• શુક્રવાર, 13 માર્ચ, 2026

ઈચ્છામૃત્યુને સુપ્રીમ મંજૂરી : સંવેદના અને કાનૂન વચ્ચેનો દ્વંદ્વ

દિલ્હીમાં વસતા 32 વર્ષીય યુવાન હરીશ રાણાને ઈચ્છામૃત્યુ આપવાના વાલીઓના પ્રસ્તાવનો સુપ્રીમ કોર્ટે સ્વીકાર કરી લીધો અને એક વિસ્તૃત ચર્ચા દેશમાં શરૂ થઈ છે. સર્વોચ્ચ અદાલતે બુધવારે કહ્યું કે, હરીશની જે સારવાર ચાલી રહી છે તે તબીબી માર્ગદર્શન અને પ્રકિયા અનુસાર ક્રમશ: ઘટાડવામાં આવે અને તેને ગરિમાપૂર્ણ મૃત્યુ આપવામાં આવે. ભારતમાં આ પ્રકારનો પ્રથમ કિસ્સો છે, જ્યારે દર્દીને આ રીતે મૃત્યુ માટે કાનૂને પરવાનગી આપી હોય. સ્વાભાવિક રીતે ઈચ્છામૃત્યુની વાત આવે એટલે સંવેદના, શાત્રો અને વિજ્ઞાન તમામ ક્ષેત્ર તરફથી દલીલ થાય જ, પરંતુ આખું વૃત્તાંત જાણ્યા પછી એવું લાગે કે, હરીશ રાણા અનેક યાતના, પીડામાંથી મુક્ત થશે. 2013માં હોસ્ટેલના ચોથા માળેથી ગબડી પડયા બાદ હરીશ સંપૂર્ણ લકવાગ્રસ્ત છે, કોમામાં છે. કોઈ જ અનુભૂતિ તેમને થતી નથી અને બોલી શકતા પણ નથી. ડોક્ટરોએ તેમને ક્વાડ્રિપ્લેજિયા બીમારીથી પીડાતા હોવાનું જાહેર કર્યું છે. વેન્ટિલેટરના સહયોગ વગર તે જીવી ન શકે અને નળી વગર ખોરાક લઈ ન શકે. તેમના સાજા થવાની કોઈ સંભાવના નથી. દિવસે દિવસે વધતી પીડાનાં પરિણામે તેના માતા-પિતાએ સ્વેચ્છા મૃત્યુ-યુથેનેશિયા-મર્સીકિલિંગની માગણી કરી હતી. પિતા અશોક રાણાએ ત્યાં સુધી કહ્યું કે, સગા દીકરાને આ રીતે મૃત્યુના શરણે સોંપતા અમારો જીવ પણ ચાલે નહીં, પરંતુ 13 વર્ષથી તેની પીડા અમે જોઈ શકતા નથી. ભારતમાં તો ઈચ્છામૃત્યુ કાનૂની રીતે પ્રતિબંધિત છે, તો પછી આ કેવી રીતે? તેવો પ્રશ્ન થાય, પરંતુ અહીં એક્ટિવ નહીં, પરંતુ પેસિવ એટલે કે પરોક્ષ અથવા તો નિક્રિય ઈચ્છામૃત્યુનો માર્ગ અપનાવાયો છે. ડોક્ટર પોતે દર્દીને મૃત્યુ માટે દવા કે ઈન્જેક્શન આપે તે એક્ટિવ યુથેનેશિયા કહેવાય, પરંતુ અહીં બીમાર વ્યક્તિને જીવન ટકાવવા જે પણ સહાય અથવા સારવાર અપાતી હોય તે ધીમે ધીમે બંધ કરી દેવામાં આવે, જેથી દર્દી પ્રાકૃતિક રીતે મૃત્યુ પામે. હરીશ રાણા માટે આ રીત અપનાવવામાં આવશે. શેક્સપિયરની ઉક્તિ ટુબી ઓર નોટ ટુબીનો ઉલ્લેખ કરીને સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આવા કિસ્સાઓમાં અદાલતોએ મૃત્યુના અધિકાર ઉપર વિચાર કરવો પડતો હોય છે. ઈચ્છામૃત્યુની પ્રક્રિયા માટે બે બાબત અત્યંત મહત્ત્વની છે, એક તો તે ચિકિત્સા ઉપચારની શ્રેણીમાં સમાવિષ્ટ હોય અને બીજું દર્દીના પૂર્ણ હિતમાં હોય. દર્દીની સારવાર કરવી તે ડોક્ટરનું કર્તવ્ય છે, પરંતુ જ્યારે સાજા થવાનું શક્ય જ ન હોય ત્યારે કર્તવ્યનું સ્વરૂપ બદલાઈ જાય. 2005માં કોમન કોઝ નામની સ્વૈચ્છિક સંસ્થાએ યુથેનેશિયા-નિક્રિય ઈચ્છામૃત્યુના અધિકારની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને 9 માર્ચ, 2018ના દિવસે તત્કાલીન સીજેઆઈ દીપક મિશ્રાના વડપણ હેઠળની પાંચ જજની બેંચે આ ઈચ્છામૃત્યુને કાનૂની માન્યતા આપી હતી. બેંચે કહ્યું હતું કે, કોઈ પણ દર્દી અસાધ્ય રોગથી પીડાતો હોય, ફક્ત લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર જીવિત હોય તો પ્રાકૃતિક રીતે તેની સારવાર બંધ કરી શકાય અને તેને ઈચ્છામૃત્યુ નહીં પરંતુ સન્માન સાથે મૃત્યુનો અધિકાર ગણવામાં આવશે.  આ પ્રકારની જોગવાઈ સામે પણ સંવેદના અને શાત્રોક્ત દલીલો હોય તો તેની પણ જોગવાઈ જાણી લેવાની જરૂર છે. 2018માં પેસિવ યુથેનેશિયાને માન્યતા આપતી વખતે સુપ્રીમ કોર્ટે બે નિયમ બનાવ્યા છે. તે મુજબ દર્દીએ સભાન અવસ્થામાં સ્વસ્થ હોય ત્યારે પોતાનું લીવિંગ વિલ બનાવેલું હોવું જોઈએ, જેમાં સ્પષ્ટ હોય કે જો પોતે અસાધ્ય રોગથી પીડાય તો તેને ઈચ્છામૃત્યુની મંજૂરી આપવામાં આવે, જ્યારે આવું વિલ ન હોય ત્યારે પરિવારજનોની મંજૂરી આવશ્યક છે. હરીશને તો હવે એઈમ્સમાં લઈ જવાશે અને તબીબી માર્ગદર્શનમાં તેનું મૃત્યુ સરળ બનાવાશે. વિજ્ઞાન માણસને આ રીતે મૃત્યુ પામવાની `સવલત' આપે, સંવેદના આવું કરવાની ના પાડે. જો કે, દર્દી અને તેના સગા આ સ્થિતિને વધારે સમજી શકે. અમેરિકા સહિતના દેશોમાં આ પ્રકારે મૃત્યુ ગેરકાનૂની છે. ભારતે પણ સક્રિય ઈચ્છામૃત્યુને માન્યતા આપી જ નથી. રશિયા, પાકિસ્તાનમાં પણ મંજૂરી નથી. પ્રાચીન સમયમાં આવા દૃષ્ટાંત જોવા મળતા. આધુનિક વિજ્ઞાન ઉત્તમ સારવાર આપી શકે છે તેમ છતાં મૃત્યુ ઉપર હજી તેનો વિજય થયો નથી, એક યા બીજી રીતે મૃત્યુ સામે વિજ્ઞાને ઝૂકવું પડે છે.  

Panchang

dd