્છની બહુરંગી
નિ:શબ્દ બાયોગ્રાફી. માત્ર ફોટોગ્રાફી વિકસાવવા માટે પત્રકારત્વ મૂકી દેનાર આ કેમેરાના
કસબી કહે છે, પહેલાં હું રજા મળે એટલે રાજસ્થાન દોડી જતો અને
તસવીરો ખેંચતો, પરંતુ કચ્છના વારંવારના સંસર્ગમાં આવ્યા પછી ખ્યાલ
પડતો ગયો કે બેનમૂન દરિયાકાંઠો, રણ, ડુંગર,
ભાતીગળ ગામઠી લોકજીવન... બધું જ અહીં છે તો બહાર શા માટે ફાંફા મારવા
! વિવેકે કચ્છનો બદલાવ બહુ ઝીણવટભરી રીતે જોયો છે. તેણે કેટલાક સ્થળોના ભૂકંપ પહેલાંના,
ભૂકંપ વખતના અને ત્રણ - ચાર વર્ષ પછીના ફોટા પાડયા છે અને દેખીતું પરિવર્તન
વર્તાય છે. એક વર્ગ કચ્છનાં ભાતીગળ લોકજીવન પર શહેરીકરણની વર્તાતી અસરને ચિંતાની નજરે
જુએ છે, પરંતુ આ તસવીરકાર કહે છે, આધુનિક
યુગ સાથે કદમ મિલાવીને સુખ - સુવિધાઓ ભોગવવાનો ઈજારો શહેરી લોકોનો જ છે ? ગામડાંમાં જીવતા લોકો શા માટે આવું સુખ ન મેળવે? એક કન્સેપ્ટ
સાથે ફોટોગ્રાફી કરવી એ કોઇ આસાન વાત નથી અને માત્ર ફોટોગ્રાફી પર દાળ - રોટલી નિર્ભર
હોય, ત્યારે એ બહુ મોટી ચેલેન્જ બની જાય છે. અહીં આપણે સ્પષ્ટતા
કરી લઇએ કે આ ફોટોગ્રાફી એટલે સમારંભોમાં કે લગ્નો - બર્થ - ડે પાર્ટીમાં કેમેરાથી
ફોટો પાડવાની વાત નથી. `માનવ જિંદગી' કન્સેપ્ટ સાથે ગુજરાતમાં - ભારતમાં ઘૂમી વળીને
તેને કચકડે કંડારવાની વાત છે. `આ એક સાધના છે અને તેમાં એકવાર દાખલ થાવ એટલે એકદમ અંદર પહોંચ્યા
પછી જ સંતોષ થાય' એમ કહેતાં
વિવેક ઉમેરે છે કે, આ જાતની ફોટોગ્રાફી એકદમ ખર્ચાળ છે. કઠિન
મહેનતની સાથે શરૂઆતમાં ગાંઠના ખર્ચે ગોપીચંદ કરવું પડે છે. (પ્રકાશન : નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ
-2025, કિંમત રૂા. 3000)