• શનિવાર, 22 ફેબ્રુઆરી, 2025

કેરા નજીક ગમખ્વાર અકસ્માતમાં છનાં મોતથી અરેરાટી

ભુજ, તા. 21 : ભુજ-મુંદરાને જોડતા ધોરીમાર્ગ પર શુક્રવારે બપોરના અરસામાં કેરા નજીક સીતારામ ટ્રાવેલ્સની બસ અને ટ્રેઈલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બસમાં સવાર છ મુસાફર કાળનો કોળિયો બન્યા હતા, જ્યારે 23 યાત્રી ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં ત્રણની હાલત ગંભીર બતાવાઈ હતી. અકસ્માતની જાણ થતાં પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ સુંડા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બનાવના પગલે હોસ્પિટલમાં કરુણ દૃશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં સાંસદ વિનોદ ચાવડા, ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, કલેક્ટર અમિત અરોરા તથા પોલીસ અધિકારીઓ સહિતના હોસ્પિટલ પહોંચ્યા હતા અને મૃતકોના પરિજનોને સાંત્વના પાઠવી હતી અને ઘાયલોની સારવાર અંગેની વિગતો મેળવી હતી. કેરા ગામથી આગળ જાખાકાંઠા પાટિયા પાસે બપોરના અંદાજિત 12.30 વાગ્યાના અરસામાં મુંદરાથી ભુજ આવતી સીતારામ ટ્રાવેલ્સની જીજે 12 એક્સ 7879 નંબરવાળી લક્ઝરી અને સામેથી આવતા ટ્રેઈલરની ધડાકા સાથે ટક્કર થઈ હતી. ભુજથી મુંદરા પરિવહન કરતી સીતારામ ટ્રાવેલ્સની બસ મુંદરાથી તેના નિયત સમયે ભુજ આવવા ઉપડી હતી અને જાખાકાંઠા પાટિયા નજીક પહોંચી ત્યારે સામેથી આવતા ટ્રેઈલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત બાદ લોકોની ચીચિયારીઓથી માર્ગ પર હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયાં હતાં. ઘટનાના પગલે એકત્ર થયેલા લોકોએ બસમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢવા જહેમત હાથ ધરી હતી, તો ક્યાંક ઘાયલો જાતે બહાર નીકળ્યા હતા. નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે, મુંદરાથી આવતી લક્ઝરીની સામે ઓવરટેક કરીને આવતા ટ્રેઈલરે જોરદાર ટક્કર મારી હતી, જેમાં અડધી બસના ફુરચા ઊડી ગયા હતા અને કેટલાક મુસાફરો બહાર ફંગોળાયા હતા, તો માર્ગ પર પડેલા મૃતદેહોની સ્થિતિ જોઈને કઠણ હૃદયના માનવીને પણ કંપારી છૂટી જાય તેવાં દૃશ્યો જોવા મળ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ ટ્રેઈલર ચાલક નાસી છૂટયો હતો. ઘટના બાદ ત્યાંથી પસાર થયેલા આરટીઓ ઈન્સ્પેક્ટર  કે.વી. પટેલે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી હતી અને મૃતદેહો તથા ઘાયલોને ભુજની જી.કે. નજરલ હોસ્પિટલ પહોંચાડવા તજવીજ હાથ ધરી હતી, તો કેટલાકે ખાનગી વાહનો થકી લોકોને હોસ્પિટલ પહોંચાડયા હતા. અલબત્ત, આ ગોઝારી ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. અકસ્માત અંગે પરિજનોને જાણ થતાં હોસ્પિટલ પહોંચતાં કરુણ દૃશ્યો સર્જાયાં હતાં, તો ડીવાયએસપી શ્રી જાડેજા, પીઆઈ શ્રી મોરી, માનકૂવા પોલીસ સ્ટાફ સહિત પહોંચ્યા હતા. બનાવની જાણ થતાં કલેકટર અમિત અરોરા પણ તાત્કાલિક ધસી ગયા હતા અને ઘાયલોની સારવારમાં કોઈ ઊણપ ન રહે તે માટે હોસ્પિટલના તબીબો-સ્ટાફને તાકીદ કરી હતી અને મૃતકો તથા ઘાયલોની ઓળખ કરી વેળાસર જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવા સૂચના આપી હતી. સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ સહિતના અગ્રણીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. શ્રી ચાવડાએ ઘાયલો સાથે વાત કરી હતી અને સાંત્વના આપવા સાથે  મેડિકલ તપાસણી સહિતની જરૂરી વિધિઓ અંગે પણ વિગતો મેળવી હતી. મૃતકો પૈકીના આસિફ માંજોઠી નામના યુવનના મિત્રએ જણાવ્યું હતું કે, આસિફ મુંદરાથી ભુજ સાસરે આવતો હતો અને આ અકસ્માત નડયો હતો, જેની જાણ થતાં તેઓ હોસ્પિટલે પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે, આસિફનું મોત થયું હતું અને પરિવાર પર આભ ફાટયા સમાન દુ:ખ આવી પડયું હતું. પાંચ મૃતક પૈકી ત્રણની ઓળખ તેના પરિજનોએ કરી હતી, જ્યારે એકની આધારકાર્ડથી ઓળખ થઈ હતી અને એક મહાત્માના મૃતદેહની ઓળખ થઈ શકી નહોતી, ત્યારે એક પરિજન મહાત્માને શોધતા આવ્યા હતા, જેમનું નામ સોબરનદાસ હતું, જે ઉત્તરપ્રદેશથી દવા લેવા પોતાના ભાઈને ત્યાં મુંદરા આવ્યા હતા અને પરત જતી વેળાએ તેમને કાળ આંબી ગયો હતો. આ અકસ્માતના બનાવે પૂરપાટ દોડતા તોતિંગ વાહનો અને મર્યાદાથી વધુ મુસાફર ભરીને જતી ખાનગી બસોનો મુદ્દો ફરી સપાટી પર આવ્યો હતો, તો ક્યાંક સંબંધિત તંત્રોની બેદરકારી કે મીઠી નજર અંગે પણ લોકોમાં આક્રોશ ફેલાયો હતો. અકસ્માત અંગે માનકૂવા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન, કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી વી.કે. હુંબલ, રામદેવસિંહ જાડેજા, ધીરજ ગરવા, ગનીભાઈ કુંભાર, નીતેશ લાલણ સહિતના આગેવાનોએ મૃતકોના પરિજનો અને ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા સાથે બેદરકારી દાખવનારા વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી, તો પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી અંજલિ ગોરે અકસ્માત અંગે જવાબદરી નક્કી કરી નૈતિકતાના ધોરણે કાર્યવાહી કરવા માંગ કરી હતી. બીજી તરફ, દુર્ઘટનાના પગલે સામાજિક-રાજકીય આગેવાનો, સેવાભાવી સંસ્થાઓ ઘાયલોની મદદે આવ્યા હતા. અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટીના મોહસીન હિંગોરજાએ આ ગોઝારા બનાવમાં જવાબદારો સામે પગલાં લેવા માંગ કરી હતી, તો નરેશભાઈ મહેશ્વરી, અશરફશા બાવા, રમજાન સુમરા, ઈમરાન કુંભાર, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પૂર્વ અધ્યક્ષ ઈબ્રાહીમ હાલેપોત્રા, કુંભાર સમાજના કચ્છના પ્રમુખ રફીકભાઈ મારા, જિલ્લા પંચાયતના સભ્યા ફકીરમામદ રાયશી, બન્નીના અગ્રણી મુસા રાયશી, રમજુભા રાયમા અને તાલુકા પંચાયતના સદસ્ય મામદ રહીમ જત સહિતના આગેવાનો ઘટનાસ્થળે અને હોસ્પિટલમાં હાજર રહ્યા હતા. અકસ્માત અંગે સબ કમિટી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના માજી સભ્ય ધર્મેન્દ્ર ગોહીલે કચ્છ જિલ્લામાં ખાનગી વાહનો અને ખનિજ વહન કરતા તોતિંગ વાહનો આરટીઓના નિયમો વિરુદ્ધ પરિવહન કરતા હોવાથી વહીવટી તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. - હતભાગી મૃતકો અને ઘાયલોની યાદી : ભુજ, તા. 21 : કેરા નજીક સર્જાયેલી ગમખ્વાર દુર્ઘટનામાં છ જણે જીવ ખોયા હતા, જ્યારે 23 લોકો ઘાયલ થયા હતા, જેની યાદી નીચે મુજબ છે. આસિફ ફકીરમામદ માંજોઠી (ઉ.વ. 22), કુલસુમબેન મામદ હુશેન સના (ઉ.વ. 50), સાલે સચુ રાયશી (ઉ.વ. 24), શાહ આલમ ગુલામ મુહમદ (ઉ.વ. 36), સોબરનદાસ બંસીધર જાદોન (ઉ.વ. 73)નાં મોત થયાં હતાં, તો મૂળ યુપીના જલાલુદિન નાતુલા માંડુ (ઉ.વ. 41)એ મોડી રાત્રે સારવાર દરમ્યાન દમ તોડયો હતો. જ્યારે મોહમદ ફરહાન, ફરહીન સદ્દામ કુરેશી, મોહમદ હોશ મોહમદ ભટ્ટી, આશિયામા મહેબુબ ભટ્ટી, નજમા ઓસમાણ ભટ્ટી, હોશ મામદ તારમામદ ભટ્ટી, લક્ષ્મીબેન શામજી મહેશ્વરી, જનકસિંહ બંસીદાન રાજપૂત, હાસમભાઈ હિંગોરા, ગીતાબેન રમેશભાઈ મહેતા, હેતલબેન રમેશભાઈ, નૂર હશન, રજાકભાઈ અધાભા ધોધા, મોહમદ ઈસ્માઈલ, દીપાબેન સચિન જૈન, તનવી સચિન જૈન, લતાબેન, લીલાબેન ખીમજી મહેશ્વરી, નાનુબેન, મામદ હુશેન સના, નાજિયા હાશન, સલમા ફકીરમામદ સુમરા અને એક અજાણી વ્યક્તિ ઘાયલ થયા હતા.  ઘાયલો પૈકી રજાકભાઈ, દીપાબેન તથા તેમની પુત્રી તનવીની હાલત ગંભીર બતાવાઈ હતી, જેમાં દીપાબેનને ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. - હતભાગીઓ પ્રત્યે મુખ્યમંત્રીની સંવેદના : ભુજ, તા. 21 : ભુજ-મુંદરા ધોરીમાર્ગ પર કેરા નજીક સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોના પરિજનો અને ઘાયલો પ્રત્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી પ્રાર્થના કરી હતી. મૃત આત્માઓને પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તોને સમયસર ઝડપી સારવાર પ્રાપ્ત થાય તે માટે તંત્ર કાર્યરત છે. તેઓ ઝડપથી સાજા થાય તેવી ઇશ્વરને પ્રાર્થના કરું છું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd