ભારત-કેનેડાના સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત ગણી શકાય એવી
ઘટના હાલમાં બની છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી)ના કમિશનર માઈક ડુહેમે
કહ્યું છે કે, કેનેડામાં ભારત સરકાર સાથે
સંકળાયેલી કોઈ ગુપ્ત ગતિવિધિઓના કોઈ પુરાવા નથી. હજી 18 મહિના પહેલાં માઈક ડુહેમે ખાલિસ્તાની
તરફી હરદીપાસિંહ નિજ્જરની હત્યા મામલે ભારતીય એજન્સીઓ તથા ભારત સરકારના એજન્ટો પર ગંભીર
આરોપો મૂક્યા હતા. તત્કાલીન કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત વિરુદ્ધ મોરચો
ખોલ્યો હતો અને પોતાનાં રાજકીય હિત ખાતર ખાલિસ્તાની તરફી કેનેડિયન રાજકારણીઓને ખુશ
કરવા રાજદ્વારી અને દ્વિ-પક્ષી સંબંધોને દાવ પર મૂક્યા હતા. કેનેડામાં ગયાં વર્ષે માર્ચ
મહિનામાં ચૂંટાઈ આવેલા વડાપ્રધાન માર્ક કાર્નીએ ભારત સાથે બગડેલા સંબંધો સુધારવાની
દિશામાં આવકારદાયક પગલાં લીધાં, તેનું
આ આગામી પ્રકરણ છે. કેનેડિયન પોલીસવડાએ એ વાત પણ સ્પષ્ટ કરી છે કે, ભારત સહિત અન્ય કોઈ દેશ વિરુદ્ધ વિદેશી હસ્તક્ષેપના કોઈ નક્કર પુરાવા નથી.
બહુ લાંબા સમય સુધી કેનેડાએ ખાલિસ્તાની અંતિમવાદીઓને દ્વિ-પક્ષીય સંબંધો પર પ્રભાવ
પાડવાની તક આપી હતી. કેનેડામાં શીખ સમુદાય મોટી સંખ્યામાં છે, પણ તેમાં આ અલગતાવાદીઓનું પ્રમાણ બહુ નાનું છે. વળી, કેનેડાએ પોતાની ધરતીનો ઉપયોગ ખાલિસ્તાનીઓના દુપ્રચાર, ભંડોળ એકત્ર કરવું અને ભારત પ્રત્યે આતંકવાદ કહી શકાય એ કક્ષાની પ્રવૃત્તિઓ
માટે કરવા દીધો. સજા ભોગવનારા આતંકવાદીઓના પોસ્ટર દર્શાવવા અને 1985માં એર ઇન્ડિયાના વિમાનને બોમ્બથી
ઉડાડી નાખવાની ઘટનાની ઉજવણી કેનેડામાં બેફામ થતી રહી. આ બોમ્બિંગમાં 329 નિર્દોષના જીવ ગયા હતા, જેમાં મોટા ભાગના કેનેડિયન નાગરિકો હતા. આ ઘટનાઓને
રાષ્ટ્રની સુરક્ષા સામે જોખમ ગણવાને બદલે એ કાળની વિવિધ કેનેડિયન સરકારોએ પોતાના રાજકીય
લાભ માટે નવી દિલ્હીને વિલન ચીતરવાનું ચાલુ રાખ્યું હતું. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ
તો ભારતમાં કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શનોને ટેકો આપી સીધો જ ભારતની આંતરિક બાબતમાં
હસ્તક્ષેપ પણ કર્યો હતો. જો કે, આ બધું હવે ભૂતકાળમાં જમા થઈ
ગયું છે. માર્ક કાર્ની ચાલુ મહિનાની શરૂઆતમાં ભારત મુલાકાતે આવ્યા હતા અને ચાર દિવસ
મુંબઈમાં બિઝનેસ માંધાતાઓને મળ્યા હતા. બંને દેશ વચ્ચે દોઢેક દાયકાથી અટકી પડેલા ઇન્ડિયા-કેનેડા
કોપ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ પર ચર્ચા શરૂ થવાનાં એંધાણ છે. ભારતીય વિદ્યાર્થીઓ,
રોકાણકારો અને વ્યાવસાયિકોનું પ્રમાણ કેનેડામાં ખાસ્સું મોટું છે,
છતાં સ્થાનિક વોટ બેન્કના રાજકારણને પોષવા આટલાં વર્ષો સુધી દ્વિ-પક્ષી
વેપાર, સંરક્ષણ સહકાર તથા રાજદ્વારી સંબંધોનું ગળું ઘોંટવાની
નીતિ અપનાવવામાં આવી. કાર્નીની સરકારનું ધ્યાન રોળાયેલી આ તકો તરફ ગયું અને પગલાં લેવાયાં
છે. કેનેડાએ આ મોરચે પોતાની ગંભીરતાનો પુરાવો ખાલિસ્તાની જૂથોને આતંકવાદી સંગઠનો જાહેર
કરી આપવો જોઈએ. આ કદાચ વધુ પડતું હોય તો, કમસે કમ આ સંગઠનોની
પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવો જોઈએ, જેથી દ્વિ-પક્ષી સંબંધોની સકારાત્મક
શરૂઆત થઈ શકે. પોતાની ધરતીનો ઉપયોગ અન્ય દેશ વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવા પર રોક લગાડવાનું
કામ સમયની માંગ છે.