ભુજ, તા. 28 : માધાપર નવાવાસમાં કચ્છમિત્ર
કોલોનીની બરોબર સામે આવેલી ભુજ નગરપાલિકા હસ્તકની ગટરલાઇનનું છેલ્લા ત્રણેક વર્ષથી
નિયમિત પમ્પિંગ ન થવાથી ઊભરાતાં ગંદાં પાણીથી રહેવાસીઓ પરેશાન થઈ ગયા છે, આ બાબતે વિવિધ સ્તરે રજૂઆત છતાં નક્કર પરિણામ
મળ્યું નથી. એમ.ઇ.એસ.થી માધાપર માર્ગે જતાં બિપિન ભટ્ટનગરમાં સુધરાઇનો સમ્પ આવેલો છે,
જેમાં છેલ્લા ત્રણેક વર્ષથી કોન્ટ્રાક્ટર દ્વારા નિયમિત પમ્પિંગ કરાતું
નથી, જેના કારણે કચ્છમિત્ર કોલોનીની સામે આવેલા મહાવીરનગર પાસે
ગટર ઊભરાય છે, આ સમસ્યાને હલ કરવા મહાવીરનગર અને રાધાકૃષ્ણ મંદિરના
સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે ચેમ્બરમાં ઓવરફલો પાઇપ નાખી દેવાયો છે, જેના કારણે 24 કલાક વહેતાં
આ ગટરનાં પાણી રસ્તાની સામી બાજુ આવેલી કચ્છમિત્ર સોસાયટીનાં નાળાંમાં ભરાતાં રહેવાસીઓ
પરેશાન થયા છે. આ બાબતે સુધરાઇ પણ કોઇ કાર્યવાહી કરતી નથી. ખરેખર તો નિયમિત પમ્પિંગ
ન કરનારા કોન્ટ્રાક્ટર અથવા તો કર્મચારી સામે
કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ રહેવાસીઓ કરી રહ્યા છે, જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો ઉગ્ર
આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ અપાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નાળાંમાંથી ગટરનું પાણી સીધું યક્ષવાળાં તળાવમાં જાય છે, જેથી તળાવનું પાણીએ દૂષિત થાય છે. આ બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને
પણ ફરિયાદની નકલ પાઠવાઇ છે, ત્યારે આ કચેરી શું પગલાં લે છે તે
જોવાનું રહે છે. ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાનનો ઉલ્લેખ કરીને રહેવાસીઓએ એવો બળાપો
પણ વ્યક્ત કર્યો હતો કે, ગાંધી જયંતી વેળા સરકારી તંત્ર,
કચેરીઓ અને જાહેર સ્થળોના સફાઈ અભિયાન ચલાવે છે, પણ વર્ષોથી ઊભરાતી ગટરો સહિતની આવી પીડાદાયક સમસ્યા માટે તેમને સમય મળતો નથી
જે દુર્ભાગ્યપૂર્ણ છે.