ભુજ,તા. 21 : ભારતની અર્થવ્યવસ્થા વસુધૈવ
કુટુંબકમની ભાવનાવાળી અને સૌને સાથે લઈને ચાલવાવાળી રહી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ
ચાર ધાર્મિક સ્તંભમાં અર્થને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર
બનાવવાના લેવાયેલા સંકલ્પને સાકાર કરવામાં અર્થવ્યવસ્થાની ભૂમિકા મહત્વની રહેવાની છે
એવો સુર ભુજ ખાતે ગુજરાત અર્થશાત્ર મંડળની પ3મી આંતરરાષ્ટ્રીય પરિષદના પ્રારંભ સમયે ઉપસ્થિત અગ્રણીઓએ વ્યકત
કર્યો હતો.મુકતજીવન સ્વામીબાપા મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે કચ્છ યુનિવર્સિટી, ગુજરાત અર્થશાત્ર મંડળ, ઈન્ડિયન ઈકોનોમિકસ એલાઈડ સાયન્સ એસોસિએશન આગ્રા તેમજ ગ્લોબલ ઈકોનોમિસ્ટ ફોરમ
ઈન્ડિયા ચેપ્ટર દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય પરિષદને ખુલ્લી મુકતા કચ્છના સાંસદ વિનોદ
ચાવડાએ કચ્છને રણ, દરિયા અને પર્વતની ત્રિવેણી સંગમ સમાન ભુમિ
ગણાવી અહી થઈ રહેલું આયોજન સિમાચિહન રૂપ બનશે તેવો વિશ્વાસ દેખાડી ભૂકંપ બાદ આ જિલ્લાના
થયેલા વિકાસની વાત કરી હતી. અટલબિહારી વાજપાઈ
યુનિ બિલાસપુરના કુલપતિ પ્રો અરૂણ દિવાકરનાથ બાજપાઈએ પોતાના ઉદબોધનમાં ભારતીય અર્થવ્યવસ્થાનું
વૈવિધ્ય વર્ણવતા કહયું કે આ દેશની અર્થવ્યવસ્થા સામે અનેક પડકાર છતાં આજે આ દેશની અર્થવ્યવસ્થા
સતત આગેકુચ કરી રહી છે. તેમણે ભારતીય અર્થવ્યવસ્થાના વિવિધ પાસાઓની વિસ્તૃત છણાવટ કરી
હતી. તેમણે હાલમાં ચાલી રહેલા મહાકુંભનો ઉલ્લેખ કરી તહેવારો પણ દેશની અર્થવ્યવસ્થાને
ગતિ આપવામાં મહત્વની ભુમિકા ભજવતા હોવાનું કહયું હતું. કચ્છ યુનિ.ના કુલપતિ ડો. મોહનભાઈ
પટેલે ઉદબોધનમાં કચ્છને આ આંતરરાષ્ટ્રીય પરિષદનું યજમાનપદ મળ્યું તે બદલ ગારવની લાગણી
વ્યકત કરી કચ્છનો મુદો પણ તેમાં ચર્ચાશે તેની વિગતે વાત કરી હતી. ગુજરાત અર્થશાત્ર
મંડળના પ્રમુખ ડો. શ્રીકાંત કમલકરે આ મંડળની સ્થાપના અને તે પછીના વિકાસની વાત કરી
આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઈમ્પલીકેશન, આત્મનિર્ભર ભારતમાં
અર્થવ્યવસ્થાનું પ્રદાન, કચ્છ ઈકોનોમી અને ટુરીઝમના વિષયવસ્તુ
પર પ્રકાશ પાડયો હતો. કાર્યક્રમમાં ગુજરાત અર્થશાત્ર મંડળના સોવેનિયર તેમજ ડો. મુકિતબેન
પટેલ લિખીત પુસ્તકનું વિમોચન કરાયું હતું. તો સરદાર પટેલ એજયુકેશનની વેબસાઈટનું લોન્ચીંગ
કરાયું હતું. ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડ કોલકતાના ડાયરેકટર ડી.આર. અગ્રવાલ,
આઈશાના સેક્રેટરી ડો. આલોક કુમાર, મુકતજીવન સ્વામીબાપા
મહિલા કોલેજના ટ્રસ્ટી કિર્તીભાઈ વરસાણી, પરિષદના સંયોજક ડો.
કલ્પના સતીજા મંચસ્થ રહ્યા હતા. શાબ્દીક સ્વાગત કુલસચિવ ડો. અનિલ ગોરે કર્યુ હતું.
રેશ્માબેન ઝવેરી, કેશરાભાઈ પિંડોરિયા, ડો.
જુવાનસિંહ વાળા, જે.એન. રાણા ઉપસ્થિત રહયા હતા. આ પરિષદમાં કચ્છ-ગુજરાત
સહિત દેશભરમાંથી પ70 ડેલિગેટ ભાગ
લઈ રહ્યા છે. ત્રણ દિવસમાં 6પ0 સંશોધનપત્ર રજુ થવાના છે.