ભુજ, તા. 21 : અયોધ્યા ખાતે નૂતન રામ મંદિરનાં
નિર્માણ બાદ ભક્તોનો પ્રવાહ દર્શન માટે અવિરત ચાલુ છે, ત્યારે આજુબાજુનાં ધાર્મિક સ્થાનકોનો મહિમા
વધવા લાગ્યો છે. અયોધ્યાથી 35 કિ.મી. દૂર આવેલાં ભગવાન
સ્વામિનારાયણનાં જન્મ સ્થળ છપૈયામાં પણ ભક્તોની ભીડ વધી છે. છપૈયામાં ઘનશ્યામ મહારાજની
જગ્યાનું સંચાલન કાલુપુર (અમદાવાદ) સ્થિત સ્વામિનારાયણ મંદિર હસ્તક છે ત્યારે દેશ-વિદેશથી
આવતા હરિભક્તોની સુવિધાઓ વધારવાના હેતુએ વિશાળ પાયે પરિસરમાં બાંધકામ ચાલુ છે, અત્યારે
મંદિરમાં કાર્યરત ઉતારા અને ભોજનકક્ષ નાના પડતા હોવાથી નવા બાંધકામથી યાત્રિકોને વધુ સારી સગવડ આવનારા દિવસોમાં
મળતી થશે. છપૈયામાં બાળસ્વરૂપ ઘનશ્યામ મહારાજ મંદિરનું બાંધકામ ચાલુ છે. ઉપરાંત
બાળ-ઘનશ્યામ મહારાજની પ્રસાદીની વસ્તુઓ સફેદ મારબલથી બનતાં મંદિરના નીચેના ભાગમાં રાખવામાં
આવી છે. અંદરના ભાગમાં થતાં વિકાસ કામોની જેમ ભગવાનના અન્ય પ્રસાદીનાં સ્થળોએ પણ વિકાસ
કામો ચાલી રહ્યાં છે. અયોધ્યામાં રામ મંદિરમાં દર્શનનો લાભ લઈને ભાવિકોનો પ્રવાહ હાલમાં
છપૈયા તરફ જાય છે અને ત્યાં રાત્રિ રોકાણ કરે છે. પરિસરની પાછળ પણ તળાવ સહિતની સુવિધા
નવી બની છે. મંદિર પરિસર અને મંદિરની બહાર મોટે પાયે વિકાસ કામોનો ધમધમાટ જોવા મળે
છે.