દયાપર (તા. લખપત), તા. 21: તીર્થધામ
નારાયણ સરોવર ખાતે ચિત્રકુટ ધામમાં આયોજિત રામકથામાં આજે પ્રસિદ્ધ વક્તા મોરારિ બાપુએ
ભજનસમ્રાટ બ્રહ્મલીન નારાયણસ્વામીને તેમજ ગુજરાતી પ્રસિદ્ધ લેખકોને યાદ કરી તેમની કૃતિઓ
કથામાં રજૂ કરી હતી. રામકથાના સાતમા દિવસે આજે પૂ. બાપુએ ગંગામૈયાના પવિત્ર જળના પ્રદૂષણ
બોર્ડે અપેલા હેવાલની ટીકા કરતાં કહ્યું હતું કે,
તમો પાણીને યંત્રથી માપો છો જ્યારે અમો મંત્રથી માપીએ છીએ. અત્યારે જ
આ રિપોર્ટ શા કારણે આપ્યો તેવો પ્રશ્ન કર્યો હતો. કથામાં ગુજરાતના પ્રસિદ્ધ કવિઓ હરીન્દ્રભાઈ
દવે, ઉમાશંકર જોશી સહિતને યાદ કરી માધવ ક્યાંય નથી મધુવનમાં..ની
કવિતા વ્યાસાસનેથી કરી હતી. તો સ્વ. વી.કે. પટેલ સાથે જૂના સ્મરણો તાજા કરી કહ્યું
હતું કે, દર કથામાં મને એમના તરફથી ગાડી ભેટ અપાય છે. માંડવી
ચપલેશ્વર આશ્રમમાં બ્રહ્મલીન નારાયણસ્વામી પાસે પણ તેઓ લઈ ગયા હતા. થાર્યા ભગતને પણ
યાદ કર્યા હતા. ધર્મસંકટ, પરિવાર સંકટ, રાષ્ટ્રસંકટ વિગેરે પરિસ્થિતિમાં કેમ રહેવું તેનો સાર સમજાવ્યો હતો. તપ અને
ઉપવાસ કરવા પણ પ્રસન્નતાના ભોગે ઉપવાસ ન કરાય, ઘણા બધા ઉપવાસથી
પ્રસન્નતા અને આનંદ છીનવાઈ જાય, પછી લોકો મોઢું બગાડીને બેઠા
હોય શરીરને અંદર નુકસાન થાય તેવા ઉપવાસ ન કરાય, બાકી શ્રદ્ધાનો
વિષય ગણાવ્યો હતો. પોતાની પાસે પ્રમાણ માગનારાઓને શાબ્દિક ચાબખા મારતાં કહ્યું હતું
કે, પ્રમાણ માગનારા મૂર્ખ છે, મારા તો ગુરુ
જ પ્રમાણ છે. સોશિયલ મીડિયામાં થતી ટીંકાનો જવાબ અપાય નહીં. આજે બાલકાંડમાં શ્રી રામ,
ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન જન્મ અને લગ્ન-વિવાહનો
પ્રસંગ ભાવપૂર્વક સમજાવ્યો હતો. ભરત એટલે શોષણ નહીં ભરણ કરવું તે લક્ષ્મણ એટલે જેનું
એક જ લક્ષ્ય શ્રી રામ છે તે અને શત્રુઘ્ન એટલે શત્રુ જેવી બુદ્ધિનો વિનાશ કરવો તે સાધુની
કૃપા કેવી મનુષ્ય પર ખરી ઉતરે તે માટે `ભાગ્યમાં ઘોડો'વાળો પ્રસંગ વર્ણવ્યો હતો. જીએમડીસી દ્વારા આજુબાજુના ગામડાઓમાંથી કથા મંડપ
સુધી શ્રોતાઓને લઈ આવવા બસની વ્યવસ્થા કરાઈ હતી. પરિણામે શમિયાણો નાનો પડતાં બહારની
સાઈડમાં બેઠક વ્યવસ્થા કરાઈ હતી. `ગીતાપ્રેસ'-ગોરખપુર
દ્વારા વિવિધ સાહિત્યનો સ્ટોલ રખાતાં લોકોએ ધાર્મિક પુસ્તકો મોટી સંખ્યામાં ખરીદ્યાં
હતાં. કથામાં ગાયક અનિલ ગજ્જર, પદ્મશ્રી શાહબુદિન રાઠોડ,
કચ્છ લોહાણા સમાજના અગ્રણી રાજેશ પલણ, ભાવિકભાઈ
અનમ, નખત્રાણા લોહાણા મહાજનની ટીમ, રબારી
સમાજના દેવશીભાઈ રબારી, બ્રહ્મસમાજના મનોજભાઈ જોશી, વેલજીભાઈ આહીર, વિનેશ સાધુ, મોહનભાઈ
ધારશી, ભાવેશભાઈ આઈયા, યોગેશભાઈ ગજ્જર,
રસીલાબેન ભટ્ટ, દીપકભાઈ રેલોન, સુરેશભાઈ ઠક્કર, ખેતશી ગઢવી, ધનજી
કેરાસિયા, સુરેન્દ્રસિંહ જાડેજા, ના. સરોવર પૂર્વ સરપંચ સુરૂભા જાડેજા, નીતીનભાઈ વડગામા,કોટેશ્વર જાગીરના મહંત દિનેશગિરિજી,
ના. સરોવર જાગીર અધ્યક્ષ સોનલલાલજી મહારાજ, સૂર્યશંર
ગોર, અજિત જોષી સહિત ઉપસ્થિત રહ્યા હતા.