અંજાર, તા. 21 : અહીંના સ્ટેડીયમ ખાતે આવેલા
તોરલ સરોવરની સુધરાઈ દ્વારા યોગ્ય રીતે જાળવણી
કરવામાં ન આવતી હોવાની ફરિયાદ ઉઠી છે. અહીં ગંદકીના સામ્રાજ્ય અને દુર્ગંધના કારણે
સ્થાનિકોએ ભારે હાલાકી વેઠવી રહી છે. સુધરાઈ દ્વારા તોરલ સરોવરની સુંદરતા વધારવા
માટે સમયાંતરે વિવિધ વિકાસકામો હાથ ધરવામાં આવ્યા છે. તેમ છતાં ઉડીને આંખે વળગે તે
પ્રકારે અહીં વિકાસ થયો ન હોવાનું ચિત્ર ઉપસ્યું છે. અહીં દરરોજ ચાલવા આવતા નાગરીકોએ જણાવ્યું હતું કે આ સરોવર ગંદકીમય
બન્યું છે. તળાવની અંદર અને બહારના ભાગે બાવળની ઝાડીઓ વધી ગઈ છે. શહેરમાં બિન્ધાસ્ત
રીતે વેચાતા હલકી ગુણવતાના પ્લાસ્ટીક ઝબલાનું
વેચાણ થાય છે. પવનમાં ઉડીને પ્લાસ્ટીકના ઝબલા
સરોવરમાં ઠલવાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનો છેડ ઉડાડતી
પાલિકા દ્વારા અહીં સફાઈ કરવામાં આવતી નથી. પાલિકા દ્વારા સરકારી ગ્રાન્ટમાંથી 15થી વધુ કેબીનો મુકવામાં આવી છે. જેનો ઉપયોગ
હજુ સુધી શરૂ થઈ શકયો નથી. હાલમાં આ કેબીનો અસામાજીક પ્રવૃતિઓ માટે કેન્દ્ર બની છે.
નોંધપાત્ર છે કે તોરલની જાળવણી માટે પાલિકા દ્વારા ટેન્ડર પણ જારી કરવામાં આવ્યુ હતું.
જેના બીજા પ્રયત્નમાં ટેન્ડર અરજી મગાવવા માટે અખબારમાં જાહેરાત ન અપાઈ હોવાના કારણે
આવેલા રીટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી
હતી.પાલિકા દ્વારા ટેન્ડરની કામગીરી માટે બેદરકારી દાખવનારા સામે કોઈ પગલાં ભરવામાં
આવ્યા નથી. હાલમાં તોરલ સરોવરની માવજતનુ કામ સોંપવા માટેનો નિર્ણય કારોબારી બેઠકમાં
પડતર હોવાનું માહિતીગારોએ ઉમેર્યું હતું.