ગાંધીધામ, તા. 21 : અંજારના નગરમાં જૂના ઝઘડાનું મનદુ:ખ રાખીને છ શખ્સે પરિવાર ઉપર
હુમલો કરી ઘરમાં તોડફોડ કરી હતી. પોલીસનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ
બનાવ ગત મોડી રાત્રિના બે વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપીઓ રઝબ સમેજા, ઈકબાલ સમેજા, જયેશ કોલી,
રઝબ સમેજાની માતા અને તેની બે બહેન સહિત છ શખ્સ ધસી ગયા હતા. ફરિયાદી
ખેંગારભાઈ રામજીભાઈ ખાણિયા અને આરોપી રઝબ બે વર્ષ પહેલાં કડિયાકામ કરતા હતા. આરોપી
ગત રાત્રે ફરિયાદીનાં ઘરે ગયો હતો. તારા ઘરે તપાસ કરવી છે તેમ કહેતાં ફરિયાદીએ સવારે
આવવાનું કહ્યું હતું. ઉશ્કેરાયેલા શખ્સે બાદમાં
દરવાજો જોરથી પછાડી ઘરના અન્ય લોકોને બોલાવી લાકડી-ધોકા વડે હુમલો કર્યો હતો. ફરિયાદીને
માથાંમાં પાંચ ટાંક આવ્યા હતા તેમજ અન્ય પાંચ પરિવારજનને પણ હળવાથી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી તેમજ આરોપીઓએ ઘરમાં તોડફોડ કરી સામાનને નુકસાન પહોંચાડયું હતું. પોલીસે મહાવ્યથા,
એટ્રોસીટી સહિતની કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.